Charchapatra

અજબ માનવદેહ

પૃથ્વી પરના અસંખ્ય જીવોમાં માનવ સર્વોચ્ચ સ્થાને છે. જન્મ અને મૃત્યુનું ચક્કર ભલે ચાલતું રહે, નવજાત શિશુઓથી માનવસમાજ કાયમ રહે છે. વીર્ય બિંદુ અને શુકાણુની લીલા, પેલા બીજમાંથી વૃક્ષ થવા જેવી છે. જન્મ પછી બાળકની નિરંતર વૃધ્ધિ થતી રહે છે, જે યુવાવસ્થાપર્યંત થતી રહે છે. માનવદેહ અને જીવનમાં કુદરતે કમાલ કરી છે. પ્રાદેશિક વાતાવરણ અનુસાર દેહની લંબાઇ, વર્ણ, ભાષા, સામાજિક પરંપરા સર્જાય છે. કેટલાક માનવ અત્યંત બુદ્ધિશાળી, કેટલાક મંદ બુદ્ધિનાં તો કેટલાંક મૂંગાં-બહેરાં મળે છે. સુપર કોમ્પ્યુટરથી પણ વધુ શકિતશાળી માનસિક કોમ્પ્યુટર માણસને કુદરતે વારસામાં ભેટ આપ્યું છે.

દરિયાની રેતીના એક કણ જેટલા માનવમગજના એકજ કોષમાં વીસ લાખ એક્ષોલ્સ હોવાનું વૈજ્ઞાનિકો માને છે, વળી એક અબજ જેટલા સિનેપ્સીસ પણ હોવાનું જણાવે છે, જે તમામ પરસ્પરના સંયોજનથી માહિતીની જાણકારી અને સંગ્રહનું કામ કરે છે, માણસના મગજમાં ન્યૂરોન્સની મદદથી માહિતીનો સંગ્રહ થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના મસ્તિષ્ક વિભાગના સંશોધન અનુસાર બાળકના જન્મ સમયે મગજ સો અબજથી વધુ ન્યૂરોન્સ ધરાવે છે, શરીર જેમ જેમ ભાવાત્મક જોડાણો વધારતું જાય છે તેમ તેમ મગજમાં ન્યૂરોન્સનું પ્રમાણ પણ વધતું જાય છે. પુરુષ આધિપત્યને કુદરતે આંચકો આપ્યો છે. પુરુષોના મગજમાં પંદર હજાર કિલોમીટરના રેસાઓ હોય છે તો સ્ત્રીઓના મગજમાં અઢાર હજાર કિલોમીટર લાંબા રેસાઓ પથરાયેલા હોય છે. પુરુષ કરતાં સ્ત્રીઓમાં મગજની સ્થિતિસ્થાપકતા, સમાયોજનાની ક્ષમતા, શીખવાની પ્રક્રિયાની ગતિ ઘણી વધારે હોય છે.

પુરુષ કરતાં સ્ત્રીઓનું મગજ સંવેદનપ્રક્રિયાને વધુ ઝડપે પ્રતિપાદિત કરે છે. ઘણી બાબતોમાં શિક્ષિતોની સરખામણીમાં અલ્પશિક્ષિત કે નિરક્ષરના અનુભવ, બુદ્ધિશક્તિ અચરજ પમાડે તે હદે વધુ પરિણામ દર્શાવે છે. ગ્રામીણ બાળકોમાં ફંકશનલ આઇ-કયુ અથવા તો ઇમોશનલ કવોશન વધુ કે ઊંચા પણ જણાયા છે. ભારતીય વૈજ્ઞાનિકો મગજનાં રહસ્યો ઉકેલવા આગેકૂચ કરી રહ્યા છે. મગજશકિતનો બહુ ઓછો ઉપયોગ લોકો સામાન્ય રીતે કરે છે, જેથી મોટા પ્રમાણમાં મગજશકિત વણવપરાયેલી પડી રહે છે. બદલાતા જમાના અને સંજોગોમાં માનવ વધુ ને વધુ પ્રગતિ-ઉન્નતિ સાધી શકે છે. અજબ માનવદેહ અને તેનાં રહસ્યો પરથી પરદા ખસી રહ્યા છે. માનવે વ્યસ્ત જીવનમાં ઘણું બધું જરૂરી જાણવું રહ્યું.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top