અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં દિવાળીને સત્તાવાર રીતે રાજ્ય રજા તરીકે માન્યતા આપવામાં આવી છે. ગવર્નર ગેવિન ન્યુસમે આ અંગેના બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જેના કારણે હવે કેલિફોર્નિયા એ ત્રીજું અમેરિકન રાજ્ય બન્યું છે. જેણે ભારતીય તહેવાર દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરી છે. આ નિર્ણય ભારતીય મૂળના અમેરિકન સમુદાય માટે ઐતિહાસિક ક્ષણ બની છે.
આ બિલ (AB 268) કેલિફોર્નિયાના એસેમ્બલી સભ્ય એશ કાલરા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2025માં બિલ કેલિફોર્નિયા વિધાનસભાના બંને ગૃહોમાં બહુમતીથી પસાર થયું હતું અને હવે ગવર્નરના હસ્તાક્ષર બાદ અમલમાં આવ્યું છે.
સ્ટેટ એસેમ્બલી સભ્ય એશ કાલરાએ જણાવ્યું હતું કે “કેલિફોર્નિયા ભારતીય અમેરિકનોની સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે અને દિવાળીને રાજ્ય રજા જાહેર કરવાથી લાખો લોકો સુધી આ તહેવારનો સંદેશ પહોંચશે. આ નિર્ણય આપણા રાજ્યની સાંસ્કૃતિક વિવિધતાને સ્વીકારવાનો ઉત્તમ ઉદાહરણ છે.”
દિવાળી જે પ્રકાશનો તહેવાર તરીકે ઓળખાય છે. તે સદ્ભાવના, શાંતિ અને નવી શરૂઆતનું પ્રતીક છે. કાલરાએ વધુમાં ઉમેર્યું કે “દિવાળી એ સમુદાયોને એકત્ર લાવતો તહેવાર છે. જે અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. કેલિફોર્નિયાએ આ ઉજવણીને ગૌરવપૂર્વક સ્વીકારી છે.”
આ રાજ્યોમાં પહેલેથી જ દિવાળી રજા છે
કેલિફોર્નિયા પહેલાં પેન્સિલવેનિયા એ ઓક્ટોબર 2024માં દિવાળીને રાજ્ય રજા જાહેર કરી હતી. ત્યારબાદ કનેક્ટિકટ એ પણ રાજ્ય રાજા જાહેર કરી હતી. ઉપરાંત ન્યૂ યોર્ક સિટી એ તેની જાહેર શાળાઓમાં દિવાળીના દિવસે રજા જાહેર કરી છે.
ભારતીય સમુદાયમાં આનંદનો માહોલ
કેલિફોર્નિયામાં દિવાળીને રાજ્ય રજા જાહેર કરવાની જાહેરાત બાદ ભારતીય અમેરિકન સમુદાયમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. અનેક સંગઠનો અને સમુદાયના નેતાઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
પ્રખ્યાત બિન-લાભકારી સંસ્થા ‘ઇન્ડિયાસ્પોરા’ ના સ્થાપક એમ.આર. રંગાસ્વામીએ જણાવ્યું હતું કે “આ માન્યતા માત્ર દિવાળીની ઉજવણીનું સન્માન નથી પરંતુ તે ભારતીય અમેરિકનોના યોગદાન અને કેલિફોર્નિયાના વિકાસમાં તેમની ભૂમિકા માટે આભાર વ્યક્ત કરે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે આ નિર્ણયથી નવી પેઢીનો આત્મવિશ્વાસ વધશે અને ભારતીય સંસ્કૃતિને વધુ માન્યતા મળશે.