World

ચીનની પેમેન્ટ ટેક્નોલોજીથી વિશ્વ હેરાન, માત્ર હથેળી સ્કેન કરવાથી થાય છે પેમેન્ટ

નવી દિલ્હીઃ ભારતમાં હજુ ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ પણ 100 ટકા શરૂ થઈ નથી. હજુ પણ લોકો કેશ, ચેકના વ્યવહારનો આગ્રહ રાખે છે ત્યારે પાડોશી દેશ ચીન ભારત અને વિશ્વના અન્ય દેશો કરતા પેમેન્ટ ટેક્નોલોજીમાં અનેકગણું આગળ નીકળી ગયું છે. પાકિસ્તાની ઈન્ફ્લુએન્સરનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચીનની લેટેસ્ટ પેમેન્ટ ટેક્નોલોજી વિશે વાત કરવામાં આવી છે. આ વીડિયો જોઈ આખું વિશ્વ આશ્ચર્યચક્તિ થઈ ગયું છે.

ચીનની નવીન ટેક્નોલોજીની ઝલક સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. આવો જ એક વીડિયો પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટર રાણા હમઝા સૈફે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ વીડિયોમાં ચીનની લેટેસ્ટ પેમેન્ટ ટેક્નોલોજી બતાવવામાં આવી છે, જે સાબિત કરે છે કે ચીન ભવિષ્યમાં જીવી રહ્યું છે.

હથેળી દ્વારા પેમેન્ટ
આ વિડિયો ચીનના જુઝોઉ શહેરમાં એક સ્થાનિક કરિયાણાની દુકાનમાં શૂટ કરવામાં આવ્યો હતો, જ્યાં સૈફ અને તેના મિત્રો ખરીદી માટે ગયા હતા. વીડિયોમાં એક મિત્રને ‘પામ પેમેન્ટ સિસ્ટમ’ દ્વારા પેમેન્ટ કરતો બતાવવામાં આવ્યો હતો. જે જોઈ બધા ચોંકી ગયા હતા. સૈફે સમજાવ્યું કે જો કોઈની હથેળી રજિસ્ટર્ડ છે તો તે ફક્ત તેની હથેળી સ્કેન કરીને પેમેન્ટ કરી શકે છે. આ સિસ્ટમ આખા ચીનમાં સફળતાપૂર્વક અમલમાં છે. સક્સેસફૂલ ટ્રાન્ઝેક્શન પછી કેટલાક મિત્રો આ નવી ટેક્નોલોજી પર વિશ્વાસ કરી શક્યા નહીં. જ્યારે અન્ય લોકોએ તેના માટે તાળીઓ પાડી.

સૈફની પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું ચીન 2050માં જીવી રહ્યું છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને 9 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું આ ભવિષ્ય છે, વિશ્વાસ નથી આવતો કે આજે આપણે આ જોઈ રહ્યા છીએ! અન્ય યુઝરે લખ્યું ચીન હંમેશા ટેક્નોલોજીમાં એક પગલું આગળ રહે છે – કેટલી અદ્ભુત સિસ્ટમ છે! આના પર ખુશી વ્યક્ત કરતા ઘણા યુઝર્સે લખ્યું- જો આ ટેક્નોલોજી આખી દુનિયામાં ફેલાઈ જશે તો જીવન ઘણું સરળ થઈ જશે.

અગાઉ પણ હથેળીથી પેમેન્ટનો વીડિયો વાયરલ થયો હતો
માત્ર સૈફનો વીડિયો જ નહીં પરંતુ અગાઉ RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ પણ X પર આ જ ટેકનિકનો વીડિયો શેર કર્યો હતો. તે વીડિયોમાં એક મહિલાએ બેઇજિંગ મેટ્રોમાં હથેળી વડે પેમેન્ટ કરવાનો પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેણીએ કહ્યું ચીનમાં રહીને હું પહેલાથી જ QR કોડ અને ચહેરો ઓળખવાની ટેક્નોલોજી જેવી કેશલેસ પેમેન્ટથી ટેવાયેલી છું અને હવે હું કંઈ પણ સ્પર્શ કર્યા વિના ફક્ત મારી હથેળીથી પેમેન્ટ કરી શકું છું

Most Popular

To Top