વરસાદના દિવસો હતા. એક ગામમાં ભારે વાવાઝોડું આવ્યું. જોરદાર પવન સાથે સાંબેલાધાર વરસાદ પડી રહ્યો હતો.ગામમાં વીજળી ન હતી. બધાં ઘરો અંધારામાં હતાં. ચારે બાજુ અંધકાર અને ભયંકર વરસાદ બહુ ડરામણું વાતાવરણ હતું. ગામલોકો અંધારામાં એકબીજાની મદદ માંગી રહ્યાં હતાં.નીચાણવાળાં ઘરોમાંથી ગામનાં લોકોને મંદિર અને બીજી સહીસલામત જગ્યા પર આશરો આપવામાં આવ્યો હતો.
અંધકાર અને વરસાદને કારણે કોઈને કંઈ ખબર પડતી ન હતી કે હવે શું કરવું.એક યુવકે બહુ વિચારીને મહામહેનતે મંદિરના ગર્ભદ્વારમાં રહેલાં પૂજાનાં સાધનોમાંથી ઘી અને રૂ શોધી એક નાનો દીવો પ્રગટાવ્યો.પૂજારીજી બોલ્યા, ‘યુવાન, સારું થયું ઠાકોરજી પાસે દીવો પ્રગટાવ્યો. હવે ઠાકોરજી રસ્તો દેખાડશે.’ યુવાન બોલ્યો, ‘પૂજારીજી, આ નાનો દીવો રસ્તો દેખાડશે!’ બધાને નવાઈ લાગી કે આ નાનો દીવો શું માર્ગ દેખાડશે.’ યુવાને એ નાના દીવામાંથી બીજો દીવો પ્રગટાવ્યો અને બીજામાંથી ત્રીજો. ગામવાળાઓએ કહ્યું, ‘આમ મંદિરમાં થોડા નાના દીવા પ્રગટાવવાથી શું થશે? નકામી મહેનત છે. હમણાં ઘી પૂરું થશે કે પવન ફૂંકાશે તો દીવા બુઝાઈ જશે.’
યુવકે કોઈની વાત સાંભળી નહિ.મંદિરમાં પ્રગટાવેલા દીવાઓને બુઝાય નહિ તે રીતે ગોઠવી. તે મંદિરમાં રહેલા અખંડ દીવામાં જ્યોત પ્રગટાવી તેને સંભાળીને હાથમાં લઈને મંદિર નજીકના ઘરમાં ગયો અને તે ઘરમાં જઈને તેણે ગૃહિણીને આ દીવાના પ્રકાશમાં દીવા પ્રગટાવવાનાં સાધન શોધી દીવા પ્રગટાવવા કહ્યું. પછી તે યુવાન અને બીજો સાથી બીજા બે ઘરમાં સંભાળીને દીવો લઇ ગયા. બીજાં બે ઘર પ્રકાશિત થયા ત્યાંથી તેઓ ચાર ઘરમાં ગયા. ધીમે ધીમે ગામના એક પછી એક બધાં ઘરોમાં દીવા થયા અને ગામમાં વીજળી ન હતી છતાં ગામ પ્રકાશિત થઈ ગયું. એક યુવાન અને તેનો એક નાનો વિચાર અને એક નાના દીવાથી શરૂઆત. તોફાનમાં પણ માર્ગ નીકળ્યો.
આ નાની દૃષ્ટાંત વાર્તા, જીવનની બહુ મોટી સમજ આપે છે અને અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે.એક નાનો દીવો ચારે બાજુ છવાયેલા અંધકારને દૂર કરી શકે છે તે પ્રમાણે એક નાની આશા નિરાશાની ક્ષણોમાં નવો માર્ગ સૂચવી શકે છે. એક નાની શરૂઆત મોટા કાર્યને પાર પાડી શકે છે.એક નાનો બદલાવ મોટું પરિવર્તન લાવી શકે છે.જરૂર હોય છે મન શાંત રાખી સાચી દિશામાં નાનકડાં પગલાં લઈને આગળ વધવાની. જીવનની કપરી ક્ષણોમાં અને અઘરા વળાંકોમાં નાનકડી આશા, નાનું કાર્ય,યાદ રાખજો, નાનકડા દીવાની જેમ તે જીવનનો અંધકાર દૂર કરવામાં મદદરૂપ થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.