ભારતની સુરક્ષા દ્રષ્ટિએ ચીનની એક નવી કાર્યવાહી ચિંતાનો વિષય બની છે. અહેવાલો મુજબ Chinaએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એટલે કે Pakistan-occupied Kashmir (PoK) અને Afghanistanની સીમા નજીક એક નવી “કાઉન્ટી” સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે ને લઈને ભારત માટે સુરક્ષા વ્યૂહાત્મક દ્રષ્ટિએ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ચીન દ્વારા બનાવવામાં આવતી આ નવી પ્રશાસનિક એકમ તેની પશ્ચિમી સરહદ વિસ્તારમાં સ્થિત શિનજિયાંગ પ્રદેશ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે, કારણ કે તે ચીન–પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) સાથે પણ સંકળાયેલો માનવામાં આવે છે. વિશ્લેષકોના મત મુજબ આ પગલું ચીન દ્વારા વિસ્તારમાં પોતાની પકડ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ભારત અગાઉથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે PoK ભારતનો અભિન્ન ભાગ છે અને ત્યાં ચીન અથવા અન્ય કોઈ દેશ દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રકારની બાંધકામ પ્રવૃત્તિ અથવા પ્રશાસનિક ફેરફાર સ્વીકાર્ય નથી. આવી સ્થિતિમાં ચીન દ્વારા કાઉન્ટી સ્થાપવાના સમાચાર ભારત માટે રાજદ્વારી અને સુરક્ષાત્મક દ્રષ્ટિએ ગંભીર મુદ્દો બની શકે છે.
રિપોર્ટ્સ મુજબ આ વિસ્તાર શક્સગામ વેલી નજીક આવેલો હોવાનું કહેવાય છે, જે વિસ્તાર 1963માં પાકિસ્તાન દ્વારા ચીનને સોંપવામાં આવ્યો હતો. ભારત આ કરારને ક્યારેય માન્યતા આપતું નથી. તેથી આ વિસ્તારમાં ચીનની વધતી હાજરીને ભારત સતત વિરોધ કરતું આવ્યું છે.
વિશ્લેષકોનું કહેવું છે કે ચીનનું આ પગલું માત્ર પ્રશાસનિક ફેરફાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ લાંબા ગાળાની વ્યૂહાત્મક યોજના હેઠળ લેવામાં આવેલ નિર્ણય હોઈ શકે છે. ખાસ કરીને અફગાનિસ્તાનની નજીક સ્થિત આ વિસ્તાર ભવિષ્યમાં સુરક્ષા, વેપાર માર્ગો અને સૈન્ય ગતિવિધિઓ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
ભારત માટે આ સમગ્ર ઘટનાક્રમ ચિંતા વધારનાર માનવામાં આવી રહ્યો છે, કારણ કે ચીન છેલ્લા કેટલાક વર્ષોમાં સરહદી વિસ્તારોમાં પોતાની પ્રવૃત્તિઓ ઝડપથી વધારી રહ્યું છે. હવે PoK–અફગાન બોર્ડર નજીક નવી કાઉન્ટી બનાવવાના અહેવાલો બાદ દક્ષિણ એશિયાની ભૂ-રાજનીતિમાં નવા તણાવની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.