ભરૂચઃ સમગ્ર ગુજરાતમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી ભરૂચ જિલ્લા સહીત દક્ષિણ ગુજરાત વરસાદથી ઓળઘોળ થઇ ગયો છે. મોડી રાત્રે ભરૂચ જિલ્લાના વાલિયામાં આભ ફાટ્યું હોય એમ 30 વર્ષને યાદ કરાવી દીધું હોય એવો જનજીવન પર એહસાસ થયો હતો.
- નવા તળાવની પાળ તૂટતા સંગ્રહ કરેલું પાણી વહી ગયું
- વાલિયા તાલુકાના 16 ગામોને અસર, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહીત તંત્રની ટીમે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી
- ત્રણ ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા, પીંગોટ ડેમ 3 સેન્ટીમીટર,બલદેવા ડેમ 10 સેન્ટીમીટર અને ધોલી ડેમ 20 સેન્ટીમીટર પાણી ઓવરફલો થઈને વહી રહ્યું છે
વર્ષ-1994માં વાલિયા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યા બાદ ત્રીસ વર્ષે હાલમાં ધોધમાર વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગઈ હતી. વાલિયાનું લુણા ગામે નવા તળાવની પાળ તૂટી જતા સંગ્રહ થયેલું પાણી વહી ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને લુણાનાં ખેડૂત અગ્રણી રાજેન્દ્રસિંહ માંગરોલાએ જણાવ્યું હતું કે જો આ તળાવની વહેલી તકે મરામત ન થાય તો ઉનાળામાં પાણી વગરનું તળાવ બની જશે.
આ સાથે વાલિયા તાલુકાના 17 રસ્તાઓ ઉપરથી પાણી ઉપરથી ફરી વળ્યા હતા. જો કે સમગ્ર ઘટનાને લઈને ઝઘડીયાનાં ધારાસભ્ય રીતેશ વસાવા, વાલિયાના મામલતદાર શ્રદ્ધાબેન નાયક સહીતની ટીમ તાબડતોબ પહોચી જઈને મુલાકાત લીધી હતી.
કીમ નદીને કારણે 16 ગામોને તકેદારી માટે નદી કિનારે ન જવા સુચના આપી દીધી હતી. જેમાં વાલિયા તાલુકાના ડહેલી, દોલતપુર, ગાંધુ, શીનાડા, ઈટકલા, કેસરગામ, શિંગલા, કરા, લુણા, ઘોડા, પઠાર, જોખલા, દેશાડ, દાજીપુરા, ડણસોલી (લીમડીફળિયું) અને સોડગામ ગામોનો સમાવેશ થાય છે.
પીંગોડ ડેમ ઓવરફલો થયો
હવામાન વિભાગ દ્વારા ભરૂચ જીલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને સ્થિતિ વણસવાની શક્યતા દેખાઈ રહી છે. ભરૂચ જિલ્લાના સાતપુડા તળેટીમાં આવેલ ત્રણ ડેમો છેલ્લા એક મહિનાથી 100 ટકા સંપૂર્ણ ભરાઈને ઓવરફલો થઇ રહ્યા છે. પીંગોટ ડેમની પાણીની સપાટી 139.73 મીટર હોવાથી ઓવરફલો 139.70 છે. જેને લઈને 3 સેન્ટીમીટર પાણી વહી રહ્યું છે. બલદેવા ડેમની પાણીની સપાટી 141.60 મીટર હોવાથી ઓવરફલો 141.50 મીટરને લઈને 10 સેન્ટીમીટર પાણી વહી રહ્યું છે. જયારે ધોલી ડેમ પાણીની સપાટી 136.20 મીટર હોવાથી ઓવરફલો 136 મીટર છે.જેને લઈને 20 સેન્ટીમીટર પાણી સતત વહી રહ્યું છે.
કાછોટા ફળિયામાં 30 ઘરોના 87 લોકો પાણીમાં કેદ
વાલિયા તાલુકામાં 16 કલાકમાં 16 ઇંચ વરસાદ વરસતા કીમ નદીમાં ઘોડાપુર આવતા ડહેલીનું કાછોટા ફળીયામાં 30 ઘરોમાં 87 લોકો સંપર્કવિહોણા થઇ ગયા છે.આ ઘટનાનાં પગલે વહીવટીતંત્ર સજ્જ થઇ તેઓને પાણી નહિ ઉતરે તો NDRF/SDRF ટીમ તેઓને સલામતસ્થળે ખસેડવા પ્રયાસ કરાશે.હાલમાં તેઓને જમવાની સહીતની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.