સરકાર એક તરફ ‘હર ઘર તિરંગા’ નામનું અભિયાન ચલાવી રહી છે. કેમકે આ વર્ષે આપણે આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. જે પ્રત્યેક દેશવાસીઓ માટે ગૌરવ લેવા જેવો પ્રસંગ છે. જયારે બીજી તરફ તાપી જિલ્લાના વ્યારા ખાતે ઉનાઇ સર્કલ પર આશરે બે લાખના ખર્ચે જિલ્લાનો સૌથી ઊંચો 82 ફૂટનો સ્તંભ મૂકવામાં આવ્યો છે. તેના પરથી 24 કલાક રાષ્ટ્રધ્વજ લહેરાતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. થોડો સમય રાષ્ટ્રધ્વજ લહેરાતો રહ્યો, પરંતુ રાષ્ટ્રધ્વજ ફાટી જતાં તેને ઉતારી લેવામાં આવ્યો હતો.
આમ રાષ્ટ્રધ્વજ વિનાનો સ્તંભ છેલ્લા 6 માસથી અડીખમ છે, તે બાબતના સમાચાર ‘ગુજરાતમિત્રે’ પ્રસિધ્ધ કરતા આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાષ્ટ્રધ્વજના ત્રણ રંગમાં બલિદાનનો ઇતિહાસ સમાયેલો છે. આથી તિરંગાની આન બાન શાન જળવાવી જોઇએ. આમ વહીવટી તંત્રની બેદરકારીને કારણે વ્યારામાં 24 કલાક રાષ્ટ્રધ્વજ ફરકતો નથી. ખુદ મુખ્યમંત્રી વ્યારા આવ્યા છતાં સરકારી તંત્રના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. તાકીદે 15 ઓગસ્ટ પહેલાં વ્યારા ખાતે રાષ્ટ્રધ્વજ ઊંચા સ્તંભ પરથી ફરકતો થાય તેવી વ્યવસ્થા થવી જોઇએ. શું આજના ભ્રષ્ટ તંત્રને તિરંગાની શાન ખબર નથી??
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.