ઈન્ટરનેટના યુગમાં એક ક્લીક પર તમામ માહિતીઓ મળી રહી છે, તે ક્યારેક આર્શીવાદ સમાન તો ક્યારેક શ્રાપરૂપ સાબિત થઈ રહી છે. ખાસ કરીને નાની ઉંમરના બાળકો, યુવાનો ઈન્ટરનેટમાંથી ન જોવાના વીડિયો જોઈ ખોટા માર્ગે વળી રહ્યાં છે. આવો જ એક કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે. અહીં એક માત્ર 17 વર્ષની યુવતીએ કોઈની પણ મદદ લીધા વિના માતાપિતાથી છુપાવીને પોતાના ઘરમાં જ યુ-ટ્યૂબ પર વીડિયો જોઈને બાળકને જન્મ આપ્યો છે.
કેરળના (Kerala) મલપ્પુરમ જિલ્લામાં પ્રેમીના કથિત બળાત્કાર બાદ ગર્ભવતી બનેલી 17 વર્ષની યુવતીએ (17 Years Old Girl) ઘરમાં યુ-ટ્યુબ (You-Tube) વીડિયો (Video) જોયા બાદ બાળકને (Baby) જન્મ (Born) આપ્યો હતો. બુધવારે માહિતી આપતા પોલીસે (Police) જણાવ્યું હતું કે બાળકના જન્મ પછી માતા અને બાળકને મંજેરી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બંને સ્વસ્થ છે. આશ્ચર્યની વાત એ છે કે સગીર બાળકીના માતા-પિતા આ સમગ્ર ઘટનાથી અજાણ હતા.
પોલીસે જણાવ્યું કે બળાત્કારના આરોપી 21 વર્ષીય યુવકની પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ (POCSO) અને ભારતીય દંડ સંહિતાની કલમ 376 બળાત્કાર (Rape) હેઠળ એફઆઈઆર (FIR) નોંધીને ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ મામલો જિલ્લાના કોટ્ટક્કલ પોલીસ સ્ટેશન હેઠળ આવ્યો છે. જ્યાં યુવતીએ 20 ઓક્ટોબરે પોતાના ઘરે યુટ્યુબ જોઈને બાળકીને જન્મ આપ્યો હતો અને તેની નાળ કાપી નાખી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે ડિલિવરી દરમિયાન કોઈ બહારની મદદ લીધી ન હતી અને બાળકીના માતા-પિતાને 22 ઓક્ટોબરના રોજ આ ઘટનાની જાણ થઈ હતી જ્યારે તેઓએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો.
પોલીસે જણાવ્યું કે છોકરી 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેણીએ તેના દૃષ્ટિહીન માતા-પિતાથી ગર્ભાવસ્થા છુપાવવામાં સફળ રહી હતી. યુવતી અને પુરુષ વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી પ્રેમ સંબંધ હતો અને જ્યારે છોકરી 18 વર્ષની થશે ત્યારે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યાં હતાં. પોલીસે જણાવ્યું કે આરોપીના પરિવાર દ્વારા છોકરી અને તેના બાળકની દેખરેખ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ તેને બળાત્કારનો કેસ માની રહી છે કારણ કે તે માત્ર 17 વર્ષની છે.