SURAT

ડીંડોલીની ચોંકાવનારી ઘટના: મળસ્કે ઘરમાં ઘૂસી અજાણ્યાએ સૂતેલા દંપતી પર જીવલેણ હુમલો કર્યો

સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં આજે મંગળવારે મળસ્કે ચોંકાવનારી ઘટના બની છે. અહીં પોતાના ઘરમાં સૂતેલા દંપતી પર હુમલો થયો છે. અજાણ્યા હુમલાખોરે ઘરમાં ઘુસીને તિક્ષ્ણ હથિયારથી દંપતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, દંપતી જાગી જતા અજાણ્યો ભાગી છૂટ્યો હતો.

  • ડીંડોલીની ડ્રીમ વિલા સોસાયટીની ઘટના, મળસ્કે 4.30 કલાકે અજાણ્યો રણજીત મોદીના ઘરમાં લૂંટના ઈરાદે ઘૂસ્યો
  • દંપતી જાગી જતા તિક્ષ્ણ હથિયારથી દંપતી પર હુમલો કરી ભાગી છૂટ્યો
  • ઈજાગ્રસ્તે દંપતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયું, પોલીસે તપાસ શરૂ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી ડ્રીમ વિલા સોસાયટીમાં આજે મળસ્કે 4.30 કલાકે ચોંકાવનારી ઘટના બની હતી. ડ્રીમ વિલા સોસાયટીમાં નવા મકાનોનું બાંધકામ થઈ રહ્યું છે. જોકે, અહીં એક મકાનમાં રણજીતભાઈ વિજયભાઈ મોદી તેમના પત્ની ગુડ્ડી અને બે બાળકી સાથે રહે છે.

મળસ્કે 4.30 કલાકે પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યો અંદર ઘુસી ગયો હતો. તે સમયે ત્યાં રહેતું દંપતી જાગી જતા અજાણ્યાએ ચપ્પુ વડે તેમના ઉપર હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયો હતો.ગંભીર ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું હતું.બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ડીંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યો લૂંટના ઈરાદે કે અન્ય કોઈ ઈરાદે આવ્યો હતો તે અંગે તપાસ કરી રહી છે.

પોલીસે કહ્યું કે,રણજીતભાઈ વિજયભાઈ મોદી અને તેમના પત્ની ગુડ્ડી રણજીતભાઈ મોદીનાઓ રાત્રે પોતાના બે બાળકી સાથે ઘરમાં સુતા હતા.દરમિયાન આજે મળસ્કે 4.30થી 5 વાગ્યાના સમયગાળા એક યુવક તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને તીક્ષણ હથિયાર વડે બન્ને ઉપર હુમલો કરી નાશી છૂટયો હતો.દંપતી ઉપર હુમલો કરનાર કોણ છે અને કયા કારણસર હુમલો કરવામાં આવ્યો છે, તે હાલમાં જાણવા નહિ મળ્યું છે. જોકે સીસીટીવી તેમજ હુમન રિસોર્સના આધારે તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top