સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના પીડિયાટ્રીક વિભાગમાં બળાત્કારના કેસમાં લાંબો સમયથી જેલમાં રહેલા આસારામની તસવીર મુકી આરતી-પૂજા કરવામાં આવી છે. આ પૂજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પીડિયાટ્રીક વિભાગના તબીબો, નર્સ, સ્ટાફ પૂજા કરી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલાં આસારામનો ફોટો નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર મુકવામાં આવ્યો છે અને કેટલાંક લોકો દ્વારા તેની પૂજા આરતી કરવામાં આવી રહી છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ પૂજામાં પીડિયાટ્રીક વિભાગના ડો. જિગીષા પાટડીયા, કેટલીક નર્સો અને સિક્યુરીટી સ્ટાફ પણ જોડાયો છે. આ પૂજા આરતીનો વીડિયો વાયરલ થતા નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. નવાઈની વાત એ છે કે આ પૂજા અંગે સુપરિટેન્ડેન્ટને કોઈ જાણ જ નહોતી.
એક તરફ જ્યારે નવરાત્રિમાં માતાજીની પૂજા, આરતી થતી હોય છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ જેવી સરકારી જગ્યા પર એક બળાત્કારીની પૂજા થાય તે ખરેખર શરમજનક બાબત છે. આ પૂજા આરતીનું આયોજન ગઈ કાલે 22 સપ્ટેમ્બરે આસારામના અંધ અનુયાયીઓ દ્વારા કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આરતી દરમિયાન મંત્રો ઉચ્ચારણ અને ભજન પણ ગાવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ વીડિયો ઉતારી ફરતો કર્યો હતો. તેથી વિવાદ વકર્યો છે.
આસારામ હંગામી જામીન પર મુક્ત
સુરત અને જોધપુરમાં દુષ્કર્મના કેસમાં આસારામ દોષિત ઠર્યા બાદ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. 86 વર્ષીય આસારામ હાલ હંગામી જામીન પર મુક્ત છે.