જંગલમાં જુદાં જુદાં ફૂલોની વચ્ચે ગુલાબના છોડ પર એક મોટું સુંદર લાલ ગુલાબ ખીલ્યું.આજુબાજુનાં બધાં ઝાડપાન છોડ તેની સુંદરતાના વખાણ કરવા લાગ્યા.નજીકનું વડનું ઘટાદાર ઝાડ બોલ્યું, ‘કેટલું સુંદર ફૂલ છે.મને થાય છે કે કાશ મારી પર આવાં સુંદર ફૂલો ખીલતાં હોત.’ગુલાબે આ સાંભળ્યું. તેનું અભિમાન વધ્યું, તે બોલ્યું, ‘હું આ જંગલનું સૌથી સુંદર ફૂલ છું.’નજીકમાં ખીલેલા સુરજમુખીએ આ વાત સાંભળી કહ્યું, ‘દોસ્ત, એમ ન બોલ.આ જંગલમાં અનેક સુંદર ફૂલ છોડ છે. તું એમાંથી એક છે.’
ગુલાબને સુરજમુખીની વાત ન ગમી. તે તરત બોલ્યું, ‘બધાં મને અહોભાવથી જોતાં જ રહે છે કારણ હું બધાથી સુંદર છું અને જંગલમાં ક્યાં બધાં ફૂલ છોડ સુંદર છે. જો, આ થોર તો કેવો કાંટાથી ભરેલો છે કેટલો કદરૂપો લાગે છે.’નજીકમાં ઊગેલા પાઈનના ઝાડે ગુલાબને તરત ટકોર કરી, ‘ગુલાબ, થોરના કાંટાની વાત કરે છે તો તારામાં પણ કાંટા છે ને.’ગુલાબે અભિમાનથી કહ્યું, ‘મારા કાંટા મારી સુંદરતાને કોઈ હાનિ ન પહોંચાડે, તેનું રક્ષણ કરવા માટે છે અને આ થોરમાં સુંદરતા નથી અને માત્ર કાંટાથી ભરેલો છે.મને તો તેની નજીક રહેવામાં પણ ચીડ ચઢે છે.’
આજુબાજુનાં ઝાડ છોડ વિચારવા લાગ્યાં, ‘પોતાની સુંદરતાનું બહુ અભિમાન છે.બધા તેને અભિમાની ગુલાબ કહેવા લાગ્યા.’ગુલાબ વિચારતું, બધા મારા જેટલા સુંદર નથી એટલે મને અભિમાની કહે છે.ગુલાબ અભિમાનમાં અંધ બની બધાનું અપમાન કરતું.થોરને રોજ જેમ તેમ બોલતું..પણ થોર કંઈ જવાબ ન આપતું.બધું ચુપચાપ સાંભળી લેતું.ગુલાબ એક દિવસ બોલ્યું, ‘મારી સુંદરતાથી આખા વનની શોભા વધે છે.થોર, તું તો નકામું છે. સાવ નકામું અને વળી કદરૂપું.’થોર કંઈ ન બોલ્યું.નજીકના વડે કહ્યું, ‘ગુલાબ, આટલું અભિમાન સારું નહિ અને કોઈ ફૂલ ઝાડ છોડ નકામાં નથી હોતાં તે વાત યાદ રાખજે.’ગુલાબને વડની વાત ન ગમી પણ તે ચૂપ થઇ ગયું.
હવે દિવસો બદલાયા.વસંત ઋતુ પૂરી થઇ. ગરમી વધવા લાગી.બહુ તાપ પડવા લાગ્યો.ગરમીમાં પાણી ન મળવાથી ગુલાબની સુંદરતા પણ ઝાંખી પડવા લાગી.એક દિવસ ગુલાબે જોયું, નાના પંખી થોર નજીક આવતાં અને તેને ચાંચ મારી ઊડી જતાં.ગુલાબને કંઈ સમજાયું નહિ.ત્યાં જ તેણે પાઈનના ઝાડનો અવાજ સાંભળ્યો. તે થોરને પૂછતો હતો, ‘દોસ્ત, તારા થડમાં જમા કરેલ પાણીને પીવા આ પંખીઓ ચાંચ મારે છે ત્યારે તને વાગતું નથી.’થોરે કહ્યું, ‘વાગે છે..વેદના પણ થાય છે..પણ હું નાનાં નાનાં પંખીઓને આ ગરમીમાં તરસ છીપાવી શકું છું.હું નકામું નથી તે વાત મને આનંદ આપે છે તેમાં પીડા ભૂલાઈ જાય છે.’ગુલાબનું અભિમાન તેની સુંદરતાની જેમ કરમાયું અને તેણે થોરની માફી માંગી.અન્ય બધાં ફૂલ છોડની માફી માંગી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.