Columns

ભાડાનું ઘર… હિજરતી પ્રજાનો હંગામી વાસ!

આમ તો મનુષ્યનો જન્મ આ પૃથ્વી ઉપર એકથી સો વરસના ભાડાપટ્ટે જ હોય છે. 9 મહિનાના એડવાન્સ રેન્ટ સાથે માના પેટમાં તમારો ભાડાવાસ ચાલુ થઇ જાય છે. જન્મતાની સાથે જ તેમની ખુશીઓના EMI સાથે માબાપનું ઘર ભાડે મળે છે. બધા 100 વરસ સુધી ભાડું આપવા જીવી શકતા નથી. કોકનું બાળ મરણ થાય છે કોક જુવાનીમાં નંદવાય છે. કોક 50ની ઉંમરે પાકી જાય છે. કોક વૃદ્ધાવસ્થામાં રીબાઈ રીબાઈને મલ્ટીપ્લેક્સ હોસ્પિટલને રીચી રીચ બનાવીને મરે છે, કરોડોમાં એક કે. કા. શાસ્ત્રી કે મોરારજીભાઈ દેસાઈ જેવા 100 વરસ સુધી સીમા પાર કરીને સંતોષ સાથે સ્વર્ગે સિધાવે છે, મારા તમારા જેવા બાકીના બધા આ ભાડાના ઘરનું જીવન માણે છે, જાણે છે અને તાણે છે. શાસ્ત્રોના પ્રમાણે આપણા બધાનો આત્મા જેતે ખોળિયામાં ભાડે જ રહે છે ને! મુદત પૂરી ને ભાડાનું ઘર ખાલી. પાછા ના આવો તે માટે સંબંધીઓ તેને બાળે છે.

આ તો એક હળવા લેખોના લેખકની ફિલોસોફી છે પણ રીયલ લાઈફમાં જ્યારે વયસ્ક કુમાર કે કુમારિકા તેમનું ફેમિલીઘર છોડીને બીજા પ્રદેશમાં કે દેશમાં પોતાની કરીઅર બનાવવા જાય છે ત્યારે ત્યાં તેમને આવકારવા કોઈ લાલ જાજમ તો હોતી નથી. કોઈ મા, મોમ કે મમ્મી હાથમાં ભરેલો ઠંડા પાણીનો ગ્લાસ કે મનગમતો નાસ્તો કે લંચ-ડીનર કરાવવા ડાઈનીંગ ટેબલ ઉપર રાહ જોતી બેઠી હોય. કોઈ બાપ, ડેડ કે પપ્પા ATM મશીનની જેમ ખૂણામાં તમારી નાણાંકીય ભીડ વિખેરવા કાયમ ઊભા હોય ત્યાં તો કુમાર કે કુમારીએ જાતે જ તેના એક દિમાગ, બે હાથ બે પગ સાથે ત્રણ મોરચે લડવું પડે છે.

એક મોંઘી લોનનું ભણવું. બીજું જે મળે તે અથવા જાતે જેવું આવડે તેવું રાંધીને ચણવું અને ત્રીજું જ્યાં મળે ત્યાં, જે બી મળે તે જોબ કરીને રળવું. આ બધાની પહેલા ઝીરો લેવલની જરૂરિયાત તરીકે એક આવાસની જરૂર પડે છે. અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા કે કેનેડામાં પહેલો પગ તો બાપાની સહાય સાથે મૂકી  દીધો પણ આખું શરીર સમાવવા ક્યાં કોક ઓળખીતાપાળખીતાના ઘરે પેરાસાઈટની જેમ અથવા તમારી પહેલાં પહોંચેલા સીનિયર મિત્રોની સાથે PG શેરીંગમાં રહેવું પડે છે, થોડા ઠરીઠામ થવાય એટલે પર્સનલ પ્રાઈવસીના ભાગ રૂપે બજેટમાં પોષાય તેવું એક ભાડાનું ઘર શોધવું પડે છે. પરદેશમાં તો પ્રોફેશનલ બ્રોકર અને વેબસાઈટની મદદથી આ બધું બહુ સરળ છે.

આવી જ પરિસ્થિતિ આપણા દેશમાં પણ હોય છે. પોતાના શહેરમાંથી ઉચ્ચ અધ્યયન કે કરીઅર માટે મુંબઈ, પુના, બેંગ્લોર જેવા મહાનગરમાં જતા યુવાન યુવતીઓ શરૂઆતમાં ભાડે રહે છે. મુંબઈ જેવા શહેરમાં રોકડી તો તરત મળી જાય છે પણ ઓરડી મેળવવા માટે રીતસરનું રઝળવું પડે છે. ત્યાં કોઈની ભલામણવાળા એસ્ટેટ બ્રોકરને મળવું પડે છે. એક મહિનાનું ભાડું દલાલી તરીકે નક્કી થાય છે, KBCમાં તો 4 જ ઓપ્શન હોય છે પણ અહીં બ્રોકર તમને તેની નેનોમાં બેસાડીને દિવસના 10-12 ઓપ્શન દેખાડે છે. 

જોબની નજીકનું સ્થળ, સારી લોકાલીટી અને તમારા બજેટને પરવડે તેવું અને 24 કલાક માટેના પાણી અને વીજળી જેવી બેઝીક અમેનિટીસ સાથેનું સેમી કે ફૂલ ફર્નીશડ સ્ટુડીઓ કે વન BHK અપાર્ટમેન્ટ ભાડે લેવાય છે. પોલીસ વેરીફીકેશન અને દસ્તાવેજી કોન્ટેક્ટ કરીને પોસ્ટડેટેડ ચેક્સ આપવા પડે છે. પ્રોબ્લેમ એટલો છે કે તે 11 મહિનાની એક્સપાયરી ડેટ સાથે મળે છે, ત્યાર બાદ તમારે ત્યાં રહેવું હોય તો આગામી વર્ષ માટે 10% ‘રેન્ટ રાઈઝ’નું ઇન્જેક્શન મરાવવું પડે છે. જ્યાં સુધી ફાયનાનશ્યલ સધ્ધરતા ના આવે અને પોતાનો ઓનરશીપ ફ્લેટ ના લેવાય ત્યાં સુધી હિજરતી કે વણઝારાની જેમ દર વરસે કે બે વરસે જુદા જુદા એરિયામાં હંગામી વાસ કરવો પડે છે. જો કે આજના ન્યુક્લીઅર ફેમિલી માટે આ આશીર્વાદરૂપ માળો છે.

પોતાનું ઘર બનાવવું કે કાયમ ભાડાના ઘરમાં રહેવું તે “મરઘી પહેલાં કે ઈંડું પહેલાં?’ જેવી ચર્ચાનો સબ્જેક્ટ છે. એક અંગ્રેજી કહેવત મુજબ “ફૂલ્સ મેઇક હોમ્સ એન્ડ વાઈસ લીવ ધેર’ અર્થાત “ગાંડા લોકો ઘર બનાવે છે અને શાણાઓ તેમાં રહે છે’. ભાડાના ઘરમાં તમે ભાડું આપો છો. તે મકાનની બાંધણીમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. મકાનમાલિકની સ્ટીંગ નજરમાં હો છો. આજના ‘બોથ વર્કિંગ’ યંગસ્ટર્સ કપલમાં ભાડે રહેવું અનિવાર્ય છે. તેમના સેલેરી સ્ટ્રકચરમાં ટેક્સ સેવિંગનો બેનીફીટ પણ છે. આજે જ્યારે સંયુક્ત કુટુંબ એક્સટીંક્ટ થતા જાય છે અને વિભક્ત કુટુંબ છતા થતા જાય છે ત્યારે પોતાનું મકાન બનાવવું લક્ઝરી છે.

હવે પરદેશમાં સેટલ થયેલી તમારી બીજી NRI પેઢી કે ત્રીજી ત્યાં જ બોર્ન સીટીઝન પેઢીને તમારા વારસાઈ ઘરમાં પાછા આવીને રહેવાનો કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી, યસ, તમારા દેવ થયા પછી તેમના માટે એક તગડું ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ બની રહેશે. તમે તમારી મિડલ એજમાં લોનના હપ્તા ભરીને પણ દિલથી 3 માળવાળું 4 બેડરૂમનું ઘર ખૂબ હોશે હોંશે બનાવ્યું છે, તમે સીનિયર સિટીઝન થયા પછી સાંધાની તકલીફના લીધે ત્રણેય માળનો વપરાશ થાય તે હેતુથી એક SUVની કિંમતની ‘સી થ્રુ ગ્લાસ’વાળી એક ‘ટ્યુબયુલર લિફ્ટ’ પણ વસાવી હોય છે. જો કે લોકો તો કહેવાના કે આટલા બધા ખર્ચા કરતા મકાનની કિંમત જેટલી રકમ વ્યાજે મૂકો તો તે આવકમાં ભાડાના ઘરમાં રહેવું ઘણું સસ્તું પડશે અને છતાં ઘણા પૈસા બચશે પણ ખરા. . .

Most Popular

To Top