‘બેન…અમુક વખતે તો દિમાગ એવું બહેર મારી જાય કે વાત ન કરો. શું કરવું ને શું ન કરવું તે જ સમજ ન પડે.’ રૂપલ ચોટલો હલાવતી જાય અને આંખને આમતેમ ફેરવતી જાય. આ રૂપલની સ્ટાઈલ હતી. મુદ્દાની વાત કરવા કરતાં બીજી બધી આડીઅવળી વાત કરીને વાતનો માહોલ બાંધી લેવાનો એટલે સાંભળનારનો ઉત્સાહ જળવાઇ રહે. રોજ સાંજે ચાર થી છ સોસાયટી બાંકડે મહિલામંડળની મીટિંગ જામે. જેમાં રૂપલનો મોભો અને માન જળવાય રહે. માન અને મોભો એટલે જ નથી મળતો કે એ સોસાયટીના પ્રમુખની પત્ની છે પણ એનો મળતાવડો અને આનંદી સ્વભાવ. ઉપરથી રૂપાળી એટલે આમ ખાલી ખાલી હસે તો ય મીઠી લાગે એટલે ચાર વાગતાં જ સોસાયટીની હાઉસવાઇફો બધી ચાપાણી પતાવીને ધડાધડ લિફટના બટન દાબીને નીચે ઊતરવા લાગે. મૂળ સોસાયટીના નાના બગીચામાં બાંકડા એક- બે અને બેસવાવાળા દસ- બાર જણ એટલે જગ્યા મેળવવા પડાપડી થાય. વહેલા તે પહેલાંના ધોરણેનો નિયમ જળવાય. બસ માત્ર રૂપલ એમાંથી બાકાત. એના માટે બાંકડા પર એક ફિક્સ જગ્યા ખાલી બધાં રાખે. રૂપલ વહેલીમોડી આવે તો ય એની જગા ખાલી જ હોય! કોઈ કદીક ભૂલમાં બેસી ગયું હોય તો ય એ આવે એટલે ઊભું થઈ જાય. એટલે મોટાભાગે રૂપલ સવા ચાર પછી જ આવે. આખરે માન મળતું હોય તો કોને મેળવવું ન ગમે?
બધી મહિલા સિઝન પ્રમાણે શાક–ભાજી ચૂંટવા સાથે લાવે. કોઈ વળી ભરત ગૂંથણ લાવે તો કોઈ નવરું ધૂપ ગપ્પાં મારવા પણ આવે. આજે રૂપલ સૌથી પહેલી બાંકડે આવીને બેસી ગઈ હતી તેની બધાંને નવાઈ લાગી. ‘રૂપલબેન શું થયું?’ કેટલાકે વાતમાં જિજ્ઞાસા દેખાડી એટલે રૂપલનો અહમ સંતોષાયો. એણે બધાં સામે એક નજર નાંખીને વાતનો તંતુ સાંધી લીધો. ‘વાત એમ છે કે આપણા બીલ્ડિંગમાં પેલી શીલા કામે આવે છે ને તે એની દીકરી પિંકીની સગાઈ એણે નક્કી કરી. હજુ છોકરી સોળ વર્ષની માંડ છે. સગાઈ કરી એનો તો વાંધો નથી પણ છોકરો દેશી દારૂ બનાવીને વેચે છે. શીલા બિચારી બહુ કકળતી હતી કે સગાઈ નથી કરવી પણ એની સાસુ અને એના વર પાસે કશું એનું ચાલ્યું નહી.’ રૂપલની વાત સાંભળીને બધાંએ જુદી જુદી પ્રતિક્રિયા આપી.
‘હવે આપણે આમાં શું કરી શકીએ? એ લોકોનો અંગત પ્રશ્ન કહેવાય. આપણે દખલગીરી ન કરવી જોઇએ. આ પ્રજાને તમે ગમે તેટલું શીખવાડો કે ભણાવો પણ જાત પર આવી જ જાય. આવી ફૂલ જેવી છોકરીને કેમ નરકમાં પડતી જોઇ શકાય? આપણી આંખ સામે મોટી થઈ છે. એને આમ નિરાધાર છોડી દઇએ તો પાપ ન લાગે? આવી સારીનરસી બધી કોમેન્ટસ આવી ગઈ. રૂપલ કશું બોલ્યા વિના ધ્યાનથી સાંભળતી હતી. કશું કરવાની ઈચ્છા એની હતી એટલે જ આજે આ ઓટલા બેઠકમાં એણે આ મુદ્દો ઉઠાવ્યો. બહુ ચર્ચાવિચારણાના અંતે એવું નક્કી થયું કે પહેલાં પિંકીને પૂછી લેવું કે એની શું ઈચ્છા છે? બીજા દિવસે પિંકી કામ પર આવી એટલે રૂપલે સીધું પૂછી લીધું, ‘તારે આ છોકરા સાથે લગ્ન કરવા છે કે નહીં?’આ સાથે જ પિંકી રડી પડી, ‘હું લગ્ન કરવાની ના પાડું તો મારાં પપ્પા મમ્મીને મારે છે!’
જે જાણવાનું હતું તે જાણી લીધું. હવે એક્શન પ્લાન ચાલુ થયો. પિંકી અને શીલાને બરાબર સમજાવી દીધા. લગ્નની ખરીદી હોંશે હંશે કરો બચે તેટલા પૈસા બચાવો જેથી પિંકીની ઇચ્છા પૂરી થાય. ધારણા મુજબ બધું કામ થતું હતું. પિંકી અને શીલા હસીખુશીથી લગ્નની તૈયારી કરતાં હતાં તે જોઈને એના વરને શાંતિ થઈ ગઈ હતી એટલે જેટલા પૈસા એ લોકો ખરીદી માટે માંગે તે એ આપતો હતો. 10000 રુપિયા બચી ગયા. વળી પિંકીએ લાડ કરીને સાડીના બદલે સલવાર કૂર્તા લીધાં.
આખરે લગ્નનો દિવસ આવ્યો. સોસાયટીનો મહિલા વર્ગ સજીધજીને પિંકીના ઘરઆંગણે પહોંચી ગયો. લગ્નનો સમય થયો અને બીજી બાજુથી વરઘોડો માંડવે આવી પહોંચ્યો. પિંકી તૈયાર થઈને બેઠી હતી. વરરાજા પોરસાતા આવી રહ્યા હતા. આખરે પિંકી જેવી ખૂબસૂરત અને માત્ર સોળ વર્ષની છોકરી એને લગ્ન કરવા માટે મળી હતી. વરરાજા એની સાથે હનીમૂન કરવાની મીઠી કલ્પના કરી રહ્યા હતા ત્યાં પોલીસની જીપ સાયરન વગાડતી આવી પહોંચી અને જાનમાં નાસભાગ ચાલુ થઈ ગઈ કારણ કે કેટલાક જાનૈયા મફતનો દેશી દારૂ પીને આવ્યા હતા. વરરાજા હજુ વિચારે કે શું થઈ રહ્યું છે ત્યાં લોખંડી હાથ એના ખભા પર પડ્યો. ‘આ છોકરીને તમે પરણો છો તે નાબાલિગ છે એવી અમને ફરિયાદ મળી છે. તમે એ વાત જાણતા હતા?’ વરરાજાને તો ગળે થૂંક ઉતારવું ભારે થઈ પડ્યું. એણે પિંકીના બાપ તરફ આંગળી ચીંધી દીધી. ‘આમણે કહ્યું હતું કે એ બાલિગ છે!’ બસ પોલીસ પિંકીના બાપ તથા વરને પકડીને લઇ ગઈ. હવે સોસાયટીનું મહિલામંડળ એક્શનમાં આવ્યું. શીલાની સાસુ સામે એમણે મોરચો ખોલ્યો. ‘જો તારા દીકરાને પોલીસ પકડી ગઈ છે. હવે જો પિંકી અને શીલા કહે એ કરજે નહિ તો તારી ફરિયાદ લખાવીશું તો તું જેલભેગી.’
આ ધમકીની બરાબર અસર થઈ. શીલાની સાસુ કરગરવા લાગી, ‘હું તો મારો સોકરો કે એમ કરતી હતી પણ હવે તો તમે કે’શો એ કરીશ.’ બસ આ સાથે જ પ્લાન મુજબ મહિલામંડળે સાસુની તરત જ કાગળ પર સહી કરાવી લીધી. જેમાં લખ્યું હતું કે જે ઘરમાં એ લોકો રહે છે તે હવે શીલા અને પિંકીના નામે થઈ જશે. જેથી પિંકીનો બાપ જેલમાંથી છૂટીને આવે ત્યારે મા–દીકરીને હેરાન ન કરે. હજુ પિંકીની બીજી ઇચ્છા પૂરી કરવાની હતી એટલે મહિલામંડળે એ કામ હાથમાં લીધું. પિંકીની ઇચ્છા મુજબ એને બ્યૂટીપાર્લરનો કોર્ષ કરવા શહેરના જાણીતા પાર્લરમાં નામ નોંધાવી દીધું. પિંકીએ લગ્ન માટે પૈસા ભેગા કર્યા હતા તેમાંથી એ ઇચ્છતી હતી તેવી તક એને મળી. બધું પતી ગયું પછી મહિલામંડળે પિત્ઝા ખાઈને ઘરે આવીને બધાંએ રોજની જેમ ચાર વાગે ગાર્ડનમાં ધામા નાંખ્યા. ત્યારે બધાં એકી અવાજે બોલ્યાં, ‘રૂપલબેન, ગોસિપ કરવામાં પણ ન આવે એટલી આજે મજા આવી ગઈ.’ એ બધાંના ચહેરા પર સંતોષનું સ્મિત ફરી વળ્યું.