Madhya Gujarat

નગરા ખાતે સ્પેશિયલ ચાઈલ્ડ સ્કૂલ તથા હોસ્ટેલનું લોકાર્પણ કરાયું

ખંભાત, તા. 19
ખંભાતના નગરા ગલાણી સીમ વિસ્તાર ખાતે વીજીબા જનહિત સ્કૂલ તથા હોસ્ટેલનો ઉદઘાટન વડતાલ ધામના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના કરકમલ દ્વારા વિશાળ સંત ગણના સાનિધ્યમાં યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સંત ગણ ભૂમિદાન તથા સ્કૂલ હોસ્ટેલ ભવનના મુખ્ય દાતા જનહિત ચેરીટેબલના ટ્રસ્ટી મંડળ સમાજ શ્રેષ્ઠીઓ રાજકીય મહાનુભાવો અતિથિ વિશેષ આમંત્રિત મહેમાનો રૂમના દાતાઓ જમીનના દાતા અને બાંધકામના દાતાઓ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામિનારાયણ દ્વારા રચિત દિવ્ય શિક્ષાપત્રી ઉદ્દેશિત સર્વ જીવ હિતાવહનો જે શાશ્વત સંદેશ છે, તેના અનુસંધાનમાં ખંભાત ખાતે દિવ્યાંગ બાળકો માટે મુકેશ રાઠોડ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા જનહિત ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના 21મી ફેબ્રુઆરી 2006 ના દિવસે કરવામાં આવી હતી. દિવ્યાંગ બાળકોના રસ રુચિ અને વલણોને સાકાર કરવા ખંભાત નગરપાલિકાના હોલમાં એક દિવ્યાંગ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં દાળભાતિયા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગ બાળકોને દરરોજ બપોરનું ભોજન વિના મૂલ્ય આપવામાં આવતું હતું. સેવા યજ્ઞ નિસ્વાર્થ શરૂ થાય એટલે કોઈને કોઈ દાતા મળી જ રહે છે. ખંભાતના વીજીબેન બુલાખીદાસના પરિવાર તથા અન્ય સહયોગી દાતાઓના સાથ સહકારથી નગરા મુકામે 34 ગુંઠા જમીનનું સંપાદન કરાયું હતું.
આ પ્રકલ્પને સફળ બનાવવા ગોકુલધામ નારના સંતવર્ય સ્વામી શુકદેવપ્રસાદદાસજી એ લોકસંપર્કનો ઉપયોગ કરી દિવ્યાંગ સ્કૂલ અને હોસ્ટેલ બાંધવાના શ્રીગણેશ કર્યાં હતાં અને એક જ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. વીજીબા જનહિત સ્પેશિયલ ચાઈલ્ડ સ્કૂલ તથા હોસ્ટેલના લોકાર્પણમાં આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે દ્વારા વિશાળ સંત ગણના સાનિધ્યમાં સંપન્ન થયું હતું. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા અન્ય સંતવર્યની પ્રેરક ઉપસ્થિતિમાં આશીર્પ્રવચન આપ્યાં હતાં.
આ અંગે ગોકુલધામ નારના સંતવર્ય સ્વામી શુકદેવપ્રસાદદાસજી એ જણાવ્યું હતું કે, ધર્મ અને માનવ માત્રની ફરજમાં આવે છે કે જરૂરિયાતમંદ અને દિવ્યાંગજનોને આપણે મદદ કરી છૂટવું જોઈએ. બુલાખીદાસ પરિવાર સાથે મળી અમે બધા નિમિત બની ભેગા મળી દિવ્યાંગ માટે સ્પેશિયલ ચાઈલ્ડ સ્કૂલ થતા હોસ્ટેલનું નિર્માણ કરાયું છે.

Most Popular

To Top