દિલ્હીમાં સ્ટ્રીટ ડોગને તાત્કાલિક સેન્ટર હોમમાં ખસેડવાના આદેશની સાથે જ ડોગને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી જેના ઘેરા પ્રત્યાઘાત રૂપે જીવદયા પ્રેમીઓનાં ઘોડાપૂર વિરોધ દર્શાવવા કેન્ડલ માર્ચ સાથે મેદાનમાં ઉતરી આવ્યા, સરકારે કદાચ નિર્ણય બદલવો પણ પડે. મુંબઈમાં પણ કબૂતરને ચણ નહીં નાખવાનો કાયદો જાહેર કર્યો ત્યાં પણ જૈન સમાજ અને જીવદયા પ્રેમીઓએ વિરોધ દર્શાવ્યો. કબુતરનું અસ્તિત્વ સદીઓથી છે.
કબુતરથી નુકસાન થયું હોય એવો ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ નથી. થોડા વર્ષ પૂર્વે સ્વાઇનફ્લુ આવ્યો હતો ત્યારે પણ કરોડો મરઘા તથા બટકનું નિકંદન કાઢવામાં આવ્યું, પ્રશ્ન એ થાય છે કે શું મનુષ્ય જ સારા? દરેક ક્ષેત્રમાં અપવાદ તો હોય જ છે ચાહે જાનવર હોય યા મનુષ્ય. તેની સજા આખી પ્રજાતિને ન હોય, સમસ્યાના નિરાકરણ માટે બીજા પણ રસ્તા અપનાવી શકાય. જે સ્ટેપ બાય સ્ટેપ નેધરલેન્ડ તથા ભૂતાને કરી બતાવ્યું છે. ફક્ત દિલ્હીમાં જ આઠ લાખ સ્ટ્રીટ ડોગની વસ્તી છે.
તેને સમાવવા લગભગ 800 સેન્ટર હોમની જરૂરત સાથે તેઓના રોજીંદા ખોરાક, પાણી તેઓને સંભાળવા માણસોનો સ્ટાફ, સેન્ટરની સફાઈ ડોક્ટર્સ, મેડિસિન વગેરે કેટલીય જરૂરિયાતો ઉભી થાય, જેનો અંદાજિત ખર્ચ કાઢવો જ મુશ્કેલ છે. વળી ચીન જેવા પાડોશી દેશો કે જે ડોગ મીટના શોખીન છે, તો પાછલે બારણે કંઈ પણ થઈ શકે. અરે ! દેશમાં બીજા અનેક સળગતા પ્રશ્નો છે, એ તરફ પણ ધ્યાન દોરવું જોઈએ. જીવસૃષ્ટિ માટે કુદરતે ગોઠવેલ સમતુલન સાથે છેડછાડ ન થવી જોઈએ. અબોલ પશુ કે પક્ષી મનુષ્ય જાતિ ઉપર જ નિર્ભર હોય છે. તેઓની મનોવ્યથા સમજીને ‘જીવો અને જીવવા દો’એ ન ભૂલવું જોઈએ કે ભારત એક આધ્યાત્મિક દેશ છે.
સુરત – રેખા એમ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.