Charchapatra

રસ્તે રઝળતી વાર્તા

હજી જેમની જીવનકથાની શરૂઆત જ થઈ હોય તેવાં બાળકોને રસ્તે રઝળતી વાર્તા બની જવાનું દુર્ભાગ્ય સાંપડે અને સમાજ તથા સરકાર તે તરફ દુર્લક્ષ દર્શાવે તે માનવતાવિરોધી અભિગમ જ ગણાય. મોડે મોડે પણ સુરત મહાનગરપાલિકાનું તે દિશામાં ધ્યાન ગયું છે તે અભિનંદનપાત્ર હકીકત જ કહેવાય. શિક્ષણવંચિત પેટિયું રળતાં બાળકોના જીવન ઉત્થાન માટે તેણે રૂપિયા પાંચ કરોડના ખર્ચે ‘‘સિજલ સ્કૂલ’’ નામથી કલ્યાણકારી યોજના બનાવી છે. પ્રથમ તો ભિક્ષુક બાળકો માટે સરવે કરાશે, તે પછી ચોક્કસ પ્રયાસોથી ભિક્ષાવૃત્તિથી મુક્ત બનાવવા, માર્ગો પર ભટકતાં લાચાર બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાનું કાર્ય થશે.

તે માટે ‘‘સિગ્નલ સ્કૂલ’’ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. છ થી ચૌદ વર્ષની વયનાં ભિક્ષુક બાળકોને શિક્ષણ પ્રદાન કરવામાં આવશે, જેથી તેઓ સમાજની મુખ્ય ધારામાં જોડાઈ શકે. ભિક્ષુક બાળકો ભીખ માંગે છે, તે માટે ટ્રાફિક સિગ્નલો કે ખુલ્લા પ્લોટમાં ભીખ માંગતાં ફરે છે યા તો બિનજરૂરી પ્રવૃત્તિઓમાં રહે છે. શહેરના ચાર રસ્તાઓ પર વાહન વ્યવહાર નિયંત્રણ માટે સિગ્નલો હોય છે, જેમાં લાલ અને લીલી, પીળી બત્તીઓ ચાલે છે તે જાણે ભિક્ષુક બાળકોના સંકેતજનક બની જાય છે.

આવાં બાળકોને આ યોજના હેઠળ દરરોજ પૌષ્ટિક મધ્યાહ્ન ભોજન, આરોગ્ય તપાસ, વિના મૂલ્યે મળશે, શિક્ષણ સમિતિ તેમને રહેઠાણથી શાળા સુધી લાવવા, મૂકી જવાની જવાબદારી લેશે. સિગ્નલ સ્કૂલો માટે બસમાં હરતી ફરતી શાળાઓ બનશે. પ્રત્યેક બસ માટે આશરે ચાલીસ લાખ રૂપિયા ખર્ચાશે. જેમાં છ કોમ્પ્યુટર અને સ્માર્ટ એજ્યુકેશનની સુવિધાઓ હશે. સુરક્ષા અને દેખરેખ માટે બસોમાં સી.સી. ટી.વી. કેમેરા અને જી.પી.એસ. સિસ્ટમ હશે, જેનું સીધું મોનિટરીંગ આઈ.સી.સી. દ્વારા થશે.

બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ માટે ખાસ તાલીમ પામેલાં બે શિક્ષકો, હેલ્પર અને નિરીક્ષકો નિયુક્ત થશે. તેમની સજ્જતા માટે બ્રિજકોર્સ ‘‘જેવી ખાસ જોગવાઈ હશે’’ ભિક્ષા નહીં, શિક્ષા’’ નો અભિગમ જળવાશે. ચાઈલ્ડ ફ્રેન્ડલી ડિઝાઈનથી બસ તૈયાર થશે. આજનાં બાળકો જ દેશનું ભવિષ્ય છે અને તેથી નિરાધાર બાળકોને રસ્તે રઝળતી વાર્તા બનતાં રોકી શકાયાં તે સૌથી અગત્યની બાબત કહેવાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top