આજકાલ સાચા-સંતો સાધુઓનું સ્થાન બાવાઓએ લઇ લીધું છે. એ જ રીતે પાનનું સ્થાન માવાએ લીધું છે. પાન જેવો રજવાડી ઠાઠ માવામાં નથી અને માવા ખાવાવાળામાં પણ નથી. માગીને માવો ખાતાં હોય એમાં રજવાડી ઠાઠ તો કયાંથી હોય?! ફિલ્મમાં ‘પાન ખાયે સૈંયા હમારો…’ એવું શરારતી ગીત છે પણ કયાંય માવો ખાયે સૈંયા હમારો એવું ગીત ગોત્યું જડતું નથી. આમ છતાં મોટાભાગના યુવાનો માવો ખાઇને મોટી – મોટી વાતો કરતા હોય છે. આમાંના ઘણા તો માવો ખાતાં હોય ત્યારે જોવા જેવા હોતા નથી. અમુક તો ન ખાતાં હોય ત્યારે પણ જોવા જેવા હોતા નથી. છતાં આપણને બસમાં, બગીચામાં, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મુકાવેલા બાંકડે કે બીજાના પાર્ક કરેલા બાઇક પર બેઠાં બેઠાં માવો ડૂચાવતા જોવા મળે છે.
આમ જુઓ તો (…..કે તેમ જુઓ! ગમે તેમ જુઓ.) માવો એ ખાવાની ચીજ નથી વળી આ ન ખાવાની ચીજ પણ બહુ ઓછાને ખાતાં આવડે છે. તેથી જ પ્રશ્ન થાય કે અમુક શખ્સો માવો ખાતાં હોય ત્યારે તેમનો લાકડાના કબાટ જેવો ચહેરો જોવો કે નહિ? આમ છતાં પણ અમે આવા ચહેરા અનેક વાર જોયા છે. છૂટકો જ નથી કારણકે માવો ચાવતા મનુષ્યો તો ગમે ત્યાં ભટકાવાના જ! બસ આવા માવા ડુચાવનારા મહાશયોમાં જોવા મળતી વિવિધતા અહીં પ્રિય વાચકોને અર્પણ કરવાનો નેક ઇરાદો છે. પ્રિય વાચક મિત્રો પણ માવો ખાતાં ખાતાં આ લેખ વાંચી શકે છે.
માવો ખાનારા મનુષ્યોના ક્ષણેક્ષણના નિરીક્ષણને આધારે અમે નોંધ્યું છે કે ઘણા ઇસમો ગ્રાઇન્ડર પધ્ધતિથી માવો ખાય છે. તેઓ માવો અને તેમાં રહેલા અજ્ઞાન તંતુઓને ઉત્તેજીત કરનારા પદાર્થોને (હા, માવો ખાવાથી અજ્ઞાન તંતુઓ જ ઉત્તેજીત થાય, જ્ઞાનતંતુ નહિ.) આખા મોંમાં ગોળ-ગોળ ફેરવે છે. ઉપરાંત તેને દાંત વડે થોડું પ્રેશર આપે છે. આ પધ્ધતિમાં તેના ઉપર-નીચેનાં બંને જડબાં સક્રિય રહે છે. આ પધ્ધતિમાં મોંમાં માવો જરા વધારે સમય સુધી ટકી રહે છે. અને ‘ધીમી બળે ને વધુ લિજજત આપે’ એ રીતે વધુ લિજજત આપે છે. આ પધ્ધતિમાં માવાભક્ષી મનુષ્ય પ્રવાહિતાથી વાત કરી શકતો નથી કારણ કે એમ કરવા જાય તો તેના મોંમાં રહેલો માવારસ લાવારસની જેમ બહાર નીકળી આવે. એટલે તે પોતાનું ડાચું થોડું ઊંચું રાખીને ‘હા…., હો…, હં…અ…અ’ જેવા ભેદી ઉચ્ચારોમાં વાત કરે છે જેનું અર્થઘટન સામેવાળા માટે બહુ મુશ્કેલ બની રહે છે.
જયારે અમુક માવાભક્ષી મિત્રો ભરડવાના પધ્ધતિથી માવો ખાય છે. આ પધ્ધતિમાં તેનું મોં પથ્થરો ભરડવાના ભરડિયાની જેમ કામ કરે છે. તેના મોંમાં જેવો માવાને પધરાવવામાં આવે કે માવામાં રહેલા સોપારીના કઠોર ટુકડાઓની ‘સોપારી’ દાંતને આપી દેવામાં આવે છે. તરત જ સોપારીના ટુકડા અને દાંત વચ્ચે દ્વંદ્વયુદ્ધ શરૂ થઇ જાય છે. આ રીતે સોપારીના ટુકડા ‘ટુકડે મેં ટુકડો કરી દેના મેરે લાલ….’ના ધોરણે ટુકડા કરવાનો અવાજ સામે ઊભેલા આઠ – દશ વ્યકિતઓને સંભળાય છે. આવા શખ્સનું ભરડિયામશીન એક વાર શરૂ થઇ જાય પછી ઇશારાથી જ વાત કરે છે કારણ કે જીભ યુદ્ધના ધોરણે સોપારીના ટુકડાઓને દાંતવગા કરવાના કામે લાગી જાય છે એટલે બોલવાનું ફાવતું નથી.
આવાં લોકોએ કમસે કમ પોતાની જીભનો તો વીમો ઊતરાવવો જ જોઇએ. અહીં ફાયદો એ છે કે જયાં સુધી તેના મોંમાં માવો હોય છે ત્યાં સુધી તે ફાલતુ વાતો કરી બીજાના મગજ બગાડી શકતો નથી. એનું તો ઓલરેડી બગડેલું હોય જ! આનાથી ઊલ્ટું કેટલાક માવા મુમુક્ષુઓ માવાને વેડફી નાખવામાં માનતા નથી. ભલે માવાને કારણે એમનું જીવન વેડફાઇ જાય. અમુકે તો સવારે માવો ખાધો હોય તેને છેક બપોરે મળો અને માવાનું પૂછો તો કહેશે, ‘અરે ના ના, મારે તો માવો ચાલુ જ છે.’ આમ તે માવાને મોંમાં સંગ્રહી રાખે છે. તેમનાં દાંત, જીભ વગેરે માવાને પરેશાન કરતાં નથી. લાંબા સમયને અંતે માવો કંટાળીને ઓગળી જાય અને તેનું અસ્તિત્વશૂન્ય થઇ જાય છે અથવા તો લાંબા સમય પછી તે માવાને મોંમાંથી હાક….થૂ…. કરીને વિદાય આપે છે વળી તે પણ એવા સ્થળે કે જયાં લખ્યું હોય કે ‘અહીં થૂંકવું નહિ.’ આ એક એવી પ્રજાતિ છે જે મોટા ભાગે બીજાના જ માવા ખાય છે.
જો પોતાના પૈસે ખાવાનો હોય તો એક માવો બે દિવસ ચલાવે છે. બીજાના મળે તો દિવસમાં બાવીસ ખાઇ જાય. આવા શખ્સો ગલ્લાવાળા માટે ફાયદાકારક નથી. તેથી આ પધ્ધતિમાં તેના કર્તા સિવાય કોઇને ફાયદો થતો નથી.આનાથી સાવ અલગ પ્રકારનો માવાભક્ષીઓનો વર્ગ પણ અસ્તિત્વમાં છે. તે ઉપર જણાવ્યા મુજબ મોંમાં માવાની સંગ્રહખોરી કરતો નથી પણ માવો ખાઇ જાય છે એટલે મોંમાં માવો પધરાવતાની સાથે જ તેનાં દાંત, જીભ, જડબાં પ્રવૃત્તિશીલ બને છે અને થોડી જ વારમાં માવાના કઠોર પદાર્થોનો પણ ભરડીને ભૂકો કરી નાખે છે અને જે ભૂકકો થાય તેને પેટમાં પધરાવી દે છે.
આ લોકો બહાર બહુ થૂંકાથૂંક કરતાં નથી. એ તેનું જમા પાસું(!) છે. જો કે ગલ્લાવાળા પાસે તેઓ ઉધારમાં જ માવો ખાતા હોય છે. આમ છતાં જો ગલ્લાવાળો તેની પાસેથી સમયસર ઉઘરાણી પતાવતો રહે તો તે ગલ્લાવાળા માટે લાભદાયી છે. પણ જો ગલ્લાવાળો પાંચ મહિનાનું ભેગું થવા દે તો પછી માવા ખાનારો જ કયારેય ભેગો ન થાય. એવું ય બને. ટૂંકમાં જેમ ભૂખ્યો ઊંટ ખાખરાનાં પાન ખાતો હોય એમ તે માવો ખાઇ જાય છે. કદાચ એના માટે માવો એ મુખ્ય ખોરાક અને રોટલા મુખવાસ છે.
અખતરો કરવામાં ખતરો છે એટલે આનંદ છે. એટલે જ લોકો અવનવા અખતરા કરે છે. માવાખાવાના ક્ષેત્રમાં પણ આવા અખતરાબાજો અસ્તિત્વ ધરાવે છે. તેમને માવાનું કોઇ વ્યસન હોતું નથી પણ તે ફેશનના ભાગરૂપે માવો ખાય છે. આવા માવાભક્ષીઓ જો અચાનક રસ્તામાં મળી જાય તો આપણે તેને પહેલી નજરે ઓળખી શકતાં નથી. આમ છતાં ‘તેમને કયાંક જોયા હોય’ એવું લાગે. આવા નવોદિતો માવો ખાધા પછી તેને ગલોફામાં કેવી રીતે કંટ્રોલ કરવો તેમાં જ પોતાની બધી શકિત વેડફી નાખતાં હોય છે. તેથી તેઓ માવાનો અસલી આનંદ માણી શકતા નથી. ખેર! જેવા જેના નસીબ. બાકી માવો તો સૌને આનંદ(!) આપવા જ સર્જાયો છે. પણ જાતકને ખાતાં ન આવડે તો કોઇ શું કરે?
માવો ખાવાથી કેન્સર થાય છે. તેની દરેક માવાભક્ષી મનુષ્યને ખબર છે. ઉપરાંત તંબાકુના પેકેટ પર ચેતવણી લખેલી હોય છે પણ માવાભક્ષી મનુષ્ય માને છે કે ‘ચેતતા નર સદા દુ:ખી’ તેથી તેઓ માવાને મૂકતાં નથી. પછી ભલે આ જગત મૂકી દેવું પડે. છતાં માવા વિના તેને ચેન પડતું નથી. માવો ખાધા પછી જ તેની બુદ્ધિની ધાર તીક્ષ્ણ બને છે અને માવો પૂરો થાય ત્યાં બુઠ્ઠી થઇ જાય છે. ભલે પરિસ્થિતિ ગમે તે હોય બાકી આજકાલ આ દેશમાં માવા અને બાવાઓની બોલબાલા છે.
ગરમાગરમ:-
એક માવાભક્ષીએ સંતને કહ્યું, ‘‘બાપુ હું બધી જ વાતો ભૂલીને નવેસરથી સારી રીતે જિંદગી જીવવા માગું છું. ભૂતકાળ બધો જ ભૂલી જવા માગું છું.’’
સંત કહે, ‘‘બહુ સરસ, તો પછી શરૂ કરો. રાહ કોની જુઓ છો?’’
માવાભક્ષી કહે, ‘‘પણ જેને જેને ત્યાંથી માવા ઉધાર લીધા છે તે માનતા જ નથી.’’