સુરત: બોર્ડની પરીક્ષા જેટલી મુશકેલ હોય તેના કરતાં તેનો ડર વધુ મોટો છે. બોર્ડનું વર્ષ શરૂ થાય તે પહેલાંથી જ વિદ્યાર્થી, વાલી ટેન્શનમાં આવી જતા હોય છે. સંબંધી, શિક્ષકો વારંવાર ટોકતા હોય છે, તેના લીધે વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે, પરંતુ સુરતના સ્ટુડન્ટ્સે આ ડરને જ પોતાની તાકાત બનાવી દીધી હતી. સખ્ત મહેનત સાથે એટલી પાક્કી તૈયારી કરી કે પરીક્ષા સરળ લાગી હતી. હવે જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે આ વિદ્યાર્થીઓના ચહેરા પર મહેનતનું ફળ મળ્યાની ખુશી જોવા મળી રહી છે.
રીયા ગોપાલરામ રામ
રિક્ષાચાલકની દીકરીએ 98.27 ટકા સાથે બોર્ડ પાસ કર્યું
પુણા વિસ્તારની ક્રિષ્ણા સંકુલમાં ભણતી રિક્ષાચાલકની દીકરી રામ રિયા ગોપાલરામે 98.27 ટકા અને 98.33 પર્સેન્ટાઈલ સાથે ધો. 10 પાસ કર્યું છે. રિયાએ કહ્યું કે, પિતા રિક્ષા ચલાવે છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. એક જ રૂમમાં ત્રણ ભાઈ-બહેન અને માતા-પિતા સાથે રહે છે. રાત્રિના સમયે મોડે સુધી લાઈટ ચાલુ રાખી વાંચી પણ ન શકું. કારણ કે બીજા ડિસ્ટર્બ થાય. છતાં માતા-પિતા અને સ્કૂલ તરફથી ખૂબ સપોર્ટ મળ્યો. આ જ સ્કૂલમાં આગળ અભ્યાસ કરવો છે.
નિતેશ ચૌધરી
ધોબીના દીકરાએ ગરીબ માતા-પિતાનું માન વધાર્યું
એક જોડે ત્યાં તેર તૂટે જેવી ઘરની સ્થિતિ. પિતા ધોબી અને માતા બહાર કામ કરવા જાય. જેને ગરીબી વારસામાં મળી હોય તેની પાસે મહેનત સિવાય અન્ય કોઈ વિકલ્પ હોતો નથી. પુણાની ક્રિષ્ણા સ્કૂલમાં ભણતો નિતેશ ચૌધરી પરિવાર અને શાળાના શિક્ષકોના સપોર્ટથી સખ્ત મહેનત કરીને ધો. 10માં 94 ટકા અને 98.99 ટકા સાથે પાસ થયો છે. પરિવારની સ્થિતિ બદલવા માટે જીવનમાં કંઈક મોટું કરવાની ભાવના નિતેશના મનમાં છે.
શિહોરા શ્રેયા વિપુલભાઈ
રત્નકલાકારની દીકરીને CA બનવું છે
યોગી ચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી શાળામાં ભણતી શિહોરા શ્રેયા વિપુલભાઈએ 94.33 ટકા અને 99.14 ટકા સાથે પાસ થઈ એ-1 ગ્રેડ હાંસલ કર્યો છે. 10 પાસ પિતા રત્નકલાકાર છે. તેણીને ભવિષ્યમાં CAના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે.
ઈવા પરસોત્તમભાઈ દેસાઈ
બોર્ડની પરીક્ષાથી ડરતી ઈવા 93.50 ટકા સાથે પાસ થઈ
બોર્ડની પરીક્ષાનો કોમળ મનના વિદ્યાર્થીઓના મનમાં ખૂબ જ ડર હોય છે. આવો જ ડર ઈવા પરસોત્તમભાઈ દેસાઈને હતો. તે બોર્ડ એક્ઝામથી ગભરાતી હતી. ડર દૂર કરવા તેણે મહેનતનો માર્ગ અપના્યો. તે સવારે 7થી રાત્રે 7 વાગ્યા સુધી ભણતી હતી. શિક્ષકો પાસે ડાઉટ ક્લીયર કરાવતી. એટલી બધી તૈયારી કરી કે બોર્ડની પરીક્ષાનો જતો રહ્યો. વિજ્ઞાનમાં ઈવાને તકલીફ હતી અને તે જ વિષયમાં તેના 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. હવે તે એન્જિનિયર બનવા માંગે છે.