SURAT

સુરતમાં વસતા પાટીદાર પરિવારે બે પુત્રોના લગ્નમાં વરઘોડાનો ખર્ચો બચાવી આ ઉત્તમ સેવાકાર્ય કર્યું

સુરત: બે પુત્રોના લગ્નમાં વરઘોડાનો ખર્ચ બચાવી તે રકમ બંને પુત્રવધુઓના નામે બહેનો માટે બનનાર “મહિલા હોસ્ટેલ” કિરણ મહિલા ભવન નિર્માણ માટે અર્પણ કરી છે. સામાજીક સુધારા સાથે ખોટા ખર્ચ ઓછા કરી તે રકમ મહિલાઓ માટેની સુવિધા માટે અર્પણ કરનાર વરસાણી પરિવારને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના નાના માચિયાળા ગામના વતની ભરતભાઈ રિભાઈ વરસાણીના બે દીકરા બ્રિજેશ અને વિશાલના લગ્ન તા. ૦૬/૦૫ ૨૦૨૩ના રોજ યોજાયા હતા. આ બન્ને ભાઈઓની જાન લગ્ન માંડવે ખુબ સાદાઈથી પહોંચી હતી. કોઈ વરઘોડા, બેન્ડવાજા કે ફટાકડા વગેરે સાદાય પરંતુ ગરિમાપૂર્વક રીતે લગ્ન મંડપે પહોંચ્યા હતા.

આ ખર્ચ ઓછો કરીને તે રકમ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી નિર્માણ થનાર કિરણ મહિલા ભવન બાંધકામ માટે દાન કરેલ છે. વરરાજાઓના દાદા હરિભાઈ તથા કાકા ભરતભાઈ વરસાણી તથા દિલીપભાઈ વરસાણી અને પરિવારે ખુશીથી તે રકમ બંને પુત્રવધુઓના નામ રકમ મહિલા હોસ્ટેલના નિર્માણ માટે આપી છે.

પુત્રવધુ ઈશિતા બ્રિજેશ વરસાણી નામે રૂ. ૫૧,૦૦૦/- તથા બીજા પુત્રવધુ નવીશા વિશાલ વરસાણી ની નામે રૂ. ૫૧,૦૦૦- નો ચેક સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળા ને વરધોડીયાના હસ્તે અર્પણ કર્યા છે. ખરેખર પુત્રવધુઓને દીકરીઓ ગણી મહિલા હોસ્ટેલમાં દાન આપેલ છે.

વરાછા રોડ, આઉટર રિંગરોડ નજીક કિરણ મહિલા ભવન જેમાં પ૦ દીકરીઓ માટે હોસ્ટેલ અને જે કે સ્ટાર મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર બનવાનું છે. મહિલા ઉત્કર્ષ માટેની આ સુવિધાઓના નિર્માણ માટે બંને પુત્રવધૂના નામે આર્થિક સહયોગ આપવા બદલ હરીદાદા વરસાણી પરિવાર ને અભિનંદન આપવામાં આવ્યા છે.

સાસુમાં કૈલાસબેન વરસાણીએ બંને વહુઓને વધાવતાપહેલા તેને નામે સારા કામમાં દાન આપી સામાજિક જાગૃતિ દાખવી છે. દિલીપભાઈ વરસાણી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ- સુરત ના યુવા ટીમના સક્રિય સભ્ય છે. સેવાભાવી વરસાણી પરિવાર અન્ય લોકોને પ્રેરણારૂપ બન્યાં છે.

Most Popular

To Top