અખબારના પાને જ્યારે આ સમાચાર વાંચ્યા ત્યારે ખરેખર મનમાં સવાલ આવ્યો કે આના માટે જવાબદાર કોણ? રાજ્યની યુનિવર્સિટી સ્તરે મોટો ગોટાળો કહી શકાય એવી ગંભીર બેદરકારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકની બહાર આવી છે અને આવું માત્ર એક વખત બન્યું નથી, બે વાર બન્યું છે અને તે પણ સપ્તાહમાં, બે વાર. એમ. એ. સેમેસ્ટર-2 નાં વિદ્યાર્થીઓનું 1મેના રોજ છેલ્લું પેપર હતું. એજ્યુકેશન સાયકોલોજીના વિષયની પરીક્ષા બુધવારે સવારે 10.30 કલાકે શરૂ થવાની હતી અને શરૂ થઈ ગઈ ત્યારે ખબર પડી કે આ વિષયનું પેપર કાઢવાનું તો ભૂલાઈ ગયું, બાદમાં તાત્કાલિક પરીક્ષા નિયામક દ્વારા પેપરસેટરને ફોન કરીને પેપર મેળવવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને અપાયું.
વિદ્યાર્થીઓનો અડધો કલાક બગડ્યો. આમ જ 25 એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં પહેલા જ દિવસે એમ.એ. સેમેસ્ટર-2માં એક્સટર્નલ વિદ્યાર્થીઓના કાઉન્સેલીંગ સાઈકોલોજીના પેપરમાં થયું હતું. વિદ્યાર્થીઓ પેપર આપવા બેઠાં ત્યારે ખબર પડી કે આ વિષયનું પેપર કાઢવાનું તો ભૂલાઈ ગયું. પરીક્ષા વખતે સમયની કેટલી કિંમત હોય છે એ શું આ લોકોને ખબર નહીં હોય? શિક્ષણજગતમાં આવી બેદરકારી કેમ ચલાવી લેવાય? આમાં તો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાય છે. આ તો ખરેખર શિક્ષણ જગતની ગંભીર ક્ષતિ ગણાવી શકાય.
સુરત – શ્રીમતી શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે