ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો …..વરસાદ અટકવાનું નામ જ ન લેતો હતો…રસ્તામાં ટ્રાફિક સિગ્નલ પર એક બાર તેર વર્ષનો છોકરો હાથમાં આઠથી દસ છત્રીઓ લઈને તેને વેચવા માટે જયારે જયારે સિગ્નલ પડે ત્યારે એક વાહનથી બીજા વાહન તરફ દોડી રહ્યો હતો…છોકરો પગથી માથા સુધી ભીનો હતો ….તેના હાથમાં વરસાદમાં ભીના થવાથી બચાવનાર એકથી વધુ છત્રીઓ હતી પણ તે પોતે ભીનો થતો થતો છત્રીઓ વેચી રહ્યો હતો તે તેની ગરીબીની મજબુરી હતી.
વરસાદમાં પલળતા પલળતા છોકરો બધાને છત્રી ખરીદવાની વિનંતી કરતો…છત્રી ખોલીને બતાવતો ….તેની ખાસિયતો જણાવતો ..જુદી જુદી ડીઝાઈનો બતાવતો…એક છત્રી વેચવા માટે તે બહુ મહેનત કરતો હતો ..અમુક લોકો તેને ભગાડી દેતા …અમુક તેની જોડે ભાવતાલ કરતા ….સાવ પાણીના ભાવે છત્રી માંગતા ..
અને જો તે ના પાડતો તો ગુસ્સે થતાં …..થોડા પૈસા વધારે આપવા વિનંતી કરતો તો પણ તેઓ ન ખરીદતા અને સિગ્નલ ખુલતા હસતાં હસતાં આગળ વધી જતાં….છત્રી ન ખરીદતા… જાણે આ વરસાદ ..આ વાહનોના હોર્ન ..આ સિગ્નલ ….આ હસતાં લોકો…. છોકરાની મજબુરીની મજાક ઉડાડી રહ્યા હતા.
નાનકડા છોકરા પર જવાબદારીનો બોજ હતો ..એટલે તે તો થાક્યા એક છત્રી વેચવા આમથી તેમ વરસતા વરસાદમાં દોડી જ રહ્યો હતો …
પાણીથી લથબથ હતો…સિગ્નલ પડ્યું ..એક બાઈક આવી ઉભું રહ્યું ..તેની પર બે વીસ બાવીસ વર્ષના કોલેજીયન યુવાનો હતા ..બંને ભીના થતાં હતા …બાઈકની આગળ ઉભેલી ગાડીની બંધ બારી ખખડાવી છોકરો છત્રી ખરીદવાની વિનંતી કરી રહ્યો હતો. બાઈક બેઠેલા બે કોલેજીયન યુવાનોએ તે જોયું.
બંને દોસ્તોએ એકબીજાની સામે જોયું અને તરત એક સીટી મારી છોકરાને પોતાની પાસે બોલાવ્યો.છોકરો કોલેજીયન યુવાનોને ભીના થતાં જોઈ ..પોતાની છત્રી વેચાશે તે આશા સાથે દોડીને આવ્યો.બાઈક પર પાછળ બેઠેલા યુવાને કહ્યું, ‘કેટલાની છે છત્રી ??’ અને પોતાના ખભા પર રાખેલી બધી છત્રીમાંથી ગમતી છત્રી પસંદ કરવા માટે ધરતા છોકરો બોલ્યો, ‘ઓન્લી ટુ હન્ડ્રેડ …’છોકરાને અંગ્રેજી બોલતો સાંભળી બંને દોસ્ત હસ્યા આગળ બેઠેલા યુવાને છોકરાને બસો રૂપિયા આપ્યા અને પાછળ બેઠેલા યુવાને એક છત્રી લઈને ખોલી અને છત્રી વેચતા છોકરાના માથે રાખી તેના હાથમાં જ આપી અને ‘ફોર યુ ..’
કહી બાઈક આગળ વધારી દીધી.છોકરો થેન્ક યુ કહેવા ઈચ્છતો હતો પણ અવાજ જ ન નીકળ્યો..પણ આંખોમાં આંસુ વરસાદના પાણી સાથે વહી રહ્યા.બે યુવાનો એક નાનકડું સારું કાર્ય કરી આગળ વધી ગયા અને છોકરાને ખુશી આપી ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.