Charchapatra

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જરૂરી છે

માનવ જીવનમાં વિચારશક્તિ અને સમજણનું મહત્વ ખૂબ મોટું છે. આજના આધુનિક યુગમાં જ્યાં વિજ્ઞાન ઝડપથી વિકાસ કરી રહ્યું છે, ત્યાં પણ અંધશ્રદ્ધાએ ઘણા લોકોના જીવનમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. અંધશ્રદ્ધા અને વિજ્ઞાન એકબીજા કરતા સંપૂર્ણપણે વિરુદ્ધ છે, કારણ કે એક તર્ક વિના માન્યતાઓ પર આધારિત છે, જ્યારે બીજું પુરાવા અને પ્રયોગો પર આધારિત છે. અંધશ્રદ્ધા એટલે એવી માન્યતાઓ જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જે સામાન્ય રીતે અજ્ઞાન, ભય અને પરંપરાઓ પરથી ઉત્પન્ન થાય છે. જે સમાજમાં ગેરસમજ અને ભયનું વાતાવરણ ઊભું કરે છે. કહેવાતા જ્યોતિષીઓ, તાંત્રિકો આ નબળાઈઓનો ગેરલાભ ઉઠાવી અનેક પ્રકારનું શોષણ કરે છે. વિજ્ઞાન તર્ક, નિરીક્ષણ અને પ્રયોગો પર આધારિત છે.

વિજ્ઞાન કોઈપણ વાતને સાચી માનતા પહેલા તેના માટે પુરાવા શોધે છે. આપણને સત્ય જાણવામાં મદદ કરે છે અને ખોટી માન્યતાઓ દૂર કરે છે.અંધશ્રદ્ધા માનવ વિકાસમાં અવરોધ ઊભો કરે છે, જ્યારે વિજ્ઞાન વિકાસનો માર્ગ ખોલે છે. અંધશ્રદ્ધા લોકોમાં ભય અને અજ્ઞાન ફેલાવે છે, જ્યારે વિજ્ઞાન જ્ઞાન, સમજણ અને આત્મવિશ્વાસ વધારે છે. તેથી, આજના યુગમાં આપણે અંધશ્રદ્ધાને છોડીને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવો જરૂરી છે. સમાજના સર્વાંગી વિકાસ માટે આપણે વિજ્ઞાનને પ્રોત્સાહન આપવું અને દરેક વાતને તર્ક અને પુરાવાથી સમજવાની ટેવ વિકસાવવી જોઈએ, જેથી આપણે સાચા અર્થમાં પ્રગતિશીલ બની શકીએ.
સુરત     – સુનીલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top