સુરત: અડાજણમાં એક જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના રહીશોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ડર વ્યાપી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણના હનીપાર્ક રોડ પર આવેલું વર્ષો જૂનું જર્જરિત જનકપુરી એપાર્ટમેન્ટ થોડા સમય પહેલાં સુરત મહાનગર પાલિકા દ્વારા ખાલી કરી દેવાયું હતું. આ ઈમારત જર્જરિત હોવાથી ગમે ત્યારે તે પડી જાય તેવો ડર હોય ખાલી કરાવાયું હતું. આ ઈમારતમાં કોઈ રહેતું નહોતું, પરંતુ આસપાસમાં સોસાયટીના રહીશો રહેતા હતા.
ઈમારત ખાલી કરાવાયા બાદ તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાયું નહોતું, તેથી તે ગમે ત્યારે પડે તેવો ડર હતો અને એ ડર ગઈકાલે રાત્રે સાચો પડ્યો હતો. ગઈકાલે રાત્રે એપાર્ટમેન્ટનો એક સ્લેબ ધડાકાભેર ધરાશાયી થયો હતો, જેના લીધે આસપાસની સોસાયટીના રહીશોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.
વધુમાં મળતી માહિતી અનુસાર રાત્રિના પોણા બે વાગ્યે આ દુર્ઘટના બની હતી. જર્જરિત એપાર્ટમેન્ટના પહેલા માળનો ભાગ ધડાકાભેર સાથે તૂટી પડ્યો હતો. બાજુમાં આવેલી પ્રતીક્ષા રો-હાઉસ સોસાયટીમાં આવેલ મકાનની દીવાલ પર કાટમાળ પડ્યો હતો, જેના લીધે આસપાસના રહીશોના જીવ ટાળવે ચોંટ્યા હતા. ઘટના બાદ પાલિકા તંત્ર દોડતું થયું હતું. આ જર્જરિત બિલ્ડીંગ નમી પડતા લોકોમાં ભય વધ્યો છે. જર્જરિત ઇમારતની નીચે અસહ્ય ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવથી પણ આસપાસના રહીશો પરશાન છે.
આ એપાર્ટમેન્ટ 30 વર્ષ જૂનું હોય તેની મોટા ભાગની દિવાલો પડું પડું કરી રહી છે. દરમિયાન ગઈકાલે રાત્રે સ્લેબ પડતાં બાજુની પ્રતીક્ષા રો હાઉસ સોસાયટીના લોકો દોડી ગયા હતા. આસપાસના રહીશોએ કહ્યું કે, જનકપુરી એપાર્ટમેન્ટ ખાલી કરી દેવાયું બાદ લાંબો સમય થઈ ગયો પરંતુ તે ઉતારાયું નથી. બાજુમાં અન્ય પણ કેટલાંક જર્જરિત એપાર્ટમેન્ટ છે.
આસપાસમાં અનેક સોસાયટી આવેલી છે, જેમાં હજારો લોકો રહે છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પાલિકા આ જર્જરિત એપાર્ટમેન્ટ ઉતારતું નહીં હોય લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.
સ્થાનિક રહીશ અમિષા બામણિયાએ કહ્યું કે જો આ સ્લેબ દિવસે પડ્યો હોત તો મોટી જાનહાનિ થઈ હોત. સદ્દનસીબે ઘટના રાત્રિના સમયે બની. ત્યારે લોકોની અવરજવર નહોતી. તેથી મોટી દુર્ઘટના સર્જાઈ નથી. આ જર્જરિત ઈમારતો ઉતારી લેવા અગાઉ પાલિકાને અનેકોવાર રજૂઆત કરાઈ છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. બિલ્ડર પણ કોઈ જવાબ આપતો નથી.