ઉમરગામ : આરટીઓ (RTO) હસ્તકની ભીલાડની સરકારી બિલ્ડિંગને નુકસાન કરી રિનોવેશન (Renovation) કરાવી કબજો કરનાર ભીલાડના (Bhilad) મણિલાલ ઘોડી વિરુદ્ધ પોલીસ (Police) ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આરટીઓ કચેરી વલસાડ (Valsad) ખાતે ફરજ બજાવતા ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તપન ભુપેન્દ્રભાઈ મકવાણાએ ભીલાડ પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આરટીઓ હસ્તક માલિકીની ખાતા નંબર ૪૨૮, સરવે નંબર ૧૨૪ ,૧૩૫ તથા ૨૭૨ કુલ ક્ષેત્રફળ ૧-૭૨-૮૦ (હે.આરે.ચોમી) જમીન રેવન્યુ રેકોર્ડમાં નિયામક વાહન વ્યવહાર ખાતું ગુજરાત રાજ્યના નામે ચાલતી હોવા છતાં સરકારી મિલકતમાં તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ બપોરના ત્રણ વાગ્યે મણીલાલ રમણલાલ ઘોડી (રહે જીવનજીપાડા ગામ ભીલાડ તાલુકા ઉમરગામ)એ ગેરકાયદેસર પ્રવેશ કરી જમીનમાં આવેલી સરકારી બિલ્ડીંગ તોડી નુકસાન કરી તથા બીજી બિલ્ડિંગને રીનોવેશન કરાવી તેના ઉપર કબજો કર્યો છે. આ બનાવ અંગે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આકારણી વિના ડી-માર્ટ મોલ શરૂ કરી દેવાતા પાલિકાએ મોલ બંધ કરાવી ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યું
નવસારી : નવસારીમાં આકારણી વિના ડી-માર્ટ મોલ શરૂ કરાતા નગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા. જોકે પાલિકાના અધિકારીઓએ મોલ બંધ કરાવી ડ્રેનેજ કનેક્શન કાપ્યું હતું.
નવસારીમાં આકારણી વિના પાણી અને ડ્રેનેજ કનેક્શનો પાલિકા દ્વારા આપી દેવામાં આવતા હોવાની રાવ ઉઠી હતી. તો કેટલાક કિસ્સાઓમાં તો ગેરકાયદેસર બાંધકામની પણ પાલિકા દ્વારા આકારણી કરવામાં આવી હતી. ખાસ કરીને મોટી ઇમારતોમાં કરવામાં આવેલી આકારણીનો મુદ્દો નવસારી-વિજલપોર નગરપાલિકા ચાલ્યો હતો. જે બાબતે તપાસ પણ ચાલી હતી. નગરપાલિકા વિસ્તારમાં ઘણી મિલકતોને આકારણી વિના કે ગેરકાયદેસર આકારણી કરી પાણી અને ડ્રેનેજ કનેક્શનો આપી દેવામાં આવ્યા છે. ત્યારે નવસારીમાં એક મોલની આકારણી બાકી હોવા છતાં મોલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં ડી-માર્ટ મોલ શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે ગત ૧૪મીએ વેલેન્ટાઈન ડે ના દિવસથી ડી-માર્ટ મોલમાં વિવિધ સ્ટોરો લગાવી મોલ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેથી મોટી સંખ્યામાં લોકો ત્યાં ખરીદી કરવા માટે પહોંચી ગયા હતા. જ્યાં કોરોના ગાઈડ લાઈનનો ભંગ પણ થયો હતો. પરંતુ પાલિકાએ ડી-માર્ટ મોલની હજી આકારણી કરી જ નથી. ત્યારે આકારણી ડ્રેનેજ કનેક્શન કેવી રીતે મેળવ્યા તે બાબતે આજે સવારથી જ પાલિકાના અધિકારીઓ ડી-માર્ટ મોલ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. આખરે નગરપાલિકાએ મોલ બંધ કરાવી ડ્રેનેજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું.