Sports

ઓલિમ્પિકમાં મેડલ નહીં જીતનારા ખેલાડીઓને આ દેશમાં મળે છે સખ્ત સજા

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક્સ 2024નું સમાપન થઈ ચૂક્યું છે. ઘણા દેશોની જેમ નોર્થ કોરિયાના ખેલાડીઓએ પણ ઘણી રમતોમાં ભાગ લીધો અને મેડલ જીત્યા છે પરંતુ ઉત્તર કોરિયાના ઘણા એથ્લેટ્સ એવા પણ છે જેમને મેડલ વિના પરત ફરવું પડ્યું છે.

આપણે ઘણી વાર એવી વાર્તાઓ સાંભળીએ છીએ કે જો કોઈ ઓલિમ્પિકમાં મેડલ ન જીતે તો નોર્થ કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ ઉન તે ખેલાડીઓને સજા કરે છે. અહીં સવાલ એ ઉભો થાય છે કે શું કિમ જોંગ ઉન ખરેખર ખેલાડીઓને સજા કરે છે. અને જો આ વાત સાચી છે તો નોર્થ કોરિયામાં મેડલ નહીં જીતનારા ખેલાડીઓને શું સજા આપવામાં આવે છે.

નોર્થ કોરિયા પેરિસ ઓલિમ્પિકમાં એક પણ ગોલ્ડ જીત્યું નહીં
જો પેરિસ ઓલિમ્પિકની વાત કરીએ તો આ વખતે નોર્થ કોરિયાના 16 ખેલાડીઓએ ઘણી ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. આ 16 ખેલાડીઓએ 6 મેડલ જીત્યા છે, જેમાં 2 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ વખતે ઉત્તર કોરિયા એક પણ ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી.

નોર્થ કોરિયાના ખેલાડીઓએ દુશ્મન દેશ સાઉથ કોરિયાના ખેલાડીઓ લીધેલી સેલ્ફી ચર્ચામાં
આ વખતે નોર્થ કોરિયાના એથ્લેટ્સ એટલા માટે પણ ચર્ચામાં હતા કારણ કે આ વખતે તેઓ સાઉથ કોરિયાના એથ્લેટ્સ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે મતભેદો હોવા છતાં બંને દેશોના એથ્લેટ્સ એકસાથે દેખાયા હતા. આ તસવીરો સામે આવ્યા બાદ ચર્ચા થઈ રહી હતી કે આ વખતે કિમ જોંગ ઉન આ ખેલાડીઓને સજા આપી શકે છે. કારણ કે તેઓએ દક્ષિણ કોરિયાના ખેલાડીઓ સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા.

નોર્થ કોરિયામાં મેડલ જીતવાનો ટાર્ગેટ અપાય છે
વર્ષ 2012માં ઉત્તર કોરિયાએ લંડનમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ખેલાડીઓ પોતાના દેશ પરત ફર્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ તેની સાથે તેને આગામી રિયો ઓલિમ્પિકમાં 5 ગોલ્ડ મેડલ જીતવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ખેલાડીઓને આગામી વખતે કુલ 17 મેડલ લાવવાનો ટાર્ગેટ સોંપાયો હતો, જેમાં 5 ગોલ્ડ અને 12 અન્ય મેડલનો સમાવેશ થાય છે. જોકે, ઉત્તર કોરિયાના એથ્લેટ્સ રિયોમાં આ લક્ષ્યાંક હાંસલ કરી શક્યા ન હતા.

શું સજા કરવામાં આવે છે?
હવે સજા વિશે વાત કરીએ. વાસ્તવમાં આ વખતે ઓલિમ્પિકમાં મેડલ ન જીતનારાઓને શું સજા કરવામાં આવશે તે તો થોડા દિવસો પછી ખબર પડશે. પરંતુ પહેલા જે બન્યું હતું તેના પરથી એ અંદાજ લગાવી શકાય છે મેડલ નહીં જીતનારા ખેલાડીઓ સાથે ઉત્તર કોરિયામાં કેવું વર્તન કરવામાં આવે છે.

ઉત્તર કોરિયાએ કોરોનાના કારણે પેરિસ ઓલિમ્પિક પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો ન હતો. આ પહેલા ઉત્તર કોરિયાના એથ્લેટ્સ રિયોમાં જોવા મળ્યા હતા. આ અગાઉ 2012ની લંડન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર એથ્લેટ્સ જ્યારે પ્યોંગયાંગ પરત ફર્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને કિમ જોંગ-ઉને એથ્લેટ્સને નદી કિનારે વૈભવી એપાર્ટમેન્ટ્સ આપ્યા. ઘણી બધી સુવિધાઓ પણ આપવામાં આવી હતી.

પરંતુ જે ખેલાડીઓ મેડલ જીતી શક્યા ન હતા તેમની સાથે ખૂબ જ અલગ વર્તન કરવામાં આવ્યું હતું. ઘણી વખત જ્યારે તેઓ ઓલિમ્પિક અથવા કોઈપણ ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન કરે છે, ત્યારે તેમને શારીરિક શ્રમ માટે મોકલવામાં આવે છે અને થોડા દિવસો પછી પાછા બોલાવવામાં આવે છે.

ધ કોરિયા ટાઈમ્સ અને ધ સન સહિત અનેક મીડિયા આઉટલેટ્સના અહેવાલો અનુસાર કેટલાકને તેમના ઓલિમ્પિક ટાર્ગેટો પૂરા ન કર્યા પછી હલકી ગુણવત્તાવાળા આવાસમાં રહેવા માટે મોકલી દેવાયા હતા અને કેટલાકને થોડા દિવસો માટે કોલસાની ખાણોમાં કામ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જો કે, તેમને થોડા દિવસો પછી બોલાવી લેવાયા હતા. બીજી તરફ મેડલ જીતનારા ખેલાડીઓને ઘર, કાર વગેરે ભેટમાં આપવામાં આવે છે

Most Popular

To Top