સુરતઃ એક જમાનો હતો જ્યારે લોકો કશેક જાય તો ઘરની લોકની ચાવી પડોશી, સગાઓને આપી જતા હતા, પરંતુ હવે તો કોઈની પર વિશ્વાસ કરવા જેવો નથી. સુરતમાં એક એવી ઘટના બની છે કે લોહીના સગા પરથી વિશ્વાસ ઉઠી જાય.
ખરેખર સુરતમાં મામાએ પોતાના સગા ભાણેજના ઘરમાં ચોરી કરી હોવાનો કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. ભાણેજના ઘરમાં ચોરી કરવા માટે મામાએ ફુલપ્રુફ પ્લાન બનાવ્યો હતો. ભાણેજના ઘરના લોકની ડુપ્લીકેટ ચાવી મામાએ બનાવી હતી. ઘરમાં કોઈ નહોતું ત્યારે ડુપ્લીકેટ ચાવીથી ઘર ખોલી અંદર જઈ ચોરી કરી હતી. મામાએ કરેલા કરતૂતનો ભાંડો ફૂટ્યો ત્યારે જોવા જેવી થઈ હતી.
આ ઘટના સુરતના ઉમરવાડા વિસ્તારની છે. અહીંના ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગ નં 17ના ત્રીજા માળે ફ્લેટમાં રહેતા નરેશ કસ્તુરચંદ કોઠારી (ઉં.વ. 48)ના ઘરમાં ગઈ તા. 7 સપ્ટેમ્બરે ચોરી થઈ હતી. રિંગરોડની જે.જે. માર્કેટમાં સાડીનો વેપાર કરતા નરેશ કોઠારીએ પોલીસને કહ્યું કે, ગઈ તા. 3 સપ્ટેમ્બરે સાંજે 7થી 9 વાગ્યાના અરસામાં તેમનો પરિવાર લંબે હનુમાન રોડ પર અરિહંત પાર્કમાં આવેલા ઉપાશ્રયમાં ગયા હતા. ત્યારે ઘરમાં ચોરી થઈ છે. સવારે ઉઠ્યા ત્યારે તિજોરનું લોકર તુટેલું હતું. અંદરથી સવા પાંચ લાખ રોકડા તેમજ માતા-પિતાના 25 તોલાના દાગીના ચોરાયા હતા.
પોલીસે આ કેસમાં તપાસ કર્યા બાદ રાજસ્થાનના ઉદેપુરના કમોલ ગામમાં રહેતા રમેશ હીરાલાલ જૈન (ઉં.વ38)ની ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસે 4.45 લાખ રોકડા અને દાગીના સહિત 20.08 લાખની માલમત્તા કબ્જે કરી છે. આરોપીએ કબૂલાત કરી છે કે તેની પત્નીની ડિલીવરી માટે પરવટ પાટિયા ખાતેની અક્ષર ટાઉનશિપમાં રહેતા ભાઈના ઘરે આવ્યો હતો. પત્નીની ડિલીવરી માટે રૂપિયા નહીં કૌટુંબિક ભાણેજ નરેશ કોઠારીના ઘરે ચોરી કરી હતી.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, નરેશ છેલ્લાં દોઢ મહિનાથી પત્નીની ડિલીવરી માટે સુરત ભાઈના ઘરે રોકાયો હતો. તે બે-ત્રણ વખત કૌટુંબિક ભાણેજ રમેશ જૈનના ઘરે ગયો હતો. નરેશ જાણતો હતો કે 3 સપ્ટેમ્બરની સાંજે રમેશ તેના પરિવાર સાથે ઉપાશ્રયમાં જવાનો છે, તેથી તેને ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી અને આયોજનપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો.