20મી જાન્યુ.ના ‘ગુજરાતમિત્ર’નો અહેવાલ વાંચી અત્યંત આશ્ચર્ય થયું. કોબ્રાના ઝેરનો વેપાર થાય છે અને એનો ઉપયોગ નશો કરવામાં પણ થાય છે. કેટલાક કિસ્સામાં નશાનાં બંધાણીઓ સાપનો ડંખ પણ લે છે! પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સાપ કે નાગનું ઝેર જાન લેવા હોય છે. તો એ નશેડીઓને ઝેર ચઢાવવાનો ડર નહીં લાગતો હોય! કિંગ કોબ્રાની ગણતરી વિશ્વના સૌથી ઝેરીલા નાગ તરીકે થાય છે. તો એનો નશો કરવાનો? અને એનું મૂલ્ય પણ કરોડોમાં! લોકો ડ્રગ્સ, દારૂ, સિગરેટ કે અન્ય નશાકારક પદાર્થના બંધાણી જાણ્યા હતા પણ ઝેરના બંધાણી હોય એ તો ગજબ કહેવાય! ‘ઝેરનાં પારખાં ન હોય’ એ ઉક્તિ હવે વિસ્મૃત થતી જશે.
કારણકે એના (ઝેરનાં) પારખાં કરવા પણ બંધાણીઓ તૈયાર છે! પાર્ટીઓમાં પણ ઝેરનો ઉપયોગ નશો કરવા માટે વપરાય છે. હજુ દુનિયામાં કેટલા પ્રકારનાં કેફી દ્રવ્યો આવવાનાં બાકી હશે? ઝેર અંતિમ ચરણ હોય તો સારું, નહીં તો યુવાધન કયા માર્ગે જશે? અને એના વેપાર કરનારા પણ કમિશનના ચક્કરમાં આવા અનીતિના વેપાર કરતા જ રહેશે! ઝેર મેળવવા સાપ કે નાગની હત્યા જ થતી હશે ને? કદાચ ઝેરની કોથળી એના મુખમાંથી કાઢી લેવાતી હશે. સાપ કે નાગ ખેડૂતનો મિત્ર ગણાય છે. ઉંદર કે બીજી જીવાતથી પાકને રક્ષણ આપે છે. એને છંછેડવામાં આવે તો જ એ ડંખ મારે છે. કુદરતની ગોઠવણ એ પ્રકારની છે. માનવીએ પર્યાવરણમાં દખલગીરી કરી કુદરતની ગોઠવણમાં ખલેલ પહોંચાડી છે.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.