માણસ પૈસાથી નહીં પોતાના વિચારોથી અમીર બને છે. એ દર્શાવતો એક સુંદર પ્રસંગ વાંચવા મળ્યો. જે દરેકે સમજવાની અને પોતાના જીવનમાં ઉતારવા જેવો છે. એક ખૂબ અમીર ઘર અને એક ખૂબ ગરીબ ઘર આજુબાજુમાં રહેતા હતા. એક દિવસ ગરીબ ઘરનાં બહેન અમીર બહેન પાસેથી થોડીક ખાંડ ઉછીની લેવા ગયાં. અમીર ઘરનાં બહેને તેને ઉછીની ખાંડ આપી દીધી. બીજા દિવસે અમીર ઘરનાં બહેન એ ગરીબના ઘરે મીઠું (નમક) ઉછીનું લેવા ગયા. ગરીબ ઘરનાં બહેને મીઠું આપી દીધું. એ જોઇને અમીર બહેનના પતિએ શાંતિથી પોતાની પત્નીને પૂછયું કે મીઠું હોવા છતાં તેં મીઠું કેમ ઉછીનું લીધું?
અમીર બહેને સુંદર જવાબ આપ્યો કે એ લોકો ગરીબ છે એટલે એની પાસે બીજું કંઇ ન હોય પણ મીઠું તો હોય જ. એટલે એમને એમ થાય કે અમીરને પણ ગરીબની કયારેક જરૂર પડે છે. જેથી બીજી વાર એ લોકોને કંઇ પણ જોઇતું હોય તો આપણી પાસેથી લેવામાં શરમ પણ ન લાગે અને પોતાને કયારેય નાના પણ ન સમજે. બસ આપણા સમાજમાં આવા લોકોની જરૂર છે કે જેમના આવા વિચારો અમીર-ગરીબ વચ્ચેની રેખા દૂર કરે, કે જેઓ ગરીબને પણ માણસ સમજે અને મનમાં એવો વહેમ પણ ન રાખે કે મારે કોઇની જરૂર નથી. દુનિયામાં દરેક નાના મોટા માણસને એકબીજાની જરૂર કયારેક તો પડે જ! અમરોલી – પટેલ પાયલ બી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.