કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં. તમામ ઓપીનીઅન પોલને ખોટા પાડીને કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળી. ઇતિહાસનું પુનરાવર્તન થયું. ફરી એક વાર સત્તાપરિવર્તન થયું. સરકાર બનાવવા જરૂરી સીટ કરતાં ૨૩ સીટ વધારે મળી. પણ અહીં મહત્ત્વનો સવાલ એ થાય છે કે કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળી એટલે ઈ વી એમ મશીનમાં કોઈ ગોટાળા નહીં. ભૂતકાળમાં જ્યારે ભાજપને બહુમતી મળતી તો કોંગ્રેસ અને વિપક્ષો ઈ વી એમ મશીનમાં ગોટાળા કરવામાં આવ્યા છે એવી બૂમરાણ મચાવતા. પોતાને બહુમતી મળે તો ઈ વી એમ મશીનમાં ગોટાળા નહીં અન્યથા ગોટાળા એવી બેધારી નીતિ અખત્યાર કરવી એ બરાબર ન કહેવાય. ભૂતકાળમાં આવા આક્ષેપો થયા હતા ત્યારે ચૂંટણી પંચે પુરાવા સાથે સાબિત કરી આપ્યું હતું કે ઈ વી એમ મશીનમાં કોઈ જ ગોટાળા થયા નથી. પરંતુ ત્યાર પછી થયેલી ચૂંટણીમાં પણ એ રટણ ચાલુ જ હતું કેમકે તેમને બહુમતી મળતી નહોતી. ખેર, હવે પછી પણ ઘણી ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આવા આક્ષેપોનું પુનરાવર્તન ન થાય તેવું ઇચ્છીએ.
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શિક્ષક અભિરુચિ (માધ્યમિક) પરીક્ષા ૨૦૨૩-૨૪
શિક્ષણ વિભાગના તા. ૨૯/૦૪/૨૩ ના ઠરાવ મુજબ રાજય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી માટેની દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. બે તબક્કામાં લેવાનાર આ ભરતી પરીક્ષાનો એક મુખ્ય હેતુ ગુણવત્તાવાળા શિક્ષકો મેળવવાનો છે. અગાઉ ૨૦૧૯ માં લેવાયેલ શિક્ષક અભિરુચિ પરીક્ષા એકસ્તરીય હતી. મેરીટ મુજબ ભરતી પણ કરવામાં આવેલ. ઉપરાંત આ પરીક્ષાના પરિણામની વેલીડિટી પાંચ વર્ષ નક્કી થયેલ છે.
પરંતુ હાલમાં એક સમાચારપત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ ૨૦૧૯ ટાટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નોકરીથી વંચિત હજારો ઉમેદવારોએ પણ ફરીથી નવા ઠરાવ મુજબની દ્વિસ્તરીય પરીક્ષા આપવી પડશે. શું આ રીતે ૨૦૧૯ ટાટ પાસ ઉમેદવારોના પરિણામની વેલીડિટી અને નોકરી માટેની લાયકાત અયોગ્ય ઠેરવી શકાય ખરી ? આ ઉમેદવારો જો કોર્ટને શરણે જશે કે આંદોલનના માર્ગે જશે તો કદાચ ભરતી પરીક્ષા અને ભરતી પ્રક્રિયા બંને અટવાઈ શકે છે. સંવેદનશીલ સરકાર આવું તો ન જ ઇચ્છે અને તેથી નિર્ણય સમજી વિચારીને લેશે એવી આશા અને અપેક્ષા.
સુરત – મિતેશ પારેખ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.