World

તુર્કીના ઈસ્તંબુલમાં 6.2 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો, એક કલાકમાં ત્રણ વાર ધરતી ધ્રુજી

આજે તુર્કીના ઇસ્તંબુલમાં રિક્ટર સ્કેલ પર 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઇસ્તંબુલ નજીક મરમારાના સમુદ્રમાં નોંધાયું છે. તુર્કીની ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપથી અત્યાર સુધી કોઈ નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ નથી.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સને પણ ભૂકંપની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે હતો. ભૂકંપના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં જોરદાર ધ્રુજારી અનુભવાઈ હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ભૂકંપનું કેન્દ્ર સિલિવરી નજીક હતું, જે ભૂકંપની પ્રવૃત્તિ માટે જાણીતો દરિયાકાંઠો વિસ્તાર છે.

પ્રથમ ભૂકંપની તીવ્રતા 3.9 હતી અને તે સિલિવરી જિલ્લાના દરિયાકાંઠે સ્થાનિક સમય મુજબ 12:13 વાગ્યે આવ્યો હતો. બીજો ભૂકંપ 6.2 ની તીવ્રતાનો હતો અને તે જ વિસ્તારમાં સ્થાનિક સમય મુજબ બપોરે 12:49 વાગ્યે આવ્યો હતો. ઇસ્તંબુલના બ્યુકેકમેસ જિલ્લામાં સ્થાનિક સમય મુજબ 12.51 વાગ્યે 4.4 ની તીવ્રતાનો ત્રીજો ભૂકંપ આવ્યો.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 6 વર્ષમાં ઇસ્તંબુલના આ વિસ્તારમાં આવા શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા નથી. લોકો કહે છે કે અચાનક ઇમારતો ધ્રુજવા લાગી ત્યારબાદ લોકો પોતાના ઘર છોડીને બહાર દોડી ગયા. તુર્કીમાં રહેવું એટલે ભૂકંપ સાથે જીવવું.

અગાઉ પણ તુર્કીયેમાં ભૂકંપ આવ્યા છે
અગાઉ પણ અનેકોવાર તુર્કીયેમાં ભુકંપે તબાહી સર્જી છે. ગયા વર્ષે 21 એપ્રિલ 2025ના રોજ તુર્કીયેના સિમાવ, કુટાહ્યામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે ભુકંપમાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી. તે પહેલાં 16 ઓક્ટોબર 2024ના રોજ તુર્કીયેના મલાટ્યામાં 5.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના લીધે શહેરમાં ત્રણ ઇમારતો આંશિક રીતે ધરાશાયી હતી. 190 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સદ્દનસીબે જાનહાનિ નોંધાઈ ન હતી. આ ભૂકંપની અસર સીરિયાના હસાકાહ, દેર અલ-ઝોર અને અલેપ્પોમાં પણ અનુભવાઈ હતી.

તે અગાઉ 2023માં તુર્કીએ એક દુઃખદ અને વિનાશક ભૂકંપનો સામનો કર્યો હતો, જે દેશના ઇતિહાસમાં સૌથી ઘાતક ભૂકંપોમાંનો એક બન્યો હતો. આ ભૂકંપને “કાહરામનમારાસ ભૂકંપ” તરીકે ઓળખવામાં આવે છે. 6 ફેબ્રુઆરી 2023ના રોજ આવેલા 7.8ની તીવ્રતાના આ ભૂકંપમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 1 લાખથી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપની અસર સીરિયામાં પણ જોવા મળી હતી.

Most Popular

To Top