હમણાં થોડા દિવસ પર ડભોઇ તાલુકાના વાયદપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા નિશાળમાં ચલાવાતી (શરૂ કરાયેલ) પ્રવૃત્તિઓ વિષે વાંચવા મળ્યું. એમણે સને ૨૦૦૧ માં શાળાની ખુલ્લી જગ્યામાં એક નવીન પ્રકારના કિચન ગાર્ડનની યોજના શરૂ કરેલ, જેમાં અંદાજે એક વીંઘા જમીનમાં ઘણી જાતનાં શાકભાજી ઉગાડાતાં. કોવિડની મહામારીમાં જાહેર કરાયેલ લોકડાઉન દરમિયાન એક વર્ષથી વધુ સમય માટે સ્કુલ બંધ રહી તેમજ કોરોના વાયરસને કારણે સરકારી નિશાળોમાં અપાતું મધ્યાહ્ન ભોજન પણ બંધ કરાયું હતું. લોકડાઉન જાહેર થતાં વિદ્યાર્થીઓનાં ગરીબ માતાપિતાની આવક પણ બંધ થવાને કારણે એ સૌ માતાપિતા ચિંતિત હતાં કે કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરવું. પરંતુ નિશાળના આચાર્ય દ્વારા ચાલુ કરાયેલ કિચન ગાર્ડન જેમાં તાંદળજાની ભાજી, મેથીની ભાજી, ગાજર સહિત ઘણાં પ્રકારનાં શાકભાજી ઉગાડાતાં, જેમાંથી વિદ્યાર્થીઓનાં કુટુંબીજનોને વિના મૂલ્યે તાજાં શાકભાજી પૂરાં પડાતાં. જેથી એ સૌને તાજાં શાકભાજી સ્વરૂપે અત્યંત પૌષ્ટિક ખોરાક પ્રાપ્ત થતો.
માણસની મૂળભૂત જરૂરિયાતની પૂર્તિ શાળાના આચાર્યશ્રી તરફથી થઇ જવાને કારણે કોઇ પણ વિદ્યાર્થીના અભ્યાસમાં રૂકાવટ નહોતી ઊભી થઇ અને કુલ પીસ્તાળીસ વિદ્યાર્થીઓમાંના કોઇ પણ વિદ્યાર્થીએ શાળા નહોતી છોડી. વિદ્યાર્થીઓને પણ શાકભાજી ઉગાડવા અને બગીચાને વ્યવસ્થિત રાખવાના કામમાં પ્રશિક્ષિત કરવામાં આવે છે. છેલ્લાં વીસ વર્ષથી આચાર્યશ્રીના ઉમદા પ્રયત્નોને કારણે નિશાળના અંદાજે એક હજાર વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સહિત ઉત્તમ ભોજનનો લાભ પ્રાપ્ત થયો જે હજુ પણ પ્રાપ્ત થાય છે. થોડા દાનેસરીઓ દ્વારા નિશાળમાં વહેતા રહેતા દાનની રકમમાંથી વિદ્યાર્થીઓને સારાં કપડાં અને મેડીકલ કીટ પણ મળી રહે એની પણ આચાર્યશ્રી તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે. આચાર્ય ફક્ત જરૂરિયાતમંદ કુટુંબોને જ મદદ નથી કરતા, પરંતુ એ કુટુંબોનાં બાળકોમાં સેવાના બીજનું રોપાણ પણ કરે છે, જે બીજ એ શાળાનાં બાળકોમાં નિ:સંશય અંકુરિત થશે જ. જે બહેતર સમાજના રૂપમાં પરિણમી શકે.
સુરત- હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.