વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતેથી સુરત એરપોર્ટ તરફ રવાના થઈ રહ્યાં હતાં તે દરમિયાન અઠવાગેટ વિસ્તારથી લઈને ડુમસ ચોકડી એરપોર્ટ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે તમામ પ્રકારના વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી.
આ દરમિયાન ધો. 10 બોર્ડની એક વિદ્યાર્થિની પરીક્ષા આપવા જઈ રહી હતી તે સુરત સર્કિટ હાઉસ ચોકડી પાસે અટવાઈ ગઈ હતી. એક તરફ નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થવાની તૈયારીમાં હતો તો બીજી તરફ વિદ્યાર્થિની પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા માટે અધીરી થઈ હતી. આંખમાં આંસૂ પણ આવી ગયા હતાં.
પ્રોટોકોલ પ્રમાણે જ્યાં સુધી પીએમનો કાફલો અહીંથી પસાર ન થાય ત્યાં સુધી કોઈ પણ વાહનને ન જવા દેવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી, જેને કારણે વિદ્યાર્થિની રડતી ઉભી રહી હતી. જ્યારે પોલીસની નજર તેના ઉપર પડી હતી અને તુરંત જ તેનો સંપર્ક કરી લેવામાં આવ્યો હતો. જે પોલીસની કાર સર્કિટ હાઉસ પાસે ઊભેલી હતી તેમાં તાત્કાલિક વિદ્યાર્થિનીને બેસાડીને પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડવામાં આવી હતી.

રડતા-રડતા ઉભી હતી તે દરમિયાન પોલીસે તેમને પીએમના કાફલાની પાછળ એક મિનિટ પણ બગાડ્યા વગર વિદ્યાર્થિનીને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે ગાડી રવાના કરી દીધી હતી.
કાફલા પાસે ઉભેલા તમામ વાહનચાલકો પણ આ નજારો જોતા હતા. વિદ્યાર્થિની પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોંચી જાય તેના માટે પોલીસે તાત્કાલિક નિર્ણય લઈને પીએમના કાફલાની પાછળ મોકલી આપી વિદ્યાર્થિનીનો સમય બચાવી લીધો હતો.
