એક બેન્કનાં રીટાયર કર્મચારી પ્રજ્ઞાબહેન, રીટાયર થયા બાદ પોતાની શરતે જીવન જીવે.હંમેશા ખુશખુશાલ દેખાય, જે ગમે તે કરે, ક્યારેય કોઈ સ્ટ્રેસ નહિ, ક્યારેય તેઓ ગુસ્સામાં ન હોય, ધીમે ધીમે હસીને વાતો કરે અને પોતાનું મંતવ્ય અને પસંદ એકદમ મક્કમ રીતે રજૂ કરે. દીકરી-જમાઈ, વહુ-દીકરા અને પૌત્ર અને દોહિત્રીથી ભરેલો પરિવાર બધાને પ્રેમ કરે અને બધાને પોતાની રીતે જીવવા દે. કોઈના જીવનમાં દખલ ન કરે. એક દિવસ તેમના જુના બેંકમાં સાથે કામ કરતાં બહેનપણી સોનલબહેન રસ્તામાં મળ્યાં. બંને સખીઓ વાતો કરવા લાગી, ઘણો સમય થયો. પ્રજ્ઞાબહેન બોલ્યાં, ‘સોનલ, આમ અહીં ઊભા ઊભા વાત કરતા પગ દુઃખી જશે, ચલ એક ઢોસો ખાઈએ અને ગપસપ કરીએ.’સોનલબહેને કહ્યું, ‘ના ..ના આજે મને મંદિરે જવાનું મોડું થાય છે અને એકટાણું પણ છે.કાલે મળીશું.’
આમ કહીને સોનલબહેન નીકળી ગયાં. બીજે દિવસે નક્કી કર્યા પ્રમાણે બંને બહેનપણીઓ મળી વાતો શરૂ કરતાં જ પ્રજ્ઞાબહેને પૂછ્યું, ‘સોનલ કાલે તું કેમ જતી રહી? વાતો કરવાની કેટલી મજા આવતી હતી? એક દિવસ મંદિરે ન જાય તો ન ચાલે?’ સોનલબહેને કહ્યું, ‘અરે, મારો નિયમ છે રોજ મંદિરે જવાનો.આજે જલ્દી મંદિરે જઈ આવી. તું કહે તું આટલી ઉંમરે પણ સુંદર, ખુશ અને ફ્રેશ દેખાય છે. મારી તો વધુ ઉંમર દેખાવા લાગી છે. શું કરે છે.’
પ્રજ્ઞાબહેન હસ્યાં અને બોલ્યાં, ‘મેં એક નિયમ લીધો છે.’સોનલબહેને પૂછ્યું, ‘એવો તે કયો નિયમ લીધો છે?’ પ્રજ્ઞાબહેન હસ્યાં અને બોલ્યાં, ‘હું એક જ નિયમનું પાલન કરું છું કે કોઈ નિયમ નહિ લેવાના અને પાળવાના….’‘એટલે?’સોનલબહેનથી તરત જ પુછાઈ ગયું. પ્રજ્ઞાબહેને હસતાં હસતાં જવાબ આપ્યો, ‘હું જીવનમાં કોઈ નિયમનું પાલન કરતી નથી.જયારે ઊઠવું હોય ત્યારે ઊઠવાનું…ઊંઘ આવે એટલે સૂઈ જવાનું.ભૂખ લાગે ત્યારે ખાઈ લેવાનું…રોજ ચાલવા જવાનું ,રોજ પૂજાપાઠ કરવા ,રોજ મંદિરે જવું ,રોજ યોગ કરવા, રોજ આમ કરવું …રોજ તેમ કરવું… એવા કોઈ નિયમ મેં જીવનમાં રાખ્યા જ નથી.મન થાય ત્યારે મનને ગમે તે કરવાનું. બસ અને બીજા કોઈ તમારા મન પ્રમાણે કરે તેવો આગ્રહ પણ નહિ રાખવાનો.જો આ એક નિયમ પાળીને હું બહુ ખુશ છું.’પ્રજ્ઞાબહેને પોતાની જીવન જીવવાની સરળ પણ અસરકારક ફિલસુફી સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.