સુરત: શહેરના ભટાર વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીંના એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળની ગેલેરીમાંથી નીચે પડી જતા સોફ્ટવેર એન્જિનિયર મહિલાનું માથું ફાટી જવાના લીધે કરૂણ મોત નિપજ્યું છે.
- ભટારના આકાશ દર્શન એપાર્ટમેન્ટની ઘટના
- મૂળ રાજસ્થાનના પેરિવાલ પરિવારની પુત્રવધુનું મોત
- પતિ પૂણેમાં અને પત્ની વરાછામાં નોકરી કરતી હતી
- શુક્રવારે સાંજે અચાનક બાલ્કનીમાંથી નીચે પડતાં મોત
- આપઘાત કે અકસ્માત તે અંગે પોલીસે શરૂ કરી તપાસ
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના અને સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આકાશ દર્શન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે રહેતા વિકાસ પેરિવાલની પત્નીનું નીચે પડી જવાના લીધે મોત નિપજ્યું છે. વિકાસ પેરિવાલના ત્રણ વર્ષ પહેલાં મધુલિકા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. મધુલિકા વરાછાની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરી હતી. વિકાસ પણ એન્જનિયર છે. તે પૂણે ખાતે આવેલી કંપનીમાં કામ કરે છે.
ત્રણ મહિના પહેલાં વિકાસ પૂણેની કંપનીમાં શિફ્ટ થયો હતો. તે નોકરી માટે પૂણેમાં રહેતો હતો. મઘુવિરા સાસરિયાઓ સાથે સુરતમાં રહેતી હતી. દરમિયાન ગઈકાલે તા. 21 જૂનને શુક્રવારની સાંજે 7.30 કલાકે સાસુ કિચનમાં રસોઈ કરી રહ્યાં હતાં ત્યારે મધુલિકા બાલ્કનીમાંથી નીચે પડી હતી.
મધુલિકા નીચે પડી હોવાની જાણ થતાં સોસાયટીના રહીશો દોડી ગયા હતા અને 108માં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મધુલિકાનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ મધુલિકાની ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ખટોદરા પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માત મોત છે કે આપઘાત તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા મળી નથી.