Charchapatra

નોટરી એટલે દૂઝણી ગાય

દસ્તાવેજો પ્રમાણભૂત કરાવવા નોટરી સિસ્ટમ અમલમાં છે પણ શાસક પક્ષ વકીલોને નોટરી તરીકે નિમવા માટે કયા માપદંડ અપનાવે છે!? કોઇ પણ શાસક પક્ષ ભંડોળ ભૂખ્યો હોય એ સમજી શકાય અને જયાં ઘરાક દેખાય ત્યાં વેપાર કરી લે તે સમજી શકાય, પણ જયાં આવે ત્યાં દુકાન માંડી દે તે કેવી વૃત્તિ?! આજે ન્યાય માંગનારની સંખ્યા વધી છે અને ન્યાય આપવાની ગતિ ધીમી પડી છે, પરિણામે લોકો અદાલતની બહાર ન્યાય શોધતા થઇ ગયા છે છતાં ન્યાયતંત્રનું મહત્ત્વ સચવાય તેમાં વકીલોનો ફાળો નોંધપાત્ર છે. ન્યાયની પ્રક્રિયા સુચારુ રૂપે ચાલે તેમાં વકીલોની મહત્તા છે. ન્યાય પ્રક્રિયાના દસ્તાવેજો ધોરણસર રહે તેમાં નોટરીઓનો ફાળો નોંધનીય છે જ.

ખાસ કરીને નિવૃત્તિ વય પછી વકીલોને સમસ્યા નડતી હોય છે. એક તરફ વૃદ્ધાવસ્થાને કારણે તબિયત સાચવવાનો ખર્ચો વધે અને બીજી તરફ ઘરમાં કમાણીનું બીજું સાધન નહીં હોય, કમાઉ દીકરો નહીં હોય કે અલગ રહેતો હોય એ સિનિયર વકીલની હાલત જોઇ છે!? આવા સિનિયર વકીલો નોટરી તરીકે સેવા આપે તેમાં ન્યાયનું હિત સચવાય અને આવા સિનિયર વકીલોનો દાળ રોટલો પણ નીકળે. કેટલાંક રાજયોમાં વકીલોને દસેક વર્ષની પ્રેકિટસ પછી આપોઆપ નોટરી પબ્લીક તરીકે કામ કરવાનો અધિકાર મળી જાય છે. આવાં રાજયોમાં નોટરી પબ્લિકની સેવા માટે વેપાર નથી ચાલતો, લાચારીનો ગેરલાભ નથી લેવાતો, સરકાર બધા વકીલો ટંકશાળ પાડે છે એવા ભ્રામક ખ્યાલમાંથી બહાર આવે એ જરૂરી છે.
સુરત     – અજય એન. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top