સુરતઃ સચિનના પાલી વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં 7 લોકોના મોત થયા હતા તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં રાંદેર વિસ્તારમાં વધુ એક દુર્ઘટના બની છે. અહીં જર્જરિત મકાનનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં એક મહિલા સ્લેબના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ફાયર અને પોલીસના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાંદેર હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત થઈ ગયા છે. તેમ છતાં અહીં પરિવારો રહે છે. દરમિયાન હાઉસિંગ બોર્ડના બીજા માળના એક રૂમનો આખો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. સ્લેબ પડ્યો ત્યારે મહિલા બેડ પર સૂતી હતી. બેડરૂમમાં સ્લેબ તૂટીને પડ્યો હતો, જે મહિલા પર જ પડ્યો હતો. આથી મહિલા સ્લેબના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ધડાકા ભેર સ્લેબ તૂટી પડવાનો અવાજ આવતા પરિવારના અન્ય સભ્યો તથા પડોશી દોડી આવ્યા હતા.
હાઉસિંગ બોર્ડના મકાનનો સ્લેબ તૂટી પડતાં બેડરૂમમાં રહેલી મહિલા દબાઈ ગઈ હતી. જેથી તેણીને સ્થાનિકોએ દોડી આવીને રેસ્ક્યું કરી હતી. મહિલાને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાને હાથના ભાગે ફ્રેક્ચર થવાની સાથે મુઢ માર વાગ્યો છે. આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં ભયનો ફફડાટ પેદા થયો છે.
મોહિનીબેને કહ્યું કે, હું પ્લાસ્ટિકના વાસણ મુકવા ગઈ હતી. એકદમ અવાજ આવ્યો એટલે જઈને જોયું તો રૂમનો સ્લેબ પડી ગયો હતો. વહુ દેખાઈ નહીં એટલે બૂમાબૂમ કરી હતી. તેના હાથમાં ફ્રેક્ચર થયું છે. ઘરમાંનુકસાન પણ ઘણું થયું છે. સેટી તૂટી છે. એસી, કબાટ, ટેબલ સહિતનું રાચરસીલું તૂટી ગયું છે. નોટિસ પણ પાલિકા દ્વારા આપવામાં આવી છે. 40 વર્ષ જૂનું મકાન છે. દૂર મકાન મળતા હોવાથી લોકો ખાલી કરતાં નથી.