અનેક ભારતીયોને 1990-91 દરમિયાન સદ્દામ હુસેન દ્વારા છેડાયેલું અખાતી યુદ્ધ અને તેને પગલે ઇંધણની કટોકટીની ભીતિ હજી યાદ હશે. અખાતી યુદ્ધનો આરંભ થયો અને ઈરાકી સરમુખત્યાર સદ્દામ હુસેને પોતાના દેશના તેલના કૂવાઓને આગ ચાંપવા માંડી. અશ્મિજન્ય ઈંધણની શોધ પછી કદાચ પહેલવહેલી વાર સામાન્ય લોકોને તેનો ભંડાર પૂરો થઈ જવાની બીક લાગી. આપણા દેશમાં ઠેરઠેર પેટ્રોલ પમ્પ પર લાંબી કતાર પડવા લાગી. એ પછી દૂરદર્શન પર પણ ઈંધણ બચાવવાના અવનવા નુસખાઓનો પ્રચાર-પ્રસાર થવા લાગ્યો અને ઈંધણના વપરાશ બાબતે જનજાગૃતિનો અભિગમ શરૂ કરાયો.
અલબત્ત, પેટ્રોલ પમ્પ પર લાંબી કતારો પડી જવાનો સીલસીલો આપણે ત્યાં એ પછી પણ ચાલુ રહ્યો છે. ઈંધણના દરમાં વધારો થવાની જાહેરાત થાય એ સાથે જ વાહનચાલકોની કતાર પડી જાય છે. મુખ્ય વાત એ કે અખાતી યુદ્ધ વખતે અશ્મિજન્ય ઈંધણના ભંડારનું તળિયું આવી જવાની ભીતિ નાગરિકોમાં ઊભી થઈ હતી એ હવે ક્યાંય દેખાતી નથી. એ પછીના અરસામાં વાહનોના પ્રમાણમાં, તેની જરૂરિયાતમાં અનેકગણો વધારો થતો રહ્યો છે, એમ અશ્મિજન્ય ઈંધણનો વપરાશ પણ તેને પગલે વધતો ચાલ્યો છે.
અશ્મિજન્ય ઈંધણના વિકલ્પે વીજવાહનો હવે વપરાશમાં આવવા લાગ્યાં છે, પણ તેનું પ્રમાણ ઘણું ઓછું છે અને તેની બૅટરીના નિકાલ થકી પેદા થતા પ્રદૂષણની સમસ્યા ગંભીર છે. હજી આ વાહનોની શરૂઆત હોવાથી એ ખતરો નજર સામે આવ્યો નથી એટલું જ. ટૂંકમાં, અશ્મિજન્ય ઈંધણનો વિકલ્પ આપણા દેશમાં કે અન્યત્ર હજી એટલી ગંભીરતાથી વિચારાયો નથી. એ દિશામાં કામ થઈ અવશ્ય રહ્યું છે, પણ હજી તેનો વ્યવહારુ અમલ ભાગ્યે જ જોવા મળે છે. આપણા દેશનું આખું અર્થતંત્ર અશ્મિજન્ય ઈંધણના આંતરરાષ્ટ્રીય દર પર આધારિત છે.
ક્રુડ ઑઈલના બેરલની કિંમત વધે અને આપણા દેશમાં અશ્મિજન્ય ઈંધણની કિંમતમાં વધારો થાય તેને પગલે જીવનજરૂરિયાતની બીજી અનેક ચીજોની કિંમત પણ આપોઆપ વધે છે. એ પછી આંતરરાષ્ટ્રીય દરમાં ઘટાડો થાય તો પણ નથી દેશમાં અશ્મિજન્ય ઈંધણની કિંમત ઘટતી કે નથી જીવનજરૂરિયાતની ચીજોની. પરિવહન માટે આપણા દેશમાં સડકમાર્ગનો વધુ ઉપયોગ થાય છે, જેમાં અશ્મિજન્ય ઈંધણનો ઉપયોગ થતો હોવાથી આમ થાય છે. આ સંજોગોમાં સમગ્ર દેશની પરિવહન પ્રણાલીના પુન:આયોજનની દિશામાં વિચાર થવો જોઈએ અને લાંબા ગાળાનાં પરિણામ નજર સામે રાખીને એ અંગેની નીતિ ઘડાવી જોઈએ. આ કેવળ આપણા દેશને જ નહીં, વિશ્વભરના દેશોને લાગુ પડે છે.
યુરોપના નેધરલેન્ડમાં ઘણા વરસથી સાયકલ અને સાયકલમાર્ગને ઉત્તેજન આપવાની અને તેને કેન્દ્રમાં રાખીને નીતિ ઘડવાનો આરંભ કરવામાં આવ્યો છે, જેનાં ઘણાં સારાં પરિણામ મળી રહ્યાં છે. ત્યાંના હેગ શહેરમાં વધુ એક મહત્ત્વનો કાનૂન પસાર થયો છે. એ મુજબ અશ્મિજન્ય ઈંધણ, તેનાં ઉત્પાદનો તેમજ તેની સેવાઓને લગતી જાહેરખબરો સંપૂર્ણ પ્રતિબંધિત થઈ જશે. 1 જાન્યુઆરી, 2025થી આ કાનૂન અમલી બની જશે. આવું પગલું ભરનારું આ વિશ્વભરનું સૌ પ્રથમ શહેર છે.
આ શહેરે ઈ.સ.2030 સુધીમાં ‘નેટ ઝીરો’એ પહોંચવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ‘નેટ ઝીરો’ એટલે ‘ગ્રીનહાઉસ વાયુઓ’ના ઉત્સર્જન અને વાતાવરણમાંથી તેના દૂર થવાના પ્રમાણ વચ્ચેનું સંતુલન. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનના પ્રમાણમાં ઘટાડો કરતા રહેવાથી આ સંતુલન પ્રાપ્ત કરી શકાય. ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ બનવાની દિશામાં આગળ વધી રહેલા શહેરમાં અશ્મિજન્ય ઈંધણના ઉપયોગને લગતી જાહેરખબરોની શી જરૂર? એવી ધારણા છે કે આજે હેગ શહેરમાં આ અમલી બન્યું છે, તો કાલે વિશ્વનાં અન્ય વિકસિત શહેરો કે દેશો પણ તેને અનુસરશે.
એન્ડ્રુ સીમ્સ નામના બ્રિટીશ લેખક અને રાજકીય અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે કે હેગ શહેરે ઘોષિત કરી દીધું છે કે સૌથી વધુ પ્રદૂષણ કરતાં ઉત્પાદનો અને જીવનશૈલીનો પ્રચારપ્રસાર કરતી જાહેરખબરો પર પ્રતિબંધ લાદીને તે સ્વવિનાશ નોંતરવા માગતું નથી. યુરોપમાં સૌથી આકરો અને ગરમ ઉનાળો નોંધાયા પછી અને અશ્મિજન્ય ઈંધણના દહનને લઈને સ્વાસ્થ્ય તેમજ આર્થિક ક્ષેત્રે તેની ચૂકવવી પડતી કિંમતને ધ્યાનમાં લેતાં આ પગલું કદાચ સૌથી સરળ કહી શકાય એવું છે. એ વાત અલગ છે કે આટલું ‘સરળ’ પગલું લેવા અંગે કોઈ કશું વિચારતું નથી.
વિમાની કંપનીઓ, દરિયાઈ જહાજની કંપનીઓને આ પ્રતિબંધની સીધી અસર થશે. તેને લઈને અનેક લોકોને આર્થિક નુકસાન પણ જશે. છતાં પર્યાવરણને થતા નુકસાનની સામે આર્થિક નુકસાન વેઠવું યોગ્ય ગણાય, કેમ કે, પર્યાવરણને થતું નુકસાન ગમે એટલા નાણાંથી ભરપાઈ થઈ શકે એમ નથી એ બાબત દીવા જેવી સ્પષ્ટ છે. અશ્મિજન્ય ઈંધણની જાહેરખબરો પર પ્રતિબંધ કંઈ પહેલું અને એક માત્ર પગલું નથી, પણ એક ચોક્કસ દિશા તરફ દોરી જતું પહેલું પગલું છે. કેમ કે, માત્ર આટલાથી કશું અટકે નહીં. આ તો લક્ષણના ઉપચાર જેવું ગણાય. ખરો ઉપચાર તો રોગનો કરવાનો હોય. એ બાબતે બીજી અનેક બાબતો અહીં તબક્કાવાર અમલી થવાની શરૂઆત થઈ રહી છે અને વર્ષ 2030માં સંપૂર્ણપણે ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ બનાવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવા તરફ આ સફર છે.
આ પ્રકારના નિર્ણય અને તેના અમલ માટે વિકસિત દેશોનું વલણ અતિ મહત્ત્વનું બની રહે છે. એ રીતે તેમની જવાબદારી પણ ઊભી થાય છે, કેમ કે, વિકાસશીલ દેશો છેવટે તો આ પ્રકારે વિકસિત દેશોની સ્થાપિત અને નીવડેલી નીતિઓને અનુસરતા જોવા મળ્યા છે. આપણા દેશ માટે હજી આ બધી બાબત ઘણી દૂરની જણાય છે, કેમ કે, ચૂંટણી આવે ત્યારે આપણી મુખ્ય સમસ્યા ધર્મ પર તોળાઈ રહેલા ખતરાની અને ધર્મના રક્ષણની બની જાય છે. અશ્મિજન્ય ઈંધણ જેવી ક્ષુલ્લક સમસ્યાઓનું એમાં સ્થાન ક્યાંથી હોય!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.