1970ના દાયકામાં મેરી કેથરીન નામની મહિલા કોઈમ્બતુરમાં ‘બ્લુ માઉન્ટેન્સ’ નામનું ચિલ્ડ્રન હોમ ચલાવતી હતી. તે સમયે આયવુ અને સરસ્વતી નામના દંપતીએ તેમનાં બે બાળકો વિજયા અને રાજકુમારને આ બાળગૃહમાં છોડી દીધાં હતાં. 1979માં રાજકુમારને ડેનિશ દંપતી દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો. તેઓએ તેને નામ આપ્યું – કેસ્પર એન્ડરસન. તે જ સમયે રાજકુમારની બહેન વિજયાને અમેરિકાના એક દંપતીએ દત્તક લીધી હતી. વિજયાને પણ નવું નામ મળ્યું, આ નામ હતું ડિયાન વિજયા કોલ. હવે 42 વર્ષ પછી DNA ટેસ્ટિંગ ટેક્નોલોજીના કારણે બંને ભાઈ-બહેન એકબીજાને મળ્યાં છે!
ડિયાનને 1 ફેબ્રુઆરી, 1979ના રોજ દત્તક લેવામાં આવી હતી. તેનાં નવા માતા-પિતા તેને અમેરિકા લઈ ગયાં હતાં. કેસ્પરને તે જ વર્ષે 9 ફેબ્રુઆરીએ દત્તક લેવામાં આવ્યો હતો અને તેને ડેનમાર્ક લઈ જવામાં આવ્યો હતો.ડિયાનને યાદ છે કે તેનો એક નાનો ભાઈ હતો, પરંતુ જ્યારે કેસ્પરને દત્તક લેવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ નાનો હતો. તેને યાદ ન હતું કે તેની કોઈ બહેન છે. આ બંને ભાઈ-બહેનો પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી છે. ડિયાન કહે છે કે જ્યારે તે 3 વર્ષની હતી ત્યારે તેની માતાએ તેને એમ કહીને અહીં છોડી દીધી હતી કે તે ખોરાક લેવા માટે બહાર જઈ રહી છે.
ડોક્યુમેન્ટરીમાં તે કહે છે, હું રડી રહી હતી અને મારી માતાને મને છોડી ન જવા માટે કહી રહી હતી. છેલ્લી વખત જ્યારે મેં તેને તે સમયે જોયો હતો.ડિયાને કહ્યું કે જ્યારે તે વિદેશમાં એક શ્વેત પરિવારમાં ઉછરી ત્યારે તે ખૂબ જ એકલતા અનુભવતી હતી. હું મારી માતાને ભૂલી શકી નથી. મારી પાસે ભારત સાથે જોડાયેલી યાદો હતી. જોકે, મને દત્તક લેનાર પરિવારે મારી સારી કાળજી લીધી અને મારી સારી સંભાળ લીધી. કેસ્પર કહે છે કે તે ખૂબ જ નાની ઉંમરે શીખ્યો હતો કે તે જે પરિવાર સાથે રહેતો હતો તે તેનું પોતાનું નથી. તે યુરોપમાં હોવા છતાં, તેની સ્કીનના કલર પરથી તે જાણતો હતો કે તેના મૂળ ભારતમાં છે. તે કહે છે, મને ક્યારેય મારાં મૂળ શોધવાનો મોકો મળ્યો નથી. હું બે વાર કોઈમ્બતુર આવ્યો છું. એક વાર 2015માં અને ફરી 2019માં. મને જાણવા મળ્યું કે હું જે ચિલ્ડ્રન હોમમાં હતો તે બંધ થઈ ગયું હતું. હું નિરાશ થઈને ડેનમાર્ક પાછો ગયો હતો.
તે જ સમયે કેસ્પરના એક મિત્રએ સૂચવ્યું કે તેણે DNA ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે એવી ઘણી કંપનીઓ છે જે DNA સેમ્પલનું પરીક્ષણ કરે છે. પરિવાર વિશે વધુ જાણવાની આશાએ કેસ્પરે તેના DNA સેમ્પલ એન્સેસ્ટ્રી નામની પેઢીને આપ્યા હતાં. શરૂઆતમાં કેસ્પરને પ્રોત્સાહક પરિણામ મળ્યું ન હતું, પરંતુ થોડા મહિનાઓ પછી યુએસએના ઉટાહથી માઈકલ નામની વ્યક્તિએ તેમને ફોન કર્યો અને કહ્યું કે તેમના DNAના નમૂના એક વ્યક્તિના નમૂના સાથે અમુક હદ સુધી મેળ ખાય છે. કેસ્પરે વધુમાં જણાવ્યું હતું કે, મારાં DNA સેમ્પલ આપ્યાં પછી, તે વ્યક્તિએ તેનાં સેમ્પલ પણ તે જ કંપનીને આપ્યા હતા.
બીજી તરફ ડિયાનનું કહેવું છે કે, મારો દીકરો માઈકલ કોઈ કામ માટે થોડાં સમય માટે બેંગ્લોર ગયો હતો. ત્યાંથી તેણે મને ફોન પર કહ્યું – મમ્મી, મને તમારાં કેટલાંક સંબંધીઓ મળ્યાં છે.ડાયનને યાદ આવ્યું કે તેનો એક ભાઈ પણ છે, પરંતુ શરૂઆતમાં તેણે વિચાર્યું કે તેનાં પુત્રને કોઈ દૂરના સંબંધી મળ્યાં હશે. પાછળથી તેને ખબર પડી કે તેનાં પુત્રએ જે શોધ્યું તે તેનો સગો ભાઈ હતો. પોતાના પરિવારની શોધમાં ડિયાને તેનાં DNA સેમ્પલ પણ અન્ય કંપનીને આપ્યાં હતાં. ડિયાન કહે છે, મને યાદ છે કે જ્યારે હું ચિલ્ડ્રન હોમમાં હતી ત્યારે મારી સાથે એક નાનું બાળક હતું. જ્યારે હું તેને મળતી ત્યારે હું તેને ખાવાનું અને નાસ્તો આપતી હતી.
કેસ્પર કહે છે કે માઇકલે તેને કહ્યું હતું કે તેની માતાને તે જ બાળકોના ઘરમાંથી દત્તક લેવામાં આવી હતી. તે કહે છે, હું મારાં માતા-પિતાની શોધમાં ભારત આવ્યો હતો, પરંતુ મને ખબર નહોતી કે મારી એક બહેન પણ છે. મેં 2019માં પહેલી વાર તેની સાથે ફોન પર વાત કરી હતી. આ વર્ષો દરમિયાન લોકડાઉન હોવાથી ભાઈ-બહેનને મળવા માટે આ વર્ષના ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડી હતી. કેસ્પરે ફરી એક વાર ‘23 એન્ડ મી’ નામની કંપનીને પોતાના DNA આપ્યાં હતાં. કેસ્પર કહે છે, બંનેના DNA 100% મળી આવ્યા હતા. હું મારી બહેનને શોધી શકું તે પહેલાં જ મને ચિલ્ડ્રન હોમમાંથી એક તસ્વીર મળી, જેમાં મારી બહેન મારી સામે ઉભેલી જોવા મળી હતી. મેં ત્યાં સુધી તેણીને માત્ર ફોટામાં જ જોઈ હતી. ત્યારથી તેને મળવાની તીવ્ર ઈચ્છા જાગી હતી.
કેસ્પરે કહ્યું, જ્યારે હું મારા માતા-પિતાની શોધમાં ભારત આવ્યો ત્યારે મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું મારી બહેનને શોધીશ. મેં આ માત્ર નવલકથાઓ અને વાર્તાઓમાં જ વાંચ્યું હતું. જ્યારે મને ખબર પડી કે મારી એક બહેન છે તો મારી અંદર જે લાગણીઓ ઉભરાઈ રહી હતી તે હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. ડિયાન કહે છે કે કેસ્પર સાથે પહેલી વાર વાત કરતી વખતે તેને ખબર પડી કે તે તેનો ભાઈ છે. ડિયાન અને કેસ્પર હવે એકબીજાના સંપર્કમાં છે. બંને ટૂંક સમયમાં સાથે આવવાની અને ભારતમાં તેમના પરિવારના વધુ સભ્યો શોધવાનું આયોજન કરી રહ્યાં છે.