Charchapatra

રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો?

ભરૂચના મુખ્ય માર્ગોનું મે મહિના જેવું રાતોરાત સમારકામ કરવામાં આવ્યું હતું. રસ્તા બનાવ્યાના થોડા જ દિવસોમાં રસ્તા બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું ડામ્મર ઉખડી ગયું. ડામર ઉખડતાંની સાથે રસ્તા પર મૂકેલ વાહનો પણ પડી જતાં હતાં. હાલ વરસાદી ઋતુમાં બે મહિના પહેલાં બનાવેલા રસ્તાઓમાં વરસાદ પડે ત્યારે થોડી જ ક્ષણોમાં પાણી ગાયબ થઇ જાય છે પરંતુ અહીં રસ્તા ગાયબ થઇ રહ્યા છે. ભરૂચના પાંચબત્તી સેવાશ્રમ રોડના નવનિર્માણ માટે 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. જેટલા મુખ્ય માર્ગો સરખા કરવા જરૂરી છે એટલું જ નાની નાની શેરીના માર્ગો પણ સરખા કરવા જરૂરી છે. મુખ્ય માર્ગ સુધી જવા માટે શેરીના વ્યકિતને શેરી માર્ગમાંથી પણ નીકળવું જ પડશે.

હાલના જૂના ભરૂચની ઘણી શેરીઓ એવી છે કે જયાં મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વરસાદી ઋતુમાં અકસ્માત થવાની સંભાવના વધી શકે તેમ છે. રસ્તા બની ગયા પછી તંત્રને ગટર લાઇન, પાઇપ લાઇનો નાખવાનું યાદ આવે છે. આ લાઇનો નાખવા કરેલા ખાડામાં લાઇનો નાંખ્યા બાદ ખાલી એટલા ભાગને જ સરખો કરવામાં આવે છે. જેનાથી રસ્તો ઉબડખાબડ બની જાય છે. આરટીઓમાં લાઇસન્સ લેવા માટે 8 પડાવવામાં આવે છે. ત્યાંના કર્મચારીઓએ તો શેરીઓમાં પરીક્ષા રાખવી જોઇએ. ખાડાવાળા રસ્તાને જે પડયા વગર પાર કરશે તો એ પાસ. હાલના ભરૂચની શેરીઓની હાલત જોતાં પ્રશ્ન થાય છે કે રસ્તામાં ખાડા છે કે ખાડા જ રસ્તો છે?
ભરૂચ              – જાદવ પાયલ વી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ રખડતાં કૂતરાંઓનું  કોઈ કંઈક તો કરો!
શહેરમાં રખડતાં કૂતરાંઓએ નાનાં ભૂલકાં અને બાળકોને કરડવાની ઘટનાએ હવે માઝા મૂકી છે અને આ ચર્ચાપત્ર વિભાગમાં તેનો ઊહાપોહ પણ થયો છે. તેના પરિપાકરૂપે મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં હડકવાની રસી મુકાવવા અંગેની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. પણ તેનાથી સમસ્યા મૂળમાંથી ઉકેલાતી નથી. કેટલીક જગ્યાએ કૂતરાંઓ વાહનચાલકોની પાછળ પણ દોડે છે, જેથી અકસ્માત થવાની પણ શક્યતા રહે છે. તો કૂતરાંઓના રસીકરણ- ખસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે થાય અને તેમનાં સ્થાનાંતરની પ્રક્રિયા થાય તો ભૂલકાંઓ ભોગ બનતાં અટકે. સંબંધિત અધિકારીઓ જીવદયાપ્રેમીઓ સાથે મળીને આ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવે અને તેના અંતિમ સુધી પહોંચે એવી માંગણી છે.
સુરત     – વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top