Columns

દેશની આઝાદીના અમૃત મહોત્સવ ટાણે ગર્વ લેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ

ઇતિહાસનું ચક્ર હંમેશાં ગોળ ઘૂમે છે! ઇતિહાસ પલટાયો છે. દેશની આઝાદીના અમૃત મહોત્સવ ટાણે આપણે એક અનોખું ગર્વ લેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. જો બધું સમુંસૂતરું પાર ઊતરે તો અંગ્રેજો પર એક ભારતીય મૂળની વ્યક્તિ રાજ કરશે! એનું નામ છે ઋષિ સુનક. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનના રાજીનામા બાદ ભારતીય મૂળના ઋષિ સુનક   UKના નવા વડા પ્રધાનની રેસમાં છે. તેઓ 2020માં દેશના પ્રથમ ભારતીય મૂળના નાણાંમંત્રી બન્યા હતા.

આમ તો UKના ભૂતપૂર્વ નાણાં પ્રધાન ઋષિ સુનકને ઓક્ટોબર 2020માં પૂછવામાં આવ્યું કે – શું તેઓ વડા પ્રધાન બનવાની ઈચ્છા ધરાવે છે? ત્યારે મીડિયાને જવાબમાં એવું કહ્યું હતું કે, ના, બિલકુલ નહિ. વડા પ્રધાને જે પ્રકારનું કામ કરવાનું હોય છે, એ બધું કરવું મારા માટે બહુ મુશ્કેલ છે. હવે સીધા જુલાઈ 2022 પર આવો. UKની રાજનીતિમાં તમામ ઊથલપાથલ પછી, બોરિસ જ્હોન્સને 7 જુલાઈના રોજ વડા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. બોરિસ જ્હોન્સન પાર્ટીગેટ અને ક્રિસ પિન્ચર કૌભાંડોમાં સામેલ હોવાના આક્ષેપ પછી આ બંને મામલા બ્રિટનમાં ખૂબ ચગ્યા હતા. પરિણામે છેવટે ગાળિયો કસતાં રાજીનામું આપવાનું દબાણ હતું. તેમણે ગયા મહિને વિશ્વાસ મત જીત્યો હતો પરંતુ આ જીતને તેમની હાર તરીકે પણ જોવામાં આવી હતી કારણ કે આ વિશ્વાસ મતમાં તેમની કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા સાંસદોએ તેમની વિરુદ્ધ વોટ કર્યો હતો. ત્યાર બાદ 6 જુલાઈએ જોન્સન સરકારના અનેક મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. ત્યાંથી નક્કી થયું કે હવે જોન્સનના  UKની ટોચની પોસ્ટ પર વધારે દિવસો રહ્યા નથી.

જોન્સનની ટીકા કરીને તેમની જ પાર્ટીના રાજીનામું આપનારા મંત્રીઓમાં ભારતીય મૂળના ઋષિ સુનકનો પણ સમાવેશ થાય છે. સુનક ભારતીય મૂળના બ્રિટનના પ્રથમ નાણાં પ્રધાન હતા અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભારતીય મૂળના બ્રિટનના પ્રથમ વડા પ્રધાન પણ બની શકે છે. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ સાથે PM પદની રેસમાં સામેલ છે, જેમનો પક્ષ અને દેશના રાજકારણમાં ઘણો પ્રભાવ છે.

ચાલો ઓક્ટોબર 2020 પર પાછા જઈએ. સુનકને જ્હોન્સન કેબિનેટનો ભાગ બન્યાને માત્ર 8 મહિના થયા હતા. તેમણે PM પદની મહત્ત્વાકાંક્ષા હોવાના સમાચારને પણ નકારી કાઢ્યા હતા. શરૂઆતથી જ સુનક બ્રેક્ઝિટ પર બોરિસના પક્ષે હતા. બ્રેક્ઝિટના સમર્થનમાં તેમણે મીડિયાને કહ્યું હતું, મારી માતાની નાની રસાયણશાસ્ત્રની દુકાનમાં કામ કરવાથી માંડીને મોટો વ્યવસાય ચલાવવા સુધી, હું સમજી ગયો છું કે બ્રિટનના ભાવિને મજબૂત કરવા માટે આપણે એન્ટરપ્રાઇઝ અને નવીનતા માટે ખુલ્લા વાતાવરણનું નિર્માણ કરવાની જરૂર છે.

પછી જ્યારે UKમાં પાર્ટીગેટ કૌભાંડ ફાટી નીકળ્યું અને બોરિસ જ્હોન્સનની વ્યાપક ટીકા થઈ, ત્યારે એવા અહેવાલો આવ્યા કે કન્ઝર્વેટિવ પાર્ટીની સ્થાપના ઋષિ સુનકને પાર્ટીના નવા નેતા અને દેશના નવા વડા પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી શકે છે. સુનકે પણ આ અટકળોને રદિયો આપ્યો ન હતો. બોરિસ જ્હોન્સનની કડક ટીકા કરીને આ અટકળોને વેગ મળ્યો હતો.

હવે ઋષિ સુનકને થોડા નજીકથી પણ ઓળખીએ. UKના નવા વડા પ્રધાન બનવાની રેસમાં રહેલા ઋષિ સુનકનો જન્મ 12 મે, 1980ના રોજ UKના સાઉથેમ્પટનમાં થયો હતો. તેમના દાદા-દાદીનો જન્મ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં થયો હતો. બાદમાં તે પૂર્વ આફ્રિકા ગયા હતા. બાદમાં પોતાના બાળકો સાથે UK આવીને વસી ગયા હતા. ઋષિ સુનકના પિતા યશવીર ડૉક્ટર હતા અને માતા એક નાનો મેડિકલ સ્ટોર ચલાવતી હતી. પહેલી વાર બ્રિટિશ સંસદ પહોંચ્યા બાદ સુનકે પોતાના પરિવાર વિશે જણાવતાં એવું કહ્યું હતું કે, જ્યારે તેઓ UK આવ્યા ત્યારે તેઓની પાસે કંઈ નહોતું.

સુનકનો પ્રારંભિક અભ્યાસ સાઉથેમ્પટનમાં થયો હતો. પછી તેણે વિન્ચેસ્ટર કોલેજમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો હતો. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ફિલોસોફી, પોલિટિકલ સાયન્સ અને ઈકોનોમિક્સમાં ફર્સ્ટ ક્લાસ ડિગ્રી મેળવી હતી. 2006માં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી પણ મેળવી હતી. આ દરમિયાન તે ફુલબ્રાઈટ સ્કોલરશિપ પર ભણ્યા હતા. આ દરમિયાન તેઓ ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.

ભારતના સૌથી મોટા ટાયકૂન નારાયણ મૂર્તિના ઋષિ સુનક જમાઈ થાય છે. સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં MBAના અભ્યાસ દરમિયાન ઋષિની મુલાકાત અક્ષતા મૂર્તિ સાથે થઈ. જેઓ ઇન્ફોસિસના સ્થાપક એન. નારાયણમૂર્તિનાં પુત્રી છે.  USમાં અક્ષતાએ અર્થશાસ્ત્ર અને ફ્રેન્ચનો અભ્યાસ કર્યો છે. MBAના અભ્યાસક્રમમાં જોડાયાં તે પહેલાં તેમણે ફેશનમાં ડિપ્લોમા કર્યું તથા યુનિલિવર અને ડિલોટ્ટમાં કામ કર્યું હતું. ઋષિ અને અક્ષતાએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. આ દંપતીને બે પુત્રી છે. નારાયણમૂર્તિની સંપત્તિ સાડા ચાર અબજ ડોલર હોવાનો અંદાજ મૂકવામાં આવે છે. ઇન્ફોસિસમાં અક્ષતા 0.9 %  હિસ્સો ધરાવે છે, જેની કિંમત 70 કરોડ પાઉન્ડ હોવાનું અંદાજવામાં આવે છે. વર્ષ 2021માં તેમને ડિવિન્ડ પેટે એક કરોડ 60 લાખ પાઉન્ડની આવક થઈ હતી.

અલબત્ત, અક્ષતાએ બ્રિટનના બિનરહેવાસી હોવાનું સ્વીકાર્યું ત્યારે તેમાંથી આવક વિશે સવાલ ઊઠ્યા હતા. અક્ષતા અનેક વેપારી હિત ધરાવે છે, જેમાં UKના સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરતી કાટારમાન વેન્ચર્સ UK મુખ્ય છે. ઋષિ તેમાં ડિરેક્ટર હતા પરંતુ જાહેરજીવનમાં આવ્યા પછી તેમણે પદ છોડી દીધું હતું. વર્ષ 2016માં અક્ષતા તેમાં મુખ્ય શેરધારક બન્યાં હતાં. વર્ષ 2020ની સ્થિતિ પ્રમાણે, કંપનીએ 35 લાખ પાઉન્ડનું રોકાણ કર્યું છે.

રાજનીતિમાં આવતા પહેલાં સુનકે બિઝનેસમાં હાથ અજમાવ્યો અને તે સફળ પણ થયા હતા. તેઓ એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મના સહ-સ્થાપક હતા. કંપનીએ સિલિકોન વેલી અને બેંગ્લોરમાં બિઝનેસ કર્યો હતો. સાથોસાથ બ્રિટનમાં નાના ઉદ્યોગોને ભંડોળ પૂરું પાડ્યું હતું. સ્નાતક થયા પછી, 2001થી 2004 દરમિયાન તેમણે ગોલ્ડમેન સાશ ખાતે એનાલિસ્ટ તરીકે કામ કર્યું, એ પછી તેઓ હેજફંડમાં પાર્ટનર પણ રહ્યા હતા.

ઋષિના કહેવા પ્રમાણે, નાનપણમાં તેમને વંશીય ભેદભાવનો ખાસ સામનો કરવો નહોતો પડ્યો છતાં એક વખત તેઓ પોતાના નાના ભાઈ તથા નાનાં બહેન સાથે રેસ્ટોરાંમાં ગયા હતા ત્યારે ‘પી’ વર્ડ સાંભળવો પડ્યો હતો, જેનો ડંખ તેમને રહી ગયો હતો. વર્ષ 2015માં સુનકે રાજકારણમાં પગ મૂક્યો હતો. તેમણે યોર્કશાયરની રિચમન્ડ બેઠક પરથી ચૂંટણી જીતી અને UKની સંસદમાં પ્રવેશ કર્યો હતો. રિચમન્ડ સીટ કન્ઝર્વેટિવ પાર્ટીનો ગઢ રહી છે. સુનકે આ સીટ પરથી વર્ષ 2017 અને 2019માં પણ ચૂંટણી જીતી હતી.

UKના વડા પ્રધાન બન્યા પછી બોરિસ જ્હોન્સને ફેબ્રુઆરી 2020માં તેમનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ કર્યું હતું. આ સમય દરમિયાન, તેમણે સુનકને સૌથી મહત્ત્વનો નાણાં મંત્રાલયનો પોર્ટફોલિયો આપ્યો હતો. અલબત્ત, સુનકે ઈતિહાસ રચી દીધો હતો કારણ કે તેઓ બ્રિટનમાં ભારતીય મૂળના પહેલા નાણાંમંત્રી બન્યા હતા. એવું કહેવાય છે કે આ પોર્ટફોલિયો મેળવતાં પહેલાં સુનકની બહુ ચર્ચા થઈ ન હતી. ત્યાર બાદ કોરોના વાયરસની મહામારી દરમિયાન તેણે દેશ માટે ઘણા પેકેજ તૈયાર કર્યા હતા, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. સુનક ન્યૂઝ ચેનલો પર નિયમિત દેખાવા લાગ્યા હતા. એક રીતે UK સરકારનો ચહેરો બની ગયા હતા.

અલબત્ત, સુનક અનેક વિવાદોનો સામનો કરી ચૂક્યા છે. આ દરમિયાન તેમનું નામ પાર્ટીગેટ કાંડમાં પણ આવ્યું હતું. આ મામલે તેમને દંડની નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમની પત્ની અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસ માટે તેમની ટીકા થઈ હતી. તેમણે બ્રિટનના લોકોના કોસ્ટ લિવિંગ સ્ટેટસ અંગે પણ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. UK સરકારમાં આટલો ઉચ્ચ હોદ્દો હોવા છતાં તેની પાસે US ગ્રીન કાર્ડ છે અને તેણે તેને પાછું આપ્યું નથી, તે માટે પણ તેની નિંદા કરવામાં આવી હતી.

UKના નાણાં પ્રધાન તરીકે સેવા આપતા પહેલાં ઋષિ સુનકે UKના ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા મેની કેબિનેટમાં જુનિયર પ્રધાન તરીકે કામ કર્યું હતું. તાજેતરના સમયમાં 42 વર્ષીય ઋષિ સુનક અલગ-અલગ વિવાદોને કારણે ટીકાનો ભોગ બન્યા હોવા છતાં તેઓ હજુ પણ UKના નવા વડા પ્રધાનની રેસમાં સૌથી આગળ છે. બધું સમુંસૂતરું પાર ઊતરશે તો ફરી એક ઇતિહાસ રચાશે, ઋષિ સુનક ભારતીય મૂળના પહેલા બ્રિટિશ વડા પ્રધાન બનશે. ભારતની આઝાદીના અમૃત મહોત્સવની આ મોટી ઉજવણી ગણાશે.

Most Popular

To Top