Editorial

એપ્રિલ માસમાં જીએસટીનું 2.10 લાખ કરોડનું રેકોર્ડબ્રેક કલેકશન દેશની ઈકોનોમીને મજબુત બતાવી રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની ઈકોનોમીને 5 ટ્રિલિયન કરવાની અનેક વખત જાહેરાતો કરવામાં આવી પરંતુ ભારતની ઈકોનોમી 5 ટ્રિલિયનથી પણ વધારે ઓલરેડી છે જ. ભવિષ્યમાં ભારતની ઈકોનોમી 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે તેમ છે. ભારતની ઈકોનોમીની તાકાત કેટલી છે તેની ખબર જીએસટીના કલેકશનના ધીરેધીરે વધી રહેલા આંકડાને કારણે પડે છે. ભારત એવો દેશ છે કે જેમાં ઈન્કમટેક્સમાં અનેક છીંડાઓ રાખવામાં આવ્યા હતા અને રાખવામાં આવ્યા છે.

આ છીંડાઓને કારણે ભારતની ઈકોનોમી ખરેખર કેટલી છે તેની ખબર પડતી નહોતી. ભારતની ઈકોનોમી સફેદ નાણું અને કાળું નાણું વચ્ચે વહેંચાઈ ગઈ હતી. પરંતુ જીએસટી આવ્યા બાદ ભારતની ઈકોનોમીની તાકાતના દર્શન થઈ રહ્યા છે. ભારતમાં એપ્રિલ માસમાં જીએસટીનું કલેકશન ઓલટાઈમ હાઈ એટલે કે રૂપિયા 2.10 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જેમાં  રૂ.43,846 કરોડ કેન્દ્રિય જીએસટીના, રૂ.53,538 કરોડ સ્ટેટ જીએસટીના, રૂ.99,623 કરોડ ઇન્ટિગ્રેટેડ જીએસટીના ,જેમાંથી રૂ.37,826 કરોડ આયાત પરથી અને સેસ રૂ.13,260 કરોડ કે જેમાંથી રૂ.1,008 કરોડ આયાત પરથી મળ્યા છે.

રિફંડને ધ્યાનમાં લીધા બાદ, એપ્રિલ 2025માં નેટ જીએસટી આવક રૂ.1.92 લાખ કરોડ રહી, જે ગયા વર્ષની સરખામણીએ 17.1% વધુ છે. એછે.પ્રિલ માસમાં જીએસટીનું જે કલેકશન થયું તે ગયા વર્ષના એપ્રિલ માસની સરખામણમાં 12.4 ટકા વધુ છે.  જીએસટીમાં જે વધારો થયો તેના મુખ્ય કારણોમાં 13.4%ની દર વર્ષે વધેલી સ્થાનિક લેવલની લેવડદેવડ અને 8.3%ની આયાતમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે . આ ઉપરાંત, સરકાર દ્વારા કરચોરી સામે લીધેલા પગલાં અને ટેક્સ કોમ્પ્લાયન્સમાં સુધારાઓ પણ આ વૃદ્ધિમાં યોગદાન આપતા મુખ્ય ઘટકો રહ્યા છે.​ રાજ્યોના જીએસટી કલેકશનમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

મહારાષ્ટ્રે રૂ.37,671 કરોડ સાથે સૌથી વધુ કલેકશન નોંધાવ્યું, જ્યારે ગુજરાતે રૂ.13,301 કરોડ અને કર્ણાટકે રૂ.15,978 કરોડનો જીએસટી કલેકશન નોંધાવ્યો . મિઝોરમમાં સૌથી વધુ 52%ની વૃદ્ધિ નોંધાઈ છે.​ જીએસટીમાં વધારો થતો જ રહેવાનો છે, કારણ કે ભારતમાં ધંધા-વેપારમાં જે વેપારીઓ જીએસટીની નેટમાં આવ્યા નહોતા તે તમામ પણ જીએસટીની નેટમાં આવી રહ્યા છે. જીએસટીની નેટ ધીરેધીરે વિકસીત જ રહે છે. જેને કારણે તેની આવકમાં પણ મોટો વધારો થવાની સંભાવના રહેલી છે. નિષ્ણાંતોના મતે એક સમય એવો આવશે કે જ્યારે જીએસટીનું એક મહિનાનું કલેકશન 5 લાખ કરોડ સુધી પહોંચી જશે. એટલે કે દર વર્ષે ભારત સરકારને 60 લાખ કરોડની આવક તો માત્ર જીએસટીમાંથી જ મળશે.

જીએસટીમાં જે કલેકશન વધ્યું છે તે ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનું પ્રતિબિંબ છે. ઉચ્ચ વપરાશ ક્ષમતા, વધતી ઉદ્યોગસાહસિકતા અને નાગરિકોની કરચુકવણી પ્રત્યેની જાગૃતિ આ વૃદ્ધિના મુખ્ય સૂચકાંકો છે. આ સાથે, ટેક્નોલોજીના ઉપયોગથી કર વસૂલાત વધુ પારદર્શક અને અસરકારક બની છે.​ જોકે, હજી પણ કેટલાક પડકારો છે. નાના વેપારીઓ માટે ટેક્નોલોજીનો ઉપયોગ અને જીએસટીની જટિલતાઓને સમજવું મુશ્કેલ બની શકે છે. ઉપરાંત જીએસટીના રિટર્ન ભરવાની જે સમયમર્યાદા છે તે પણ જટીલ છે.

ઇન્કમટેક્સની જેમ જો જીએસટીમાં પણ વાર્ષિક રિટર્ન ભરવામાં આવે તો વેપારીઓને વધુ સરળતા થાય તેમ છે અને જીએસટીને આઈટી સાથે સાંકળી પણ શકાય. નાના વેપારીઓ માટે જીએસટીને સમજવું અને તેના નિયમોનું પાલન કરવું અઘરું છે. સરકારે દર મહિને વેપારીઓ સાથે નિયમિત બેઠકો ગોઠવીને તેમના જીએસટીને લગતા જે પ્રશ્નો છે તે દૂર કરવા જોઈએ. જો સરકાર અને સાથે સાથે વેપારીઓ એકબીજાને સમજી લે અને એકબીજાને અનુકૂળ થાય તો જીએસટીનું કલેકશન માસિક 5 લાખ સુધી પહોંચી જશે તેમાં કોઈ જ પ્રશ્ન નથી. જીએસટીનું વધી રહેલું કલેકશન ભારત દેશને વધુ સમૃદ્ધ બનાવશે તે નક્કી છે.

Most Popular

To Top