દુનિયાના ત્રણ મોટા ધર્મોમાં ખ્રિસ્તી, ઇસ્લામ અને વૈદિક (સનાતન) ધર્મનો સમાવેશ થાય છે. આજની તારીખમાં દુનિયાના ૨૩૮ કરોડ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. ૧૯૦ કરોડ લોકો ઇસ્લામમાં માને છે અને ૧૧૬ કરોડ લોકો સનાતન ધર્મ પાળે છે. તેની સરખામણીમાં યહૂદી ધર્મ પાળનારાની સંખ્યા ૧.૪૭ કરોડ જેટલી જ છે. મોગલ સમ્રાટ અકબરે દુનિયાના બધા ધર્મો વચ્ચેના તફાવતો મિટાવી દેવા માટે દિને-ઇલાહી નામના નવા ધર્મની સ્થાપના કરી હતી, પણ તેમાં તેને સફળતા મળી નહોતી, કારણ કે દુનિયાના લોકો પોતે જે ધર્મો પાળતા હતા તે છોડવા તૈયાર નહોતા. યુનો જેવી સંસ્થાઓ પણ દુનિયાના બધા ધર્મોનો વિલય કરીને દુનિયામાં એક ધર્મ સ્થાપવાની કોશિશ કરી રહી છે, જેમાં તેને મોટી સફળતા મળી છે.
બીબીસીના હેવાલ મુજબ યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ જેવા ત્રણ ધર્મોનું સંકલન કરીને ‘અબ્રાહમિયા’ નામના નૂતન ધર્મની સ્થાપનાની દિશામાં ચક્રો ગતિમાન થઇ ગયાં છે. તાજેતરમાં ઇઝરાયલ અને કેટલાક આરબ દેશો વચ્ચે એક કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા, જેમાં આ નૂતન ધર્મની સ્થાપનાની વાત કરવામાં આવી છે. જો આજની તારીખમાં યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામમાં માનનારા લોકોનો સરવાળો કરવામાં આવે તો તેમની સંખ્યા ૪૩૦ કરોડ પર પહોંચી જાય છે, જે દુનિયાની વસતિના ૬૦ ટકાથી વધુ થવા જાય છે. ઇલ્યુમિનાટી નામની સંસ્થાનો ઇરાદો દુનિયાના તમામ ધર્મોનું વિલીનીકરણ કરીને એક વિશ્વધર્મની સ્થાપના કરવાનો છે. આ ઇરાદાને સાકાર કરવાની જવાબદારી યુનોને સોંપવામાં આવી છે. આ માટે યુનો દ્વારા લુઇસ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.
૧૯૯૩ માં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાઈ તેનો ઉદ્દેશ પણ દુનિયામાં એક ધર્મની સ્થાપના કરવાનો હતો. જો દુનિયામાં ખરેખર એક ધર્મની સ્થાપના કરવામાં આવે તો દરેક ધર્મના અનુયાયીઓને પોતાના ઇષ્ટ દેવનો ત્યાગ કરવાની ફરજ પડે અને દુનિયાના તમામ ધર્મો પોતાની આગવી ઓળખ ગુમાવી દેશે. યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામમાં માનનારા તમામ લોકો માને છે કે તેમના આદ્ય પુરુષ કે મૂળ પ્રણેતા અબ્રાહમ નામના વડવા હતા, જેને મુસ્લિમો ઇબ્રાહિમ તરીકે ઓળખે છે. યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ વચ્ચે ઘણા લોહિયાળ સંઘર્ષો થયા હતા. ઇસુ ખ્રિસ્તને શૂળી પર ચડાવી દેનારા યહૂદી રાજા હતા. ખ્રિસ્તી ચર્ચ અને ઇસ્લામ વચ્ચે લોહિયાળ યુદ્ધો થયાં હતાં, જેને ક્રૂસેડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ક્રૂસેડ સામે મુસ્લિમો દ્વારા જિહાદ કરવામાં આવી હતી, જેમાં લાખો મરણ થયાં હતાં. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં પણ યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ પ્રજા વચ્ચેના ખટરાગે મોટી ભૂમિકા ભજવી હતી. બીજા વિશ્વયુદ્ધને અંતે પેલેસ્ટાઇનની ભૂમિ ઉપર યહૂદી રાજ્ય ઇઝરાયલની સ્થાપના કરવામાં આવી ત્યારથી ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે સુલેહ કરાવવા ૨૦૨૦ ના સપ્ટેમ્બરમાં અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકાર જારેદ કુશનરના પ્રયાસોથી ‘અબ્રાહમિયન એગ્રિમેન્ટ’ પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા, જેમાં અબ્રાહમને માનતા દુનિયાના ત્રણ ધર્મો વચ્ચે સંપ અને ભાઇચારો વિકસાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
છેલ્લા એક વર્ષથી આ નવા ધર્મની દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. જો કે આ નવા ધર્મનો કોઈ ધર્મગ્રંથ હજુ સુધી તૈયાર કરવામાં આવ્યો નથી. તેનો એક પણ અનુયાયી જગતમાં નથી; તો પણ અબુ ધાબીમાં એક ટાપુ પર આ ધર્મનું વિશાળ કાર્યાલય બંધાઇને તૈયાર થઈ ગયું છે. આ કાર્યાલય નવા ધર્મના હેડ ક્વાર્ટર્સ સમાન હશે. તેમાં યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ એ ત્રણેય ધર્મોનાં પ્રતીકોનો સમાગમ કરવામાં આવ્યો છે. સંયુક્ત આરબ અમીરાતના પાટનગર અબુ ધાબીના સાદિયત ટાપુમાં જે અબ્રાહમિયા ધર્મનું વડું મથક તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં યહૂદી ધર્મના સિનાગોગ, ખ્રિસ્તી ધર્મના ચર્ચ અને ઇસ્લામની મસ્જિદનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. તેનું ઉદ્ઘાટન ૨૦૨૨ માં કરવામાં આવશે.
રોમન કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસ અને ઇજિપ્તના મુસ્લિમ ધર્મગુરુ અલ તૈયબ ઓફ અલ અઝહર પણ આ યોજનામાં ઊંડો રસ લઈ રહ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ આ યોજના આકાર ધારણ કરી રહી છે. આ સંકુલમાં ઇમામ અલ તૈયબ મસ્જિદ, સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ અને મોઝેસ બેન મૈમોન નામનું સિનાગોગ બાંધવામાં આવ્યું છે. તદુપરાંત તેમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બાંધવામાં આવ્યું છે. તેમાં બધા ધર્મોના અનુયાયીઓ હળીમળીને નવા ધર્મની સાધના કરશે. આ નવા ધર્મમાં દરેક ધર્મના ક્રિયાકાંડનો છેદ ઉડાડીને માનવતાના ધર્મ ઉપર જ ભાર મૂકવામાં આવશે.
ઇજિપ્તમાં સર્વધર્મ સમભાવનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે દસ વર્ષ પહેલાં ઇજિપ્ત ફેમિલી હાઉસ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ઇજિપ્તની મશહૂર અલ તૈયબ મસ્જિદના વડા ઇમામ અલ અઝહરે તેની આગેવાની લીધી છે. તાજેતરમાં ઇજિપ્ત ફેમિલી હાઉસની દસમી વર્ષગાંઠ ઉજવવામાં આવી ત્યારે વડા ઇમામે નવા ધર્મની જાહેરાત કરી હતી. તેમના કહેવા મુજબ આ નવો ધર્મ આત્મામાં નહીં માનતો હોય અને તેનાં કોઈ શાસ્ત્રો પણ નહીં હોય.
જો કે આ નવા સૂચિત ધર્મનો મુસ્લિમ તેમ જ ખ્રિસ્તી સમાજમાંથી પણ વિરોધ થઈ રહ્યો છે. ઇજિપ્તના જનરલ ખૈરાત શુકરીએ રશિયા ટુ ડે નામની ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આક્ષેપ કર્યો હતો કે ‘‘અમેરિકા અને ઇઝરાયલે મળીને મિડલ ઇસ્ટના બધા ધર્મોને એક કરવાની કુટિલ યોજના ઘડી છે.’’ તેમના કહેવા મુજબ આ નવો ધર્મ ૧૯૦૭ ના હેન્રી કેમ્પબેલના દસ્તાવેજથી પણ વધુ ભયંકર છે, જેમાં તેણે પહેલી વાર યહૂદી રાષ્ટ્રનો વિચાર વહેતો મૂક્યો હતો. તેનાં પરિણામે ઇઝરાયલનું સર્જન થયું હતું. જનરલ ખૈરાતના કહેવા મુજબ આ યોજના આરબ દેશો પર ઇઝરાયલનું આધિપત્ય ઠોકી બેસાડવા માટે અમેરિકા દ્વારા ઘડવામાં આવી છે. સોશ્યલ મીડિયામાં પણ ઘણાં લોકોએ ભય વ્યક્ત કર્યો છે કે આ નવા સૂચિત ધર્મનો ઉદ્દેશ દુનિયાના તમામ પ્રાચીન ધર્મોનો નાશ કરીને, લોકોને ઈશ્વરથી દૂર કરીને, તેમને શૈતાનની પૂજા કરતાં કરી દેવાનો છે. વર્તમાનમાં જે ફ્રીમેશન નામનું જૂથ ચાલે છે, તેઓ પણ શૈતાનની પૂજા કરનારા છે.
અબુધાબીમાં જે નવા ધર્મનું હેડ ક્વાર્ટર્સ તૈયાર થઇ રહ્યું છે, તેને અબ્રાહમિક ફેમિલી હાઉસ તરીકે ઓળખવામાં આવશે. તેનું ૨૦ ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. જો કે કેટલાક ખ્રિસ્તીઓ પણ આ નવા ધર્મનો વિરોધ કરી રહ્યા છે. જે. સ્ટ્રિકલેન્ડ નામના બિશપ કહે છે કે ‘‘કેટલાક લોકો ન્યુ વર્લ્ડ ઓર્ડરની અને ઇસુ ખ્રિસ્ત વગરના ધર્મની વાત કરી રહ્યા છે. હું આશા રાખું છું કે તે ફેક ન્યૂઝ હશે. જો તે સમાચાર સાચા હોય તો ખ્રિસ્તી ધર્મના રખેવાળ તરીકે હું તેનો વિરોધ કરીશ. મને પાકો વિશ્વાસ છે કે જો દુનિયાનો કોઈ પણ માનવી મુક્તિ ચાહતો હોય તો તે ઇસુ ખ્રિસ્તથી જ મળી શકે.’’આ નવા ધર્મની ભારતના આર્ય ધર્મો પર કેવી અસર પડશે? તેનો વિચાર પણ કરવો પડશે. જે બાળકો મેકોલેનું શિક્ષણ લઈને મોટા થયા છે, તેઓ આમ પણ ધાર્મિક ક્રિયાકાંડમાં રુચિ ધરાવતા નથી. તેમના મતે માનવતા સિવાય કોઈ ધર્મ જ નથી. જો તેઓ આ નવા ધર્મ તરફ વળી જશે તો આર્યાવર્તના તમામ પ્રાચીન ધર્મોનું અસ્તિત્વ જોખમમાં મૂકાઇ જાય તેવું પણ બની શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.