સુરત: સુરતમાં તાજેતરમાં ઝેર પી લેવાનો કારણે ભારે ચર્ચામાં આવી ગયેલા રાજકારણીની અનેક વાતો હવે ધીરેધીરે બહાર આવી રહી છે. જે મહિલાને તેણે ગર્ભવતી બનાવી દીધી હતી તે મહિલા તેની સંબંધી જ છે અને આખો મામલો જ્યારે પક્ષ સુધી પહોંચ્યો ત્યારે આ રાજકારણીએ નિલકંઠ બનવું પડ્યું છે. જોકે, દેખાડા ખાતર જ નિલકંઠ બનેલા આ રાજકારણીએ પોતાની પત્નીને પણ આ મામલે ચુપ રહેવા માટે રોકડા રૂપિયા 25 લાખ આપ્યાની પણ ચર્ચાએ રાજકીય માહોલમાં ભારે ચકચાર જગાવી છે.
- નેતાએ પોતાની પત્નીને પણ ચુપ રહેવા માટે રોકડા 25 લાખ આપી દીધા
- યુવતી ગર્ભવતી હોવાના રિપોર્ટ સાથે પાર્ટી કાર્યાલયે પહોંચી જતાં રાજકારણીએ સહાનુભુતિ લેવા માટે ‘ખેલ’ કર્યાની ચર્ચા
પોતાના છેલબટાઉ સ્વભાવ અને તોછડા વહેવાર માટે નામચીન આ રાજકારણીએ ભૂતકાલમાં એક ભાઈલોગનો પણ માર ખાધો હતો. તાજેતરમાં જ પોતે પોલીસમાં ફરિયાદ કરીને ભેરવાઈ પણ ગયા હતા. પોતાની જ સંબંધીની પુત્રી સાથે રંગરેલીયા મનાવનાર આ રાજકારણીની લંપટગીરી ત્યારે છલકાઈ ઉઠી હતી, જ્યારે સંબંધી યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.
યુવતીએ ગર્ભપાત કરાવવા માટે કરેલી આજીજી છતાં આ રાજકારણી નહીં સમજતાં આખરે પોતે સગર્ભા હોવાનો રિપોર્ટ લઈને રાજકીય પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચી ગઈ હતી. આખો મામલો ચર્ચાને એરણે ચડી જતાં આ રાજકારણીએ સહાનુભુતિ લેવા માટે નિલકંઠ બનવાનો ખેલ કર્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
હાલમાં તો આ રાજકારણી દ્વારા પરિવારથી માંડીને પાર્ટી સુધીના તમામને ‘ભાઈબાપા’ કરી લીધા છે અને મામલો વધુ ચગે નહીં તે માટે પ્રયાસો શરૂ કર્યા છે પરંતુ પાપ હંમેશા છાપરે ચડીને જ પોકારે છે તે સત્ય છે.