સુરત: સરથાણાના સિમાડા નાકા વિસ્તારમાં એમ્બ્યુલન્સના ડ્રાઈરે બેદરકારથી એમ્બ્યુલન્સ હંકારી મોપેડ સવાર યુવકને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું. યુવક હાલમાં અમદાવાદમાં સીએનો અભ્યાસ કરી રહ્યો હતો.
- લોકોને બચાવતી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જ મોપેડ સવારને અડફેટમાં લઈ મોત નિપજાવ્યું
- મરનાર યુવાન હાલમાં અમદાવાદમાં રહીને સીએનો અભ્યાસ કરતો હતો, ચાલક સામે ગુનો નોંધાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, 21 વર્ષિય અનિલ રાજેશ ગોધાણી મૂળ અમરેલી જિલ્લાના નવી હળિયાદ ગામનો વતની હતો. તેના પિતા વતન રહે છે. અનિલ અમદાવાદમાં રહીને સીએનો અભ્યાસ કરતો હતો. સુરતમાં સરથાણા જકાતનાકા આગળ શ્યામધામ મંદિર પાસે શિવાય હાઇટ્સમાં અનિલના કાકા કુમનભાઈ ગોધાણી રહે છે. છેલ્લા ત્રણેક મહિનાથી અનિલ સુરતમાં તેના કાકાના ઘરે રહેતો .
મંગળવારે અનિત સરથાણા વિસ્તારમાં જ રહેતી તેની ફોઈના ઘરે હોળી રમવા માટે ગયો હતો. બુધવારે સાંજે અનિલ મોપેડ લઈને કાકાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં સિમાડા નાકા પાસે ઉમંગ હાઇટ્સની સામે રઘુકુલ ચોક પાસે એક એમ્બ્યુલન્સના ડ્રાઈવરે બેદરકારીથી એમ્બ્યુલન્સ ચલાવીને અનિલની મોપેડને અડફેટે લીધો હતો. તેના કારણે અનિલને ગંભીર ઇજાઓ થઈ હતી. અનિલને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અનિલના કાકા કુમનભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
અજાણ્યા બાઇકર પર રંગ નાખવા જતા બાઇકરે રંગ નાખનારને અડફેટે લેતા ઇજા, સિવિલમાં દાખલ
ભરીમાતા ખાતે ફુલવાડીમાં રહેતો રાજુ ચંદુલાલ શાહ( 53 વર્ષ) પંડોળમાં કારખાનામાં નોકરી કરે છે. બુધવારે સવારે ધૂળેટી હોય રાજુ રસ્તા પર મિત્રો સાથે ધૂળેટી રમી રહ્યો હતો. રસ્તા પર આવતા-જતા લોકોને રંગ લગાવતો હતો. તે સમયે એક અજાણ્યો બાઇકર આવતા રાજુ તેને પણ રંગ લગાવવા માટે ગયો હતો. તેને બાઇકર પર રંગ નાખતા બાઇકરને કાંઈ દેખાયું નહીં અને તેને બેસેન્લ ગુમાવ્યો હતો. ત્યાર બાદ બાઇકરે બાઇકથી રાજુને ટક્કર મારતા રાજુને ગંભીર ઇજા થઈ હતી. રાજુ શાહને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ધૂળેટીના દિવસે 400થી વધુ લોકોને ઈજા થઈ
ધૂળેટીના દિવસે શહેરમાં એમ્બ્યુલન્સ સતત દોડતી હતી. સાઈરનનો અવાજ સતત રણકતો રહ્યો હતો. દિવસ દરમિયાન આખા શહેરમાં તમામ પ્રકારના ઇજાના 400 થી વધુ કેસ માત્ર સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોનો આંકડો જૂદો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલમાં એમએલસીના 220 કેસ છે. ઓપીડીના 645 કેસ અને જ્યારે સ્મીમેરાં પણ 200 કેસ એમએલસીના છે. સિવિલ હોસ્પિટલમાં માત્ર 24 કલાકમાં રોડ ટ્રાફિક એક્સિડેન્ટના 59 કેસ નોંધાયા છે. મારામારીના 41 કેસ નોંધાયા છે. પડી જવાથી 19 જણાને ઇજા થઈ છે. અકસ્માતે ઇજાના 3 કેસ છે. પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું હોય એવા 2 કેસ છે અને ઇલેક્ટ્રિક કરંટ લાગવાનો એક કેસ છે. ઉપરાંત શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ સંખ્યાબંધ કેસ નોંધાયા છે.