ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે તા. 19 ઓક્ટોબરના રોજ ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામનગરી 29 લાખ દીવડાની રોશનીથી ઝગમગશે. આ સાથે અયોધ્યા વિશ્વ રેકોર્ડ બનાવશે. શનિવારે સરયૂ તટ પર યોજાયેલી મહાઆરતીમાં જ 21,000થી વધુ લોકોએ ભાગ લઈ પહેલો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. આ રેકોર્ડની સત્તાવાર જાહેરાત રવિવારે મુખ્ય કાર્યક્રમ દરમિયાન થશે.
સરયૂ આરતીમાં 21 હજાર લોકોનો નવો રેકોર્ડ
શનિવારે સાંજે સરયૂ નદીના ઘાટ પર યોજાયેલી મહાઆરતીમાં 21,000થી વધુ લોકોએ એકસાથે ભાગ લીધો હતો. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારી નિશ્ચલ બારોટે જણાવ્યું કે ભાગ લેનારાઓની ગણતરી ક્યુઆર કોડ સ્કેનિંગ દ્વારા કરવામાં આવી હતી. અગાઉનો રેકોર્ડ 1774 લોકોએ બનાવ્યો હતો. જે હવે તૂટ્યો છે. આ રેકોર્ડની જાહેરાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં કરવામાં આવશે.
29 લાખ દીવડાથી સજાશે રામનગરી
રવિવારે નવમા દીપોત્સવના અવસરે રામની પૈડીના 56 ઘાટ પર 30,000 સ્વયંસેવકો 29 લાખ દીવા પ્રગટાવશે. ગિનીસ બુકની ટીમે ડ્રોનથી દીવાની ગણતરી કરી લીધી છે. આ કાર્યક્રમમાં 26 લાખ 11 હજારથી વધુ દીવા પ્રગટાવીને અગાઉના બધા રેકોર્ડ તોડી નાખવાની તૈયારી છે. સવારથી જ દીવાઓમાં તેલ અને વાટ નાખવાનું કાર્ય શરૂ થઈ ગયું છે. અયોધ્યાને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવી છે.
આસ્થા અને સન્માનનું પ્રતીક: મંત્રી જયવીર સિંહ
રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે “વર્ષ 2017માં પહેલીવાર 1 લાખ 71 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને આજે તે સંખ્યા 26 લાખથી વધુ થઈ ગઈ છે. આ દીપોત્સવ પ્રભુ શ્રી રામ પ્રત્યેની આસ્થા અને સન્માનનું પ્રતીક છે.”
તેમણે કહ્યું કે સરયૂ ઘાટ પર 2100 વેદાચાર્યો મહાઆરતી કરશે. જ્યારે આકાશમાં 1100 ડ્રોન દ્વારા રામાયણના પ્રસંગો જેમ કે “જય શ્રી રામ”, “રામસેતુ”, અને “હનુમાનજી સંજીવની પર્વત સાથે” જેવી આકૃતિઓ દર્શાવવામાં આવશે.
‘દીપોત્સવ AR એપ’થી વર્ચ્યુઅલ દીપદાન
ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગે “દીપોત્સવ AR એપ” રજૂ કરી છે. જેના માધ્યમથી વિશ્વના કોઈપણ ખૂણામાં રહેલા લોકો વર્ચ્યુઅલ દીપદાન કરી શકશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે.
અયોધ્યાનો આ ભવ્ય દીપોત્સવ માત્ર ઉજવણી નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક એકતા અને શ્રી રામ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિક બની રહ્યો છે.