શહેરનાં ભટાર ખાતે રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક આઘેડ આજે સવારે ટ્રેડ મિલ પર વોકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન જ તેઓને હાર્ટ એટેક આવતાં કરૂણ મોત નિપજ્યું હતું. જીમમાં કસરત કરી રહેલા અન્ય લોકો દ્વારા આઘેડને બચાવવાના ભારે પ્રયાસો કરવા છતાં તેમનો જીવ બચવા પામ્યો નહોતો. સમગ્ર ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે આઘાત પ્રસરી જવા પામ્યો છે.
સુરત સહિત રાજયભરમાં યુવાઓથી માંડીને સામાન્ય નાગરિકોમાં હાર્ટ એટેકના કારણે મોતની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. રોજીંદા કામકાજથી માંડીને સામાન્ય કસરત વેળાએ હાર્ટ એટેક આવતાં જ ઘટના સ્થળે ઢળી પડેલા લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે શહેરા અલથાણ વિસ્તારમાં વધુ એક ઘટના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનવા પામી છે.
ભટાર ખાતે રહેતા અને કાપડ માર્કેટમાં ધંધો કરતાં 60 વર્ષીય દ્વારકાદાસ મારૂ રોજની જેમ આજે પણ કસરત કરવા માટે જીમ પહોંચ્યા હતા. જયાં તેઓએ રાબેતા મુજબ ટ્રેડ મિલ પર ચાલવાનું શરૂ કર્યું હતું અને થોડી જ વારમાં તેઓ ટ્રેડ મીલ પર ઢળી પડ્યા હતા.
આ ઘટનાને કારણે તેમની બાજુમાં જ વોકિંગ કરી રહેલા એક અન્ય યુવક સહિત અન્ય લોકોએ તેમને સીપીઆર આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દ્વારકાદાસનો દેહ નિશ્ચેતન થઈ ચૂક્યો હતો. દ્વારકાદાસનું જીમમાં થોડી જ સેકન્ડોમાં મોત નિપજી ચૂક્યું હતું. વેપારીના મોતના પગલે જીમમાં કસરત કરનારાઓ આઘાતમાં સરી પડ્યાં હતાં. મોતની જાણ થતા વેપારીના પરિવારજનો દોડી આવ્યા હતા.