Columns

રોશનીનું કિરણ

એક દિવસ નાનકડી નોયા રડતી રડતી સ્કૂલમાંથી આવી અને બંગલાના ગાર્ડનના હીંચકા પર બેસીને રડવા લાગી.રોજ તો નોયા સ્કૂલમાંથી આવીને આખા ઘરમાં દોડાદોડી કરીને ધમાલ કરતી અને આખો દિવસ શું કર્યું તે બધાને કહેતી. તેનું મોઢું બંધ જ ન થતું. મમ્મી ખીજાઈને જમવા બેસાડતી કે પહેલાં શંતિ રાખ, જમી લે પછી વાતો કરજે ….પણ આજે તેનો આવવાનો સમય થઈ ગયો પણ તેનો અવાજ ન આવ્યો. મમ્મી રસોડામાં કામમાં હતી એટલે તેનું ધ્યાન ન ગયું કે નોયાનો આવવાનો સમય થઇ ગયો છે…પણ દાદા રોજ નોયાની એક આહટ ઓળખી લેતાં. તે બહાર ગયા. જોયું તો નોયા હીંચકા પર બેસીને રડી રહી હતી.દાદા ધીમે પગલે તેની પાસે ગયા અને કંઈ પણ બોલ્યા વિના તેની બાજુમાં બેસી ગયા.દાદા આવ્યા એટલે તેમને જોઇને નોયાને વધુ રડવું આવ્યું…તે દાદાને વળગીને બોલવા લાગી, દાદા, આજનો દિવસ જ ખરાબ છે.

આજે બધું ખરાબ જ થઇ રહ્યું છે….એ જ ટેક્સ્ટ બુક ભૂલી ગઈ એટલે ટીચર ખીજાયા…પાછળવાળી છોકરીએ પેન્સિલ માંગી અને હું આપવા પાછળ ફરી તો સરે મને ક્લાસની બહાર ઊભી રાખી…સરપ્રાઈઝ ટેસ્ટમાં મને બધા જવાબ આવડતા હતા પણ એક પણ જવાબ હું આજે બરાબર આપી શકી નહિ…ખબર નહિ, આજે બધું જ ખરાબ જ થઇ રહ્યું છે.’ દાદાએ તેને બોલવા દીધી અને તેની બધી વાત સાંભળી લીધી પછી ધીમેથી બોલ્યા, ‘દીકરા નોયા, તને ખબર છે સૌથી વધારે ગાઢ અંધકાર હોય તો પણ એક રોશનીનું કિરણ ફૂટે અને બધો જ અંધકાર ગમે તેટલો ગાઢ હોય, દૂર થવા માંડે છે.

ગમે તેટલી લાંબી અંધારી ટનલ હોય તે પૂરી થાય છે અને તેના અંતમાં રોશની જ હોય છે.આ તો કંઈ નથી, ખાલી એક દિવસ ખરાબ પસાર થયો છે અને આ દિવસ તો આથમી જશે અને કાલે સવારે પાછો નવી રોશની સાથે નવો દિવસ ઊગશે. રોજ ઊગતો નવો દિવસ અને નવું રોશનીનું કિરણ નવા દિવસના સંદેશ, નવી આશા સાથે લાવે છે. તે હંમેશા યાદ રાખજે આગળ જતા જીવનમાં ઘણા અઘરા દિવસો આવશે …રડું આવે તો રડી લેજે પણ હિંમત હારતી નહિ …આશા જીવંત રાખજે કારણ નવો દિવસ નવી રોશની સાથે ઊગશે જ…’દાદાએ રડતી નોયાને શાંત કરી અને જીવનભર કામ લાગે તેવી સમજાવટ સાથે તેનામાં આશા અને હિંમતનો સંચાર કર્યો.આંસુ લૂછતી નોયા કિચનમાં મમ્મી પાસે દોડી ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top