સુરતઃ ચોમાસું બેઠાં બાદ એક બાદ એક શહેરમાં ઈમારતો પડવાની ઘટના બની રહી છે, ત્યારે આજે તા. 27 જુલાઈ 2024ને શનિવારની સવારે સચિન જીઆઈડીસીમાં એક મકાનનો પોપડો પડતા દોઢ વર્ષીય બાળકીનું માથું ફાટી ગયું હોવાની ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સચિન જીઆઈડીસીના શ્રીનાથનગર પાસે કુશકુમાર આદિવાસી પરિવાર સાથે રહે છે. આજે સવારે તેમની દોઢ વર્ષીય પુત્રી નિત્યા ઘરમાં ઉંઘતી હતી, ત્યારે તેમના ઘરની છતનો પોપડો નીચે પડ્યો હતો. છતનો વજનદાર પોપડો તેમની દીકરી નિત્યા પર પડ્યો હતો.
આ દુર્ઘટનામાં નિત્યાનું માથું ફાટી ગયું હતું. તેને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. તે લોહીલુહાણ થઈ ગઈ હતી. પરિવારજનોએ તાત્કાલિક 108 બોલાવી હતી. 108માં નિત્યાને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. તબીબી સારવાર બાદ નિત્યાની તબિયત સ્થિર છે.
બાળકીના પિતા કુશકુમારે કહ્યું કે, આજે સવારે 7.30 વાગ્યે મારી દીકરી ઊંઘતી હતી. તે દરમિયાન છતનો પોપડો પડ્યો હતો. બાળકીને માથામાં ઈજા થતાં એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા છીએ. મારી દીકરી દોઢ વર્ષની છે અને હું કંપનીમાં કામ કરું છું. હાલ સિવિલ હોસ્પિટલમાં મારી દીકરીની સારવાર કરવામાં આવી રહી છે અને મારી દીકરીની તબિયત સારી છે.