ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી માટે હવે ભારત પરત ફરવાનો માર્ગ સાફ થયો છે. બેલ્જિયમની કોર્ટએ તેના દાવાઓ ફગાવી દીધા બાદ ભારતે તેના માટે મુંબઈની આર્થર રોડ જેલમાં ખાસ બેરેક તૈયાર કરી છે.
મોટા આર્થિક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી માટે મુંબઈની આર્થર રોડ જેલમાં બે રૂમની ખાસ બેરેક બનાવવામાં આવી છે. આ બેરેક નંબર 12 છે, જ્યાં અગાઉ 26/11ના આતંકવાદી અજમલ કસાબને પણ રાખવામાં આવ્યો હતો. જેલમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે.
ભારત સરકારે બેલ્જિયમના અધિકારીઓને આ બેરેકના ફોટોગ્રાફ્સ આપ્યા છે, જેથી તેઓ ભારતીય જેલોની સ્થિતિ જોઈ શકે. ચોક્સીના વકીલોએ બેલ્જિયમની કોર્ટમાં દલીલ કરી હતી કે ભારતીય જેલો ભીડભાડવાળી અને અસુરક્ષિત છે. પરંતુ બેલ્જિયમની કોર્ટએ આ દાવાઓને ફગાવી દીધા અને કહ્યું કે ચોક્સી પોતાના આરોપો માટે પુરાવા આપી શક્યો નથી.
કોર્ટએ એ પણ કહ્યું કે ભારતમાં મીડિયામાં થતા કવરેજથી તેને ન્યાયી ટ્રાયલથી વંચિત નહીં રહેવું પડે. આ નિર્ણય પછી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ સંપૂર્ણ રીતે સાફ થયો છે.
ભારત સરકારે કોર્ટને ખાતરી આપી છે કે ચોક્સીના અધિકારો અને સ્વાસ્થ્યનું પૂરું રક્ષણ કરવામાં આવશે. આર્થર રોડ જેલમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની સુવિધાઓ ઉપલબ્ધ છે અને ચોક્સીને તબીબી સહાય પણ મળશે. તેને ફક્ત બેરેક નંબર 12માં રાખવામાં આવશે અને બહાર ફક્ત કોર્ટ સુનાવણી કે તબીબી કારણસર જ લઈ જવામાં આવશે.
ચોક્સીને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવશે, તપાસ એજન્સીઓની કસ્ટડીમાં નહીં. હાલમાં બેલ્જિયમમાંથી તેના ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ભારતીય એજન્સીઓ હવે તેની વાપસી માટે તૈયારીઓ કરી રહી છે.