યુદ્ધ માણસની બુદ્ધિ માટે પડકારભર્યું હોય છે. સામાન્ય સંજોગોમાં માણસ વિવેકથી અને ડહાપણથી વર્તતો હોય છે. સામાજિકતાનો એ પહેલો સિદ્ધાંત છે કે મારે શાંતિથી રહેવું હોય તો મારી આજુબાજુમાં જે લોકો છે તે શાંતિથી જીવતા હોવા જોઈએ. સહઅસ્તિત્વ સહકલ્યાણ પર નભતું હોય છે. મૂળ ડચ ભાષાની એક કહેવત અંગ્રેજીમાં પ્રચલિત થઇ છે; લિવ એન્ડ લેટ લિવ- જીવો અને જીવવા દો. એકબીજાના વચ્ચેની ભિન્નતાનો સ્વીકાર કરવો એ સુખેથી રહેવાની ચાવી છે. આપણા માટે જે સાચું અને સારું હોય તે બીજા માટે ન પણ હોય અને બીજા માટે જે સાચું અને સારું હોય તે આપણા માટે ન પણ હોય. જૈન ચિંતનમાં અહિંસાની ધારણા પાછળ આ જ ભાવ છે. પ્રત્યેક જીવમાં જીવતા રહેવાની ઈચ્છા હોય છે, મરવાની નહીં. એટલા માટે બીજાનો જીવ લેવાનો કોઈને અધિકાર નથી. અમુક લોકો માણસોને નથી મારતા પણ પશુઓને મારે છે. જૈન વિચારમાં તે પણ પાપ છે.
યુદ્ધની વિભીષિકા આવા ડહાપણને કિનારે મૂકી દે છે. યુદ્ધ માણસને પક્ષ લેવા મજબૂર કરે છે; તમે મારા પક્ષે છો કે દુશ્મનના પક્ષે? તમે આ લોહીના પક્ષે છો કે પેલા લોહીના પક્ષે? તમે એક ખૂનના સમર્થનમાં છો કે બીજા ખૂનના સમર્થનમાં? યુદ્ધ તમને તટસ્થતા છોડવા મજબૂર કરે છે. યુદ્ધ તમને ‘લિવ એન્ડ લેટ લિવ’નો વિચાર છોડીને ‘કિલ એન્ડ લિવ’નો અભિગમ અપનાવવા માટે ફરજ પાડે છે. અગાઉ પણ ઘણી વાર થયું હતું અને રશિયાની યુદ્ધ ટેંકો યુક્રેનમાં ઘૂસી ત્યારે પણ ફરી થયું. સામાન્ય માણસો હિંસાના આ નગ્ન નાચને જોઈને શું કરે? તેણે કોઈનો પક્ષ લેવો જોઈએ? પક્ષ લે તો પછી માનવતાનું શું? યુદ્ધમાં માનવતા તો બંને પક્ષે કોરાણે મુકાઈ જાય છે, તો પછી સામાન્ય માણસોએ પણ માનવતા મૂકીને આ કે પેલા પક્ષે જોડાઈ જવાનું? જીવનનો કોઈ અર્થ છે? મરવું અને મારવું એ જ જીવનનો એકમાત્ર ઉદેશ્ય છે?
યુદ્ધ અસ્તિત્વ અને નૈતિકતાને લગતા આવા પાયાના પ્રશ્નો ઊભા કરે છે. તેના જવાબો આસાન નથી હોતા. યુદ્ધમાં માણસો પાસે વિકલ્પો ઘટી જાય છે. યુદ્ધમાં માણસ મારવા અને મરવા તૈયાર થઇ જાય છે. યુદ્ધ ‘લિવ એન્ડ લેટ લિવ’નું વિપરીત સ્વરૂપ છે. બીજા વિશ્વ યુદ્ધમાં, સેન્ટ્રલ યુરોપના ટચૂકડા દેશ ઓસ્ટ્રિયાના સાઈકયાટ્રીસ્ટ વિકટર ઈ. ફ્રેન્કલને આવા જ પ્રશ્નો થયા હતા અને તેના ચિંતનમાંથી ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’ નામનું એક અનોખું પુસ્તક આવ્યું હતું. વિકટર ફ્રેન્કલ યહૂદી હતા. હિટલરે જયારે ઓસ્ટ્રિયા પર કબજો કર્યો ત્યારે અન્ય સેંકડો યહૂદીઓની સાથે તેમને પણ પકડીને યાતના શિબિરમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
ફ્રેન્કલના પિતાનું ન્યુમોનિયામાં મોત થઇ ગયું હતું અને તેમની મા અને ભાઈને નાઝીઓએ ગેસ ચેમ્બરમાં મારી નાખ્યાં હતાં. ફ્રેન્કલે નવ મહિના પહેલાં જ લગ્ન કર્યાં હતાં અને પત્ની પણ યાતના શિબિરમાં બીમારીના કારણે મરી ગઈ હતી. ફ્રેન્કલ યાતના શિબિરમાં પારાવાર અત્યાચાર હેઠળ, તેમને ક્યારે ગેસ ચેમ્બરમાં ધકેલી દેવામાં આવે છે તેની રાહ જોતા રહ્યા હતા. એડોલ્ફ હિટલરના નાઝી શાસનમાં યહૂદીઓને વીણી-વીણીને કૉન્સેન્ટ્રેશન કેમ્પ એટલે કે યાતના શિબિરોમાં નાખવામાં આવ્યા હતા. આ યાતના શિબિરોમાં હટ્ટાકટ્ટા લોકોને હાડકાં તોડી નાખે તેવો પરિશ્રમ કરવો પડતો હતો અને નબળા અને ‘નકામા’ લોકોને ગેસ ચેમ્બરમાં નાખીને મારી નાખવામાં આવતા હતા.
આવી ૧,૦૦૦થી વધુ શિબિરોમાં કુલ ૧૬ લાખ લોકોને બંદી બનાવાયા હતા. ૧૦ લાખ એમાંથી ક્યારેય પાછા ન આવ્યા. જર્મની સામે યુદ્ધના પગલે ૬ લાખ લોકો તેમાંથી જીવતા મુક્ત થયા. મુક્ત થનારાઓમાં ફ્રેન્કલ પણ હતા. ફ્રેન્કલ ત્રણ વર્ષની હાડમારી પછી જીવતા પાછા બહાર આવ્યા હતા. યાતના શિબિરનું એ એક એવું નિરાશાજનક જીવન હતું કે મોટાભાગના લોકોએ જીવવાની આશા જ છોડી દીધી હતી અને ક્યારે મોત આવે તેની રાહ જોતા હતા. ફ્રેન્કલ સાઈકયાટ્રીસ્ટ અને ફિલોસોફર હતા. તેમણે એ ત્રણ વર્ષો દરમિયાન પોતાની અંદર અને તેમની આસપાસના સાથીદારોની અંદર જે થઇ રહ્યું હતું તે જોયું-અનુભવ્યું હતું અને તેનું ચિંતન કર્યું હતું. તેના સંસ્મરણરૂપે, ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’ પુસ્તક આવ્યું. ૧૯૯૭માં ફ્રેન્કલનું અવસાન થયું ત્યારે આ પુસ્તકની ૨૪ ભાષાઓમાં અંદાજે ૧ કરોડ નકલો વેચાઈ હતી. એ પુસ્તકમાં, યાતના શિબિરની ભયંકર પીડાએ તેમને કેવી રીતે જીવનનો અર્થ સમજાવ્યો હતો તેનું ચિંતન હતું. ફ્રેન્કલે એમાં જીવનની સાર્થકતાના ત્રણ સોર્સ આપ્યા હતા; ઉદેશ્યપૂર્ણ કર્તવ્ય, માનવીય પ્રેમ અને મુસીબતનો સામનો કરવાનું સાહસ. યાતના શિબિરોમાં જ નહીં, બહારના સામાન્ય જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પણ આ જ મંત્ર હતો.
પુસ્તકમાં ફ્રેન્કલનું એક મશહૂર વિધાન છે: ‘માણસ પાસેથી બધું જ છીનવી લેવાય છે, સિવાય એક વસ્તુ; ગમે તેવા સંજોગોનો સામનો કરવાની તેની આઝાદી.’ તેના સંદર્ભમાં એક બીજું પણ વિધાન હતું; ‘આપણે જયારે સંજોગને બદલવા માટે સક્ષમ ન હોઈએ ત્યારે જાતને બદલવા સક્ષમ થઇ જઈએ છીએ.’ પુસ્તક બે હિસ્સામાં હતું. પહેલા હિસ્સામાં ફ્રેન્કલે નાઝી યાતના શિબિરમાં કેવી યાતનાઓ ઝેલવી પડતી હતી અને કેદીઓ કેવી રીતે તેને સહન કરતા હતા અને જે સહન કરતા ન હતા તે કેવી રીતે મોતને ભેટતા હતા તેનું વર્ણન કર્યું હતું. બીજા હિસ્સામાં ફ્રેન્કલે એ સમજાવ્યું હતું કે માણસ પાસે જો જીવતા રહેવાનું પ્રયોજન હોય તો તે ગમે તેવા આકરા સંજોગોમાંથી પસાર થઇ શકે છે. જીવનમાં કષ્ટનું મહત્ત્વ સમજાવવા માટે એક અમેરિકન ડૉક્ટરનું ઉદાહરણ આપ્યું હતું. તેની પત્નીના મૃત્યુ પછી તે બહુ ડિપ્રેશનમાં હતો. ફ્રેન્કલે તેને પૂછ્યું હતું, “ડૉકટર, ધારો કે તમે પહેલાં મરી ગયા હોત અને પત્ની બચી ગઈ હોત તો શું થાત?” ડૉકટરે કહ્યું, “ઓહ, તો તેને બહુ તકલીફ પડી હોત.” ફ્રેન્કલે કહ્યું, “જુવો ડૉકટર, તમારી પત્ની એ તકલીફમાંથી બચી ગઈ. તમે તેને એ તકલીફમાંથી બચાવી લીધી અને હવે તમારે જીવતા રહીને તેના ભાગની તકલીફ સહન કરવાની છે.” ફ્રેન્કલ કહે છે, “ડૉકટર કશું બોલ્યા વગર, મને હાથ મિલાવીને, શાંતિથી બહાર જતો રહ્યો. ઘણી વાર દુઃખનું પ્રયોજન મળી જાય તો એ દુઃખ નથી રહેતું.”